નાણાવર્ષની પાંચમી દ્વિમાસિક બેઠક બાદ રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા નીતિવિષયક નિર્ણયોમાં અર્થતંત્રને વધુ ઝડપે વિકસાવવાના નીડર પ્રયાસો સાથે વિકાસમાં અતૂટ આત્મવિશ્વાસ જોવા મળ્યો. અસાધારણ આર્થિક વિકાસ, ઐતિહાસિક નીચા ફુગાવા અને રૂપિયાના નવા લૉ લેવલ વચ્ચે હિંમતભર્યા નિર્ણયો સાથેની રિઝર્વ બૅન્કની નીતિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાહોશ અને આત્મવિશ્વાસભર્યાં વ્યાપારી, રાજદ્વારી પગલાંને પ્રતાબિંબિત કરે છે.
આરબીઆઈની
મોનેટરી પોલિસી કમિટીએ એકમતે રેપો રેટ 0.25 ટકા ઘટાડયો છે અને વલણ તટસ્થ રાખવાનો નિર્ણય લીધો છે. વૃદ્ધિને અવરોધ્યા વિના ફુગાવાને નિયંત્રિત કરવાના પ્રયાસોને સંતુલિત કરવાનો આશય છે. પૉલિસીમાં રેટ કટ અપેક્ષિત હતો. નાણાવર્ષ 2026 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના 6.8 ટકાથી વધારીને 7.3 ટકા કર્યો છે, જ્યારે ગ્રાહક ફુગાવાનું અનુમાન અગાઉના 2.6 ટકાથી ઘટાડીને બે ટકા કર્યું છે.
તાજેતરમાં
રૂપિયાના નવા નીચા સ્તર છતાં આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે બાય-સેલ સ્વેપ રૂપિયાના કોઈ લેવલને અનુલક્ષીને નહીં, પરંતુ અર્થતંત્રમાં તરલતાના ઉદ્દેશથી જ કરવામાં આવશે. એમાં રૂપિયાને ટેકો આપવાનો ઉદ્દેશ નથી જ. સ્વાભાવિક રીતે જ અર્થતંત્રમાં કુલ 1,45,000 કરોડ આવશે. આ તો માત્ર ડિસેમ્બરની જ વાત છે. મધ્યસ્થ બૅન્ક નાણાવર્ષના ચોથા ત્રિમાસિકમાં આ દિશામાં હજુ વધુ પગલાં લઈ શકે છે. વૃદ્ધિની રફતાર જળવાઈ રહી એ માટે તહેવારોની સિઝન અને જીએસટી ઘટાડાને ક્રેડિટ આપી. જીએસટી સુસંગત બનાવવાથી અને તહેવારોની માગને કારણે ઘરઆંગણે વપરાશ વધ્યો. બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 8.2 ટકા નોંધાઈ, જે છ ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચી છે.
રેપો
રેટ ઘટાડવા છતાં તટસ્થ વલણ જાહેર કરવાનો મતલબ છે કે મોંઘવારીને કાબૂમાં રાખવા ભવિષ્યમાં પણ દરમાં વધુ ઘટાડવાનો અવકાશ છે. ગ્રામીણ માગ વધી રહી હોવાનું અને શહેરી માગ રિકવર થઈ રહી હોવાનું પણ આરબીઆઈએ જણાવ્યું છે. ખાનગી રોકાણો અને બૅન્ક ક્રેડિટ વધતાં અર્થતંત્રને મજબૂત વેગ મળી રહ્યો છે. આમ જનતાની દ્રષ્ટિએ જોઈએ તો રેટ કટથી ધિરાણો સસ્તાં થતાં ઈએમઆઈ ઘટશે. આરબીઆઈએ નાણાવર્ષ 2026ના પહેલો છમાસિક ગાળો આઠ ટકાના વિકાસ દર, 2.2 ટકા મોંઘવારી અને બેન્કિંગ સેક્ટરનાં મજબૂત કામકાજને પગલે સંતોષજનક હોવાનું કહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફ વૉર વચ્ચે પણ ભારતમાં ઘરઆંગણાની માગ ઉપર અસર થઈ નથી. તહેવારોનાં વેચાણો, અૉટો ક્ષેત્રે વેચાણોમાં વૃદ્ધિના આંકડા આ વાતને પુષ્ટિ આપે છે. બેન્કિંગ સિસ્ટમમાં 1.5 લાખ કરોડની લિક્વિડિટી દર્શાવે છે કે બજારમાં કૅશની કોઈ કમી નથી. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કીમતી ધાતુઓના ભાવ વધતાં મોંઘવારી ઉપર 0.50 ટકા વધુ દબાણ જોવા મળ્યું છે. રૂપિયામાં મોટા પાયે હલચલ વચ્ચે ગવર્નરે તેની મજબૂતી કે નબળાઈ વિશે કોઈ સંકેત આપવાનું ટાળ્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી અને વધતી વેપાર ખાધ જેવાં પરિબળો રૂપિયા ઉપર દબાણ સર્જી શકે છે.
શ્રમિક કાયદામાં સુધારા, રોજગારની તકો વધારશે. વિવિધ મોરચે સરકારના પગલાં વેપાર-ઉદ્યોગોને રાહત આપવા સાથે નવું જોમ પણ ઉમેરશે. આરબીઆઈની પોલિસી અને આર્થિક આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશનો વિકાસ દર ઘરઆંગણાના માગ અને વપરાશથી પ્રેરિત છે. વિશ્વના સૌથી ઝડપભેર વિકસતા અર્થતંત્રની, ઘરઆંગણાના બજાર ઉપર ફોકસ થયેલા વિકાસની આ આત્મનિર્ભરતા જ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં અગ્રસર બનાવશે.