આપણા ચૂંટણીના રાજકારણમાં `સેક્યુલરવાદ' સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો છે. ભારત સરકાર અને સમસ્ત ભારતમાં `સંવિધાન - હત્યા દિવસ' નિમિત્તે 1975ની ઇમર્જન્સીમાં નાગરિકો ઉપર થયેલા અત્યાચાર અને લોકતંત્રની ગુલામીની જાણ અને જ્ઞાન આપણી નવી પેઢીને મળ્યાં હશે. તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સત્તા જાળવવા માટે સંવિધાનમાં જે સુધારા - (અથવા બગાડા) કર્યા તેમાં બે શબ્દો - સેક્યુલર અને સમાજવાદ - મુખ્ય છે. ચૂંટણીના રાજકારણમાં આ શબ્દોએ ઘણો મહત્ત્વનો - અને નકારાત્મક ભાગ ભજવ્યો છે. હવે એક બાજુ `સંવિધાન બચાવો'ના સૂત્રોચ્ચાર સંભળાય છે ત્યારે બીજી બાજુ આ બંને શબ્દો સંવિધાનમાંથી બાદ કરવાની, રદ કરવાની ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.
આરએસએસ અને ભાજપના
નેતાઓ કહે છે કે ભારતીય રાજ્યબંધારણ - સંવિધાનના મૂળ સ્વરૂપમાં બાબાસાહેબ આંબેડકરે
આ શબ્દો લખ્યા નહોતા - કારણ કે ભારતીય સંસ્કૃતિમાં સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુમ્બકમ્
- ઓતપ્રોત છે તેથી સેક્યુલરવાદ અને સમાજવાદ આમેજ કરવાની આવશ્યકતા નહોતી પણ `ઇમર્જન્સી'
દરમિયાન સંસદ અને ન્યાયતંત્ર પણ `બંધક'ની સ્થિતિમાં હતા ત્યારે આ બંને શબ્દો ઉમેરીને
સંવિધાનનું સ્વરૂપ વિકૃત કરવામાં આવ્યું. ઇમર્જન્સીમાં લોકતંત્ર અને નાગરિકોની આઝાદી
છીનવી લેવામાં આવી હતી ત્યારે તે `વાજબી' અને અત્યંત આવશ્યક અનિવાર્ય ઠરાવવા માટે બહુમતી
જનતાને ભ્રમમાં રાખીને સત્તા મેળવવાની ધારણાથી આ `સુધારા' સંવિધાનમાં કરવામાં આવ્યા
હતા. હવે સમય આવ્યો છે આ બંને શબ્દો રદ કરવાનો. અલબત્ત, હજુ તો આ વિષયની ચર્ચા જ શરૂ
થઈ છે. પૂરી જન-જાગૃતિ થાય તે પછી સંવિધાનમાં સુધારા ખરડો આવી શકે.
ચૂંટણી પ્રચારમાં
સેક્યુલરવાદનાં ઓઠાં હેઠળ કોમવાદને પ્રોત્સાહન મળ્યું અને વોટ બૅન્કનાં ખાતાં ખૂલવાં
લાગ્યાં. આ શબ્દના દુરુપયોગથી સમાજમાં ધર્મના આધારે વિભાજન શરૂ થયું - ભારતની વિવિધતામાં
રહેલી એકતા તોડવામાં આવી. સર્વ ધર્મની ભાવના ભારતની સંસ્કૃતિમાં છે તેનું અવમૂલ્યન
થયું.
આવી જ રીતે સમાજવાદની
વિદેશી સમાજ રચનાથી પણ મનભેદ શરૂ થયા - સમૃદ્ધિ જાણે અસ્પૃશ્ય હોય એવી છાપ પડી. પૃથ્વી
ઉપર સૌના એક પરિવારની ભાવના ભુલાઈ ગઈ કે ભુલાવી દેવામાં આવી. આ રીતે `ગરીબી' ચૂંટણીમાં
વોટ મેળવવાનું સાધન બની ગઈ. હવે આ વિષયમાં સુધારાની ચર્ચા-વિચારણાને બદલે ચૂંટણીમાં
વિવાદનો મુદ્દો બનાવવાના પ્રયાસ શરૂ થઈ રહ્યા છે.