• મંગળવાર, 01 જુલાઈ, 2025

એસસીઓની બેઠકમાં ભારતે ચીન-પાકનો કારસો વિફળ બનાવ્યો

આ વખતે પહેલગામ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાના પુરાવા સામે આવ્યા છતાં એસસીઓના નિવેદનમાં ઉલ્લેખ ટાળવામાં આવતાં આતંકવાદના મુદ્દે ચીનનાં બેવડાં ધોરણો વિશ્વ સમક્ષ વધુ એક વખત છતા થયા છે

વિશ્વની સામે આતંકવાદનો પડકાર વધુ ને વધુ લોહિયાળ બની રહ્યો છે, પણ કમનસીબી એ છે કે, દુનિયાના દેશો આ પડકારની સામે એકસૂર થવામાં પોતપોતાનાં સંકીર્ણ હિતોને પ્રાથમિક્તા આપી રહ્યા છે. આવી જનમાનસિક્તા વિવિધ વૈશ્વિક મંચો પર પણ છતી થઈ રહી છે. હજી હંમણા સમાપ્ત થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (એસઅીઓ)ના ચીનના કિંગદાઓમાં યોજાયેલા સંમેલનમાં આતંકવાદના મામલે એક સમાન વલણના અભાવે સંયુક્ત નિવેદન બહાર પડી શક્યું નહીં એ આ ચાવીરૂપ સંગઠનની મોટી નિષ્ફળતા ગણી શકાય. જોકે, આ માટેના સંયુક્ત નિવેદનના મુસદ્દામાં ભારતે તેનાં વલણનો સમાવેશ ન કરતાં વ્યક્ત કરેલા વાંધાને લીધે તે જાહેર ન થતાં નવી દિલ્હીની એક મોટી રાજદ્વારી સફળતા અંકિત થઈ છે. 

ચીનના પ્રભુત્વ હેઠળના એસસીઓની ચાવીરૂપ બેઠક આતંકવાદના પડકારના મામલે સ્પષ્ટ વલણ લેશે એવી વિશ્વને અપેક્ષા હતી, પણ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની હંમેશાં તરફેણ કરતા રહેતા ચીને તેના પ્રભાવનો ઉપયોગ કરીને બેઠકના સંયુક્ત નિવેદનમાં બલૂચિસ્તાનના આતંકવાદને સામેલ તો કર્યો પણ પહેલગામના આતંકી હુમલાના ઉલ્લેખને આબાદ ટાળ્યો હતો. પાકિસ્તાન અને ચીનની આ સાઠગાંઠ છતી થતાં ભારતે આ બેઠકમાં પોતાની વાત ભારે વિરોધ સાથે વ્યક્ત કરી હતી. ભારતીય સંરક્ષણપ્રધાન  રાજનાથસિંહે મંચ પરથી પાકિસ્તાનના આતંકી ચહેરાને વધુ બેનકાબ કર્યો હતો.  

ચીનના પાકિસ્તાના પ્રેમને છતા કરતા એસસીઓ સંમેલનના સંયુક્ત નિવેદનના રુખનો ભારતે આકરો વિરોધ કરીને તેમાં સહી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ભારતના આ કડક વલણને લીધે આ સંયુક્ત નિવેદન બહાર પાડયા વગર જ બેઠક આટોપી લેવાઈ હતી. નિવેદનમાં પહેલગામના હુમલાને આતંકી ઘટના ગણાવીને તેનો ઉલ્લેખ ટાળવાના ચીનનાં વલણે તેનાં બેવડાં ધોરણને વધુ એક વખત છતું કર્યું છે.  

ઉલ્લેખનીય બાબત એ છે કે, થોડાં વર્ષ અગાઉ બીજિંગમાં યોજાયેલી બ્રિક્સ દેશોની બેઠકના અંતે બહાર પડાયેલા ઘોષણાપત્રમાં એ હકીકતનો સમાવેશ કરાયો હતો કે, ઘણાં મોટાં આતંકી સંગઠનો પાકિસ્તાન સ્થિત તેમનાં મથકો પરથી પોતાની પ્રવૃત્તિ ચલાવે છે. આ વખતે પહેલગામ હુમલામાં પાકિસ્તાનથી આવેલા આતંકીઓનો હાથ હોવાના પુરાવા સામે આવી ચૂક્યા છે. આમ છતાં એસસીઓની બેઠકના નિવેદનમાં આ આતંકી હુમલાનો ઉલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું હતું. આવાં વલણે આતંકવાદના મુદ્દે ચીનનાં બેવડાં ધોરણો વિશ્વ સમક્ષ વધુ એક વખત છતા થયા છે.  

એસસીઓ કે અન્ય ક્ષેત્રીય સંગઠનોની ચાવીરૂપ બેઠકોમાં પરસ્પર સહયોગ માટે મંથન થતું હોય છે, પણ આજના જમાનામાં આવા કોઈપણ સહયોગમાં આતંકવાદ મોટો અંતરાય બની રહે છે.  ખરેખર તો હવે પછી આવી કોઈ વૈશ્વિક બેઠકોના એજન્ડામાં આતંકવાદના મામલે નિષ્પક્ષ અને એકસૂરનાં વલણની કાયમી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ.