• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

દેશકાજે સ્વદેશી અપનાવીએ

પ્રકાશનાં પર્વ દિવાળીનો હર્ષોલ્લાસ ચોમેર અનુભવાઇ રહ્યો છે. બજારોમાં ભારે ભીડ જામી છે. વેપારી આલમ માને છે કે આ વખતે વિક્રમી ટર્નઓવર થશે. એકલા ધનતેરસના દિવસે જ એક લાખ કરોડની ખરીદારી થઇ. મોદી સરકારે જીએસટીમાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી તેનાં સારાં ફળ દેખાયાં એમ કહી શકાય.

બાકી, અમેરિકાના મિજાજી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના ઉપરાઉપરી વાર કર્યા ત્યારે ધારણા એવી રાખી હતી કે ભારત ઘૂંટણીએ પડીને રહેમની આજીજી કરશે... ડોનાલ્ડ ટ્રમ્પ થાપ ખાઇ ગયા. મહાન ભારતવર્ષનું સામર્થ્ય અપાર છે. આપણી ફોજ હિમાલયનાં ગગનચુંબી શિખરો વટાવીને દુશ્મનને ભોંયભેગા કરી શકે છે, તો નાગરિક સ્વાભિમાનની વાત આવે ત્યારે ગમે તેવી તકલીફ સહીને દેશના પડખે ઊભા રહે છે.

દીપોત્સવી પર્વે અર્થતંત્રમાં તેજીનો પ્રકાશ ઉજ્જવળ છે. સોનાનો અનામત ભંડાર મજબૂત બનીને પહેલીવાર 100 અબજ ડૉલરને પાર થયો છે. મોદીએ `લોકલ ફૉર વોકલ' અને `સ્વદેશી'નો નારો બુલંદ બનાવ્યો છે. પશ્ચિમી દેશો કે વિદેશી ચીજોનો મોહ શા માટે? ઘરઆંગણે બનતી ચીજવસ્તુઓ, ઉત્પાદનો ચલણમાં લેવાથી અહીંના લોકોને - પોતાના પ્રદેશને જ ફાયદો થશે. સ્વદેશીના મંત્રને ભારતવાસીઓ જબ્બર પ્રતિસાદ આપશે તો ટ્રમ્પ ટેરિફનો ચીપિયો ગમે તેટલો પછાડે, આપણાં અર્થતંત્રને ઊની આંચ નહીં આવે.

આ વખતનો અંધકાર પણ વર્તમાન સ્થિતિમાં બહુ જ ગંભીર સંકટનો છે. એક તરફ, વિશ્વમાં યુદ્ધનો માહોલ છે, રૂસ - યુક્રેન યુદ્ધ. બીજી તરફ, ઇઝરાયલ - હમાસ વચ્ચેનો જંગ, તો ત્રીજી તરફ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ભારેલો અગ્નિ. વળી, આપણા પડોશી દેશોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાઓનો સરકાર સામે આક્રોશ પણ વધુ ગંભીરતા દર્શાવે છે, પણ આ તમસમાં એક આશાનો દીવો પ્રગટાવવાનો સમય છે અને એ દીવો છે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો. જો આપણે સ્વદેશી ચીજોનો આગ્રહ રાખશું તો આપણું અર્થતંત્ર ત્રીજી મહાસત્તા બનવા ભણી આગેકદમ માંડી રહ્યું છે, તેમાં વધુ ઝડપ આવશે અને યુદ્ધો - સંઘર્ષ અને આંદોલનોની જ્વાળા આપણને દઝાડી શકશે નહીં. વિદેશી વસ્તુઓ પ્રત્યે આપણું આકર્ષણ આપણને અંધારી ખાઇમાં ધકેલે એ પહેલાં આપણે સ્વદેશીનો દીવો હાથમાં લઇ તેમાંથી માર્ગ આસાનીથી કાઢી શકશું.

દિવાળી પ્રકાશનું પર્વ છે, ધ્વનિનું નહીં. આજે ધ્વનિ - ફટાકડા ઉપરનાં નિયંત્રણના કારણે વિવાદ જાગે છે! આપણે જ સમજી - વિચારીને ધ્વનિ અને વાયુ પ્રદૂષણ નિવારવા ઓછો અવાજ અને ઓછો ધુમાડો કાઢતા ગ્રીન ફટાકડાનો ઉપયોગ ન કરી શકીએ? ખરેખર તો દીપોત્સવી તહેવાર સમાજમાં સંવાદિતા અને સામંજસ્ય ગાઢ બનાવવાનો તહેવાર છે. તેને આપણે આખું વર્ષ જાળવી રાખવાનું પ્રણ લઇએ...

સૌ વાચકોને શુભ દીપાવલિ.