બૉમ્બે હાઈ કોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા રાજ્યના અન્ય સત્તાવાળાઓનો કાન આમળતાં નિર્દેશ આપ્યા છે કે, રસ્તા પરના ખાડા અથવા ખુલ્લી ગટરને કારણે થયેલાં મોત માટે રૂા. છ લાખ તથા ઈજાગ્રસ્તોને પચાસ હજારથી અઢી લાખ સુધીનું વળતર તમારે ચૂકવવું જ જોઈએ. નાગરિકોને સલામત રસ્તા આપવા એ સત્તાવાળાઓનું કામ છે, એવા એક દાયકા પૂર્વેના નિકાલમાં સ્પષ્ટ કહેવા છતાં તથા અનેકવાર નિર્દેશ આપ્યા છતાં દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બિસ્માર થાય છે તથા અનેક નિર્દોષ નાગરિકોના જીવ જાય છે. આના માટે સરકારી તંત્ર, અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવા જોઈએ એવું નક્કર સ્ટેન્ડ પણ અદાલતે લીધું છે. વળી, અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, આ વળતર સ્વતંત્ર તથા અન્ય કોઈ કાયદા કે જોગવાઈ દ્વારા અપાતા વળતર ઉપરાંત હશે. ઉચ્ચ અદાલતે આપેલા આ નિર્દેશ સમયોચિત છે અને નીંભર તંત્ર કઈ રીતે અદાલતના નિર્દેશોને ઘોળીને પી જાય છે એનું જ્વલંત ઉદાહરણ છે. નાગરિકોને મૂળભૂત જરૂરિયાતો માટે ટટળાવતાં તંત્રની કુંભકર્ણ ઊંઘ આનાથી ખૂલે તો સારું.
હાઈ કોર્ટે રસ્તા પરના ખાડા અને ખુલ્લી ગટરોમાં (ઢાંકણાં
વિનાના મેનહોલ) પડવાથી થતાં મોત માટે વળતર આપવા એક પૅનલ બનાવવાના નિર્દેશો પણ આપ્યા
છે. આ પૅનલ પર સંબંધિત મહાનગરપાલિકાના કમિશનર અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ અૉથોરિટીના
સચિવ તથા નગર પરિષદ માટે પ્રાધિકરણના સચિવ અને મુખ્ય અધિકારી હોવા જોઈએ. એટલું જ નહીં,
જસ્ટિસ રેવતી મોહિત ડેરે તથા જસ્ટિસ સંદેશ પાટીલની ખંડપીઠે સાત દિવસની અંદર પૅનલની
પહેલી બેઠક યોજવાના નિર્દેશ પણ આપ્યા છે. ત્યાર બાદ દર પંદર દિવસે આ બેઠક થવી અને ખાસ
તો ચોમાસામાં આ બેઠક થવી જરૂરી હશે. ખાડાને કારણે અથવા ખુલ્લા મેનહોલને કારણે થયેલાં
મોત અંગે આ પૅનલે સુઓ મોટો નોંધ લઈ અથવા મૃતકના પરિવારની અરજી પર કાર્યવાહી કરવાની
રહેશે. અખબારી અહેવાલને ધ્યાનમાં લઈ પગલું લેવાનો અધિકાર પણ આ પૅનલને રહેશે. સંબંધિત
વિસ્તારના પોલીસ અધિકારીને આવી દુર્ઘટનાની જાણકારી પૅનલને 48 કલાકમાં આપવી બંધનકારક
રહેશે અને છથી આઠ અઠવાડિયાંની અંદર વળતરની રકમ પીડિતના પરિવારને મળી જાય એ પણ જોવાનું
રહેશે. અદાલતે આખી સમસ્યાનો બધી રીતે અભ્યાસ કરી આપેલા વિસ્તૃત નિર્દેશ દેખાડે છે કે,
આ સમસ્યા કેટલી ગંભીર છે. અદાલતે આ મામલે 2015માં અપાયેલા નિર્દેશોની યાદ દેવડાવતાં
કહ્યું છે કે, આટલાં વર્ષો બાદ પણ રસ્તાની સ્થિતિમાં સુધારો થયો નથી. અદાલતે આ નિર્દેશોમાં
માનવીય સ્તરે વિચાર કરી ટિપ્પણી કરી છે કે, પહેલા વળતરની રકમ આપી દેવી અને પછી સંબંધિત
વ્યક્તિ પછી તે અધિકારી કે એન્જિનિયર કે કૉન્ટ્રાક્ટર હોય તો તેની પાસેથી વસૂલવી જોઈએ.
આ નિર્દેશોનું કડક પાલન થાય તો રસ્તાની સ્થિતિ સુધરતા વાર નહીં લાગે.