ગાઝિયાબાદમાં ત્રણ વિદ્યાર્થિનીઓએ કરેલી આત્મહત્યાની ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, અૉનલાઈન ગેમિંગ કેટલી હદે ઘાતક નીવડી શકે છે! મોબાઈલ ફોન કે અન્ય આધુનિક ઉપકરણોમાં આવતી વિવિધ ‘ઍપ’ કે આવી રમતો આમ તો માણસનું મન હળવું થાય, કામના ભારણ અને એકસૂત્રતામાંથી તેને મોકળાશ મળે તે માટે હોવી જોઈએ તેને બદલે આ વીડિયો ગેમ્સ વ્યક્તિ માટે એટલો તણાવ સર્જે છે કે, તે આત્મઘાતી પગલાં સુધી પહોંચી જાય છે. આવી વીડિયો ગેમ કે લક્ષ્યાંક આપતી રમતોનાં વિપરીત પરિણામ વળી કોઈ નવી બાબત નથી. તેમ છતાં તેના નિયમન કે નિયંત્રણ માટે સરકાર કે પ્રશાસન જરા પણ ગંભીર નથી તે દુઃખની અને દયનીય વાત છે. સ્વાભાવિક રીતે આ આધુનિક સાધનોનો વધારે ઉપયોગ યુવાનો કે કિશોર-િકશોરીઓ કરતા હોય તેથી તેનાં માઠાં પરિણામ પણ તેઓ જ ભોગવે છે. અત્યંત ઝડપથી વકરી રહેલી આ સમસ્યાનો ત્વરિત ઉકેલ શોધવો અનિવાર્ય છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ નવમા
માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. 12, 14 અને 16 વર્ષની વયની આ બાળાઓ ઉપર ભણતરનો ભાર,
પરિણામની ચિંતા, પરીક્ષાનો તણાવ નહોતો, પરંતુ તેમને મોબાઈલ ફોનમાં રમત રમવાની ના તેમના
વાલીએ પાડી હતી. અહેવાલ એવા છે કે તેઓ ‘ટાસ્ક બેઝડ’ કહેવાતી
‘કોરિયન લવ ગેમ’ રમતાં હતાં. માત્ર રમતાં નહોતાં તેની તેમને
આદત પડી ગઈ હતી. પિતાએ જ્યારે તે રમવાની ના કહી ત્યારે આ તરુણીઓએ 18 પાનાંની સુસાઈડ
નોટમાં લખ્યું કે અમે આ રમતને કેટલો પ્રેમ કરતાં હતાં તે તમને હવે ખબર પડશે. ઘટના પાછળ
અન્ય કારણો હોવાની પણ ચર્ચા છે, તેમાં ગેમિંગ તો છે જ.
આત્મહત્યા કોઈપણ કારણે થાય તે યોગ્ય ગણી શકાય નહીં,
પરંતુ આ તો કેવું વિચારતા કરી મૂકે તેનું કારણ? આ છોકરીઓને એવું કોઈએ સમજાવ્યું નહીં
હોય કે જીવન એ કોઈ રમત નથી! અભ્યાસ, પરીક્ષા સહિતનાં કારણ, પ્રેમભગ્ન થવું એવા કારણે
આપઘાત થતા આવ્યા છે. ગમતી વીડિયો ગેમ રમવા ન મળે, મોબાઈલનો ઉપયોગ કરવાની વાલી ના કહે
અને કોઈ આપઘાત કરી લે તે તો કેવું?
સામાન્ય વીડિયો ગેમની સરખામણીમાં આ લક્ષ્ય આપતી રમતો
થોડી વધારે સંવેદનશીલ છે. બાળક-િકશોર તેમાં એટલી હદે ઓતપ્રોત થઈ જાય છે કે ક્યાં અટકવું?
તેનું પ્રમાણભાન તેમને નથી રહેતું. આ રમત કે આ લક્ષ્ય મોટી ભ્રમણા છે તેવું સમજવાની
પરિપક્વતા તેમનામાં નથી હોતી. રમતમાં જુદા જુદા પડાવ પાર કરીને તેને જ તે સફળતા માનવા
લાગે છે. પરિણામ એ આવે છે કે તે જીવન કરતાં પણ આ રમતને મહત્ત્વની માની લે છે. ગાઝિયાબાદમાં
જે થયું તે પ્રથમ ઘટના નથી. 2017માં આવી જ ‘બ્લૂ વહેલ’ નામની
વીડિયો ગેમ હતી જે સગીર વયના લોકો માટે પ્રાણઘાતક હતી.
મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણમાં ચાઈલ્ડ લૉક કે પેરેન્ટલ
લૉક એટલે કે માતા-િપતાની જાણ વગર અમુક રીતે તેનો ઉપયોગ થઈ શકે નહીં તેવી વ્યવસ્થા હોવી
જોઈએ તેવી માગણી છેક કોર્ટ સુધી ઘણા સમયથી થઈ રહી છે. સરકારે આ ક્ષેત્રના તજજ્ઞોને
એકઠા કરી કોઈ રસ્તો શોધવો અને અમલમાં મૂકવો જ જોઈએ. વાલીઓ પણ સંતાનોને લાડ કરવામાં
થોડો સંયમ રાખે. બાળકોને જીવનનું મૂલ્ય સમજાય, આવી રમતો ફક્ત મનોરંજન માટે છે તેને
વાસ્તવિક જીવન સાથે કોઈ નિસબત નથી તેવું તેમને સમજાવવામાં આવે તે જરૂરી છે. ડેમ હોય
તો ત્યાં કોઈ આત્મહત્યા કરવા ન જાય તે માટે ચોકીદાર પણ રાખી શકાય, ‘ગેમ’માં ડૂબનારને કોણ રોકશે ?