• મંગળવાર, 01 જુલાઈ, 2025

ચૂંટણી પંચ સામેની ફરિયાદ રાજકારણથી પ્રેરિત

ચૂંટણી પંચની પ્રામાણિકતા અને કાર્યદક્ષતા ઉપર શંકા જગાવીને અવિશ્વાસનો પ્રચાર કરવામાં આવે છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન વોટિંગ મશીન બાબત પણ આવો અવિશ્વાસ અને પ્રચાર થયો હતો - જેના ઉપર સુપ્રીમ કોર્ટે પૂર્ણવિરામ મૂક્યું છે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં `ગરબડ' થયાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યા પછી ચૂંટણી પંચે વિગતવાર ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવા છતાં તેઓ આવ્યા નથી. હવે કૉંગ્રેસે આ મોરચા માટે વિશેષ `ઍક્શન ગ્રુપ'ની નિમણૂક કરી છે. તેણે ચૂંટણી પંચને જણાવ્યું છે કે અમને મતદારોની નામાવલિની યાદી અને વોટિંગના વીડિયો રેકોર્ડિંગ મોકલાવો જેથી તેનું વિશ્લેષણ કરીને પંચને આપી શકાય. કૉંગ્રેસનો મુદ્દો એવો છે કે સાંજે પાંચ વાગ્યા પછી મતદાનના આંકડામાં જે વધારો થયો છે તે 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં થયેલા વધારાની સરખામણીમાં ઘણો વધુ છે જે સમજાવી શકાતો નથી.

મતદારોની યાદી સોંપવાની સાદી-સીધી માગણી સ્વીકારાતી નથી તે બદલ કૉંગ્રેસે પંચની ટીકા કરી છે પણ ચૂંટણી પંચ કહે છે વર્ષ 2018માં કૉંગ્રેસી નેતા કમલનાથે આવી માગણી કરી હતી જેનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો હતો. રસપ્રદ બાબત એ છે કે ત્યારે અરજદારના વકીલ અભિષેક સંઘવી હતા - જે અત્યારે કૉંગ્રેસના ``ઍક્શન ગ્રુપ''માં છે. આનો અર્થ એ થાય કે કૉંગ્રેસનો જૂનો આક્ષેપ અને ફરિયાદ નવી નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તેની જાણ વકીલને હોવી જ જોઈએ તેમ છતાં આ વિવાદ ઉખેળાય છે તેના મૂળમાં રજકારણ છે. ચૂંટણી પંચની પ્રામાણિકતા અને કાર્યદક્ષતા ઉપર શંકા જગાવીને અવિશ્વાસનો પ્રચાર કરવામાં આવે છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન વોટિંગ મશીન બાબત પણ આવો અવિશ્વાસ અને પ્રચાર થયો હતો - જેના ઉપર સુપ્રીમ કોર્ટે પૂર્ણવિરામ મૂક્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનાં કારણ શોધવાને બદલે બહાનાં શોધાઈ રહ્યાં છે.