લાંબા સમયથી પ્રતીક્ષા હતી અમેરિકા સાથે ભારતની `ટ્રેડ ડીલ' - વ્યાપાર સંધિ થઈ જાય, પરંતુ આવું થવાને બદલે ઊલટું ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વધારવા સહિતની જાહેરાતો કરતા હતા. વચ્ચે થોડો સમય તેઓ વેનેઝુએલા - નોબેલ પ્રકરણમાં વ્યસ્ત રહ્યા હતા. આખરે આ સંધિ થઈ છે. અમેરિકાએ ભારતની નિકાસ ઉપર અમલી બનાવેલા ટેરિફમાં ઘટાડો જાહેર કરતાં હવે ત્યાંનાં બજારમાં ભારતની વસ્તુઓ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરખામણીમાં સસ્તી થવાની શક્યતા બળવત્તર બની છે. બજેટના દિવસે ભાંગી પડેલું શૅરબજાર અને સોના-ચાંદીમાં ઓસરેલી તેજીમાં નવો પ્રાણ પુરાયો. રોકાણકારોની સંપત્તિ વધી, સરકારની ચિંતા ઘટી, નિકાસની શક્યતાઓ પૂરબહાર ખીલી અને આ બધા વચ્ચે વિરોધી પક્ષ જે કરે છે, એ એટલે કે નકારાત્મકતા, ફૅક નરેટિવ અને ગભરાટ ફેલાવવાની શરૂઆત કરી. સરકારે ટ્રેડ ડીલ દ્વારા અમેરિકા માટે ભારતનું કૃષિ ક્ષેત્ર ખોલી નાખ્યું છે, હવે ખેડૂતોના ખરાબ દિવસો શરૂ થશે. સરકાર વતી પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી કે સરકાર એવું કોઈ પગલું નહીં લે જેનાથી કિસાનોનાં હિત જોખમાય. હવે, આ મુદ્દો બરાબરનો ઉછાળાશે.
ચોખાની
નિકાસ ભારતમાંથી અમેરિકામાં વધશે. ભારત પણ પેટ્રોલિયમ, સંરક્ષણ સંસાધનો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઍરક્રાફ્ટ અમેરિકા પાસેથી ખરીદશે. ભારતને જે મોટા ફાયદા થવાના છે, તેમાં એક છે ઝીંગાનો વ્યાપાર, જેની નિકાસ મોટા પ્રમાણમાં અમેરિકામાં થાય છે. અમેરિકાએ ટેરિફમાં ઘટાડો કર્યો અને વ્યાપાર સંધિ થઈ તે ઘટનાને રાહુલ ગાંધી સિવાય (કૉંગ્રેસ પક્ષ એમ વાંચો) બધાએ આવકારી છે. સોમવારે ડોકલામ વિષય ઉપર બોલતાં રાહુલે સંધિ બાબતે પણ સરકારનો ઊધડો લીધો છે. ટેરિફની સ્થિતિનો સામનો સરકારે શક્ય તેટલો મજબૂતીથી કર્યો છે. પ00 ટકા ટેરિફની ધમકી પછી પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના નિર્ણય ઉપર સરકાર અડગ રહી હતી. `સ્વદેશી' ઉપર ભાર, જીએસટીના માળખામાં ફેરફાર સહિતનાં પગલાં સરકારે લીધાં.
આ
બધું હજી તાજું છે છતાં રાહુલને આ વેપાર સંધિ અમેરિકાના દબાવ હેઠળ થયેલી લાગે છે. તેઓ આ સમગ્ર પ્રક્રિયાને ખેડૂતો સાથે થયેલો વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. વેપાર કરારમાં શું છે? બન્ને દેશ વચ્ચે શું નિર્ણય થયા? આટલું દેશ જાણવા માગે છે, તેવાં નિવેદનો કૉંગ્રેસના નેતા કરી રહ્યા છે. ટેરિફના ઘટાડા પાછળ કયાં કારણ? તેને બદલે આનાથી હવે શું ફાયદો? તેની ચર્ચા વધુ યથાર્થ ગણાશે.
રાજરમત
ચાલ્યા કરશે, પણ આ મધર અૉફ અૉલ ડીલ્સને વધાવી લેવાનો સમય છે. જોકે, સરકારે લોકોમાં જાગેલી કુશંકાઓનું સ્પષ્ટીકરણ વહેલી તકે કરી દેવું જરૂરી છે.