• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર

ટી-20 વર્લ્ડ કપની અમારી મૅચોનું આયોજન સ્થળ બદલો, એ મુદ્દાને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) કરતાં દેશની રખેવાળ સરકારના વહીવટી તંત્રએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી નાખ્યા બાદ કોઈ ઉપાય ન રહેતાં ભારતમાં રમવા જવા કરતાં વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાનો નિર્ણય લીધો છે. ભારતમાં અમારી ટીમ સામે સુરક્ષાનું જોખમ છે, આ એક જ રાગ બીસીબી અને સરકારે આલાપે રાખ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીબીની તરફેણમાં મતદાન કર્યું પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અન્ય તમામ સભ્ય દેશો અને ખુદ આઇસીસી પણ બાંગ્લાદેશની મૅચીસનું સ્થળ બદલવાના પક્ષમાં ન હોવાથી વધુ એક દિવસમાં નિયત સમયપત્રક પ્રમાણે ભાગ લો અથવા વર્લ્ડ કપમાંથી તમારી બાદબાકી થઈ જશે, એવા અલ્ટિમેટમ બાદ બીસીબી પાસે કોઈ વિકલ્પ ન રહેતાં સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય લેવો પડયો છે. તેના સ્થાને હવે સ્કોટલૅન્ડને રમવાની તક મળશે.

બાંગ્લાદેશમાં ગયા વર્ષથી ભારતદ્વેષ ચરમ પર છે. કહેવાતા વિદ્યાર્થી આંદોલન બાદ તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની સરકારનું પતન થયું અને તેમણે ભારતમાં શરણું લીધું હોવાથી કટ્ટર ઈસ્લામવાદીઓએ ભારતવિરોધી ભાવનાઓ ભડકાવવામાં કશું જ બાકી રાખ્યું નથી. નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસની મધ્યવર્તી સલાહકાર સરકાર પણ પાકિસ્તાનના ખોળામાં બેસવા તત્પર છે અને તક મળે ભારત અને લઘુમતી હિન્દુવિરોધી પ્રવૃત્તિઓને તેમનો છૂપો ટેકો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ઝડપી બૉલર મુસ્તાફિઝુર રહેમાનને રુખસદ આપી ત્યારથી બાંગ્લાદેશે કાગારોળ શરૂ કરી કે ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની સુરક્ષા સામે જોખમ છે. આઇસીસીએ તમામ પ્રકારે ખાતરી આપી અને વારંવાર રજૂઆતો કરી છતાં અમારી મૅચો શ્રીલંકામાં ખસેડો એવો આગ્રહ પકડી રાખ્યો, પછી જીદ પકડી કે સ્પર્ધામાં અમારું ગ્રુપ બદલી નાખો, જેથી અમારે ભારતમાં ન રમવું પડે. આના માટે ભારતનો દાખલો આપી બીસીબીએ દલીલ કરી કે, 2025માં પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રૉફીના આયોજન વખતે ભારતની મૅચો અન્યત્ર રખાઈ હતી, તો અમને પણ આવી સવલત આપો. ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડેલા સંબંધોને પગલે આઇસીસી અને બંને દેશના બોર્ડે 2027 સુધી એવી સહમતી સાધી છે કે, બંનેમાંથી એકપણ દેશ આઇસીસીની સ્પર્ધાનું યજમાન હોય તો બીજા દેશની મૅચો અન્યત્ર રમાડવી. બાંગ્લાદેશ ક્રિકેટ જગતમાં પોતાની તાકાતને વધારે આંકવા ગયું અને વચગાળાની સરકારે પણ વિક્ટિમ કાર્ડ રમવાની જીદ પકડતાં મામલો ગુંચવાયો. બાંગ્લાદેશ ત્રણ ગ્રુપ મૅચો કોલકાતા અને એક મુંબઈમાં રમવાનું હતું. આ બાબતમાં બાંગ્લાદેશનું ઉપરાણું લેનાર પાકિસ્તાન પર પણ પસ્તાળ પડી છે. વાંકદેખાઓ તો ત્યાં સુધી કહે છે કે, ભારતનું ક્રિકેટ વિશ્વમાં સૌથી વધુ ઊપજે છે અને ભારતીય જય શાહ અત્યારે આઇસીસીના વડા હોવાથી બાંગ્લાદેશને દબાવવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં વર્લ્ડ કપ જેવી સ્પર્ધાઓમાં ચોક્કસ દેશમાં સુરક્ષાના અભાવ અથવા દ્વિપક્ષી સંબંધોમાં તણાવને કારણે અૉસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ જેવી ટીમોએ શ્રીલંકા, બાંગ્લાદેશ અને કેનિયા-ઝિમ્બાબ્વેમાં રમવા જવાની ના ભણતાં તેમને એ મૅચીસના પૉઈન્ટથી હાથ ધોવા પડયા હતા. આથી, આ વખતે પણ આઇસીસી આ રુખ બદલશે નહીં એ પાકું હતું. જોકે, આનાથી નુકસાન બાંગ્લાદેશ ક્રિકેટને જ સૌથી વધુ થવાનું છે.