• શનિવાર, 25 માર્ચ, 2023

પેન્શન : અવ્યવહારુ માગણી  

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણીના સમર્થનમાં મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ 14મી માર્ચથી બેમુદત હડતાળ પર જવાના છે. કારણ કે સમાધાનનો માર્ગ કાઢવા માટે સરકારી સ્તરે સરકારી કર્મચારી સંગઠનોની સમન્વય સમિતિ સાથે યોજવામાં આવેલી બેઠક નિષ્ફળ ગઈ છે. નવી પેન્શન યોજનાના બદલે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ એવી નિવૃત્ત કર્મચારીઓની જોરદાર માગણી છે. નવી પેન્શન યોજનાને લઈ અલ્પ વેતન મળશે અને તેમાંથી બે ટંકનો ખાડો પૂરવાનું શક્ય નહીં બને એવું કર્મચારીઓનું કહેવું છે. 

હવે કૉંગ્રેસ સાથે `આપ'એ પણ જૂની પેન્શન યોજનાની કર્મચારીઓની માગણીને ટેકો આપ્યો છે. પંજાબમાં પણ આ યોજના લાગુ કરવાનું `આપ'એ જાહેર કર્યું છે અને હિમાચલમાં સત્તા મળે તો અમે જૂની નિવૃત્તિ પેન્શન યોજના લાગુ કરીશું એવું આશ્વાસન કૅંગ્રેસે આપ્યું હતું. સત્તા મળી અને તેણે ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી જૂની યોજના ફરી જાહેર કરી છે. હવે ઘણા લોકો આ યોજનાના મોહમાં પડયા હોવાથી લોકપ્રિયતાની સ્પર્ધામાં બધા જ પક્ષો ઉતર્યાનું જણાય છે.

આ પાર્શ્વભૂમિકા પર નાયબ મુખ્ય પ્રધાન તેમ જ નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલી ચેતવણી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ વિષય પર ફડણવીસે વિધાનમંડળમાં કરેલું ભાષણ અભ્યાસપૂર્ણ અને ચિંતનીય છે. હાલ રાજ્ય સરકારની આવકની લગભગ 60 ટકા જેટલી રકમ વેતન, નિવૃત્તિ વેતન અને જૂના કરજની વ્યાજ ચુકવણી માટે ખર્ચાય છે. રાજ્ય સરકાર કર્મચારીઓની માગણી અનુસાર નવી નિવૃત્તિ યોજના રદ કરીને સરકાર ફરી જૂની યોજના ભણી વળે તો ખર્ચ નિશ્ચિત 80 ટકા કરતાં વધુ થશે. એટલે કે સરકારી તિજોરીમાં જમા થનારા દરેક 100 રૂપિયામાંથી 80 અથવા વધુ રૂપિયા ફક્ત વેતન, નિવૃત્તિ વેતન અને વ્યાજ પર ખર્ચ કરવા પડશે.

રિઝર્વ બૅન્કે આપેલી માહિતી અનુસાર 2020-21માં રાજ્ય સરકારે 3.86 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ફક્ત અને ફક્ત નિવૃત્તિ વેતન માટે ખર્ચ કરી હતી. આ પ્રમાણ રાજ્યની વેરા આવક પૈકી 26 ટકા જેટલું થાય છે. બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ વગેરે રાજ્યોમાં આ પ્રમાણ અધિક છે. કારણ કે સરકારી કર્મચારીઓની સંખ્યા વધુ છે. ઉદ્યોગ-ધંધાનું પ્રમાણ ઓછું હોવા છતાં રોજગારી પૂરી પાડવાની જવાબદારી સરકારની ઉપર છે. રાજ્યોને `બીમાર' બનાવવામાં બધા પક્ષોનો સાથ હોય છે.

જૂની નિવૃત્તિ યોજના લાગુ થાય તો મહારાષ્ટ્ર આ રાજ્યોની હરોળમાં જઈ શકે છે. `આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા' એવો વિચાર હોય તો આ માગણી ઠીક છે. વ્યક્તિને આ ક્ષુદ્રપણું પરવડી શકે. સરકાર આવો વિચાર ન કરી શકે. અમે નિવૃત્ત થઈએ પછી અમારી નિવૃત્તિ વેતનનો પૅન્શનનો ભાર તમે ઊંચકો એવું ઉદાત્તપણું જૂની નિવૃત્ત વેતન યોજનાનો આગ્રહ ધરનાર કર્મચારીઓનો જણાય છે તે યોગ્ય નથી. પોતાના સેવાનિવૃત્ત કર્મચારીઓને આયુષ્યભર જોઈએ એટલું વેતન આપતા રહેવું એ કોઈ પણ સરકારનું કર્તવ્ય ન હોઈ શકે. આ સત્ય સમજવું જ પડશે. ભાવનાના આધારે આવી માગણી કરવી સરળ છે, વ્યવહારમાં તે માન્ય કરવી કઠિન છે, માગણી અવ્યવહારુ છે.