ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ આમ તો 2024માં લોકસભા ચૂંટણી પૂર્વે જ પૂરો થઈ ગયો હતો, પણ આ પદ પર નવા નેતાની વરણી-પસંદગી કે ચૂંટણી વિવિધ કારણોસર આગળ ઠેલાતી રહી છે. ગત બુધવારે નવી દિલ્હીમાં પક્ષની ઉચ્ચ સ્તરીય બેઠકોને પગલે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ટૂંક સમયમાં જાહેર થશે એવા સંકેત છે. કમુરતાં બેસે એ પહેલાં એટલે કે 15મી ડિસેમ્બર પૂર્વે આ જાહેરાત થવાની શક્યતા છે. ભાજપ સહિત બધા જ રાજકીય પક્ષોમાં વત્તાઓછા અંશે પરિવારવાદનું દૂષણ જોવા મળે છે. પણ દેશના લગભગ તમામ પ્રાદેશિક પક્ષો એક ચોક્કસ પરિવારની આસપાસ સમેટાઈ ગયા હોવાનું ચિત્ર છે અને સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસ પણ નેતૃત્વ માટે નહેરુ-ગાંધી કુટુંબથી આગળ વધી શકતો નથી. આવામાં, ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે કાવાદાવા કે ચડસાચડસી ખાસ જોવા મળતી નથી. આને પક્ષની શિસ્ત કહો કે મજબૂત શીર્ષ નેતાઓની આણ કે સંગઠનનું બળ કહો, રાજકીય પક્ષોમાં આવી લોકતાંત્રિક વ્યવસ્થા ભાગ્યે જ જોવા મળે છે. વળી, 2026માં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડ્ડુચેરી અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી મહત્ત્વની બની જાય છે.
ગત બુધવારે વડા
પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા ભાજપના વર્તમાન અધ્યક્ષ જે. પી. નડ્ડા
અને મુખ્ય સચિવ બી. એલ. સંતોષની હાજરીમાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામની
પસંદગી કરી લેવાઈ હોવાના અહેવાલ છે. વળી, ઉત્તર પ્રદેશના રાજ્ય ભાજપ એકમના અધ્યક્ષની
પસંદગી પણ થવાની છે. બી. એલ. સંતોષ નવી દિલ્હી આવ્યા એ પૂર્વે ઉત્તર પ્રદેશના મુખ્ય
પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક અરુણકુમાર સહિત અનેક
મોટા નેતાઓ સાથે બેઠકો કરી હતી. આથી, ઉત્તર પ્રદેશ રાજ્ય એકમના વડાના નામની જાહેરાત
પણ થવાની આશા રખાય છે.
બિહાર વિજયમાં
એનડીએને મળેલી મોટી જીત તથા ભાજપના જ્વલંત દેખાવને પગલે કેન્દ્રીય પ્રધાન અને બિહાર
ચૂંટણીના ઈન્ચાર્જ ધર્મેન્દ્ર પ્રધાનનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની દોડમાં સૌથી
આગળ જણાય છે. આ ઉપરાંત, લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રના નેતા વિનોદ તાવડેનું નામ
આ પદ માટે આગળ હતું, આ વખતે કદાચ તેમને તક મળી શકે છે. એમ તો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ
મુખ્ય પ્રધાન શિવરાજાસિંહ ચૌહાણનું નામ પણ આ પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને નવી દિલ્હી બોલાવી લેવાશે એવી વાત હતી,
પણ મહારાષ્ટ્રમાં મળેલા વિજય બાદ એ ચર્ચા શમી ગઈ છે. એમ તો નિર્મલા સીતારામન અને ડી.
પુરંદેશ્વરી જેવાં નામો આ પદ માટે ચર્ચાયાં છે. જોકે, ભાજપની નેતાગીરી હંમેશાં સરપ્રાઈઝ
આપવા માટે પંકાયેલી હોવાથી તથા જાતિ, રાજ્ય અને અન્ય પરિબળોને જોખી-માપી-નાણી ટૂંક
સમયમાં નામની જાહેરાત થઈ શકે છે.