• મંગળવાર, 17 માર્ચ, 2026

હવે મેદાનમાં મુકાબલો

ચાર રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરલમ્ ઉપરાંત કેન્દ્રશાસિત પુડ્ડુચેરીનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એનડીએ જૂથ અને કૉંગ્રેસના ઇન્ડિયા મોરચાની લોકપ્રિયતા ચૂંટણીની કસોટીની એરણ ઉપર છે. કેન્દ્રમાં મોદી સરકારને હઠાવવાના પ્રયાસ નિષ્ફળ ગયા પછી વિપક્ષોએ સંસદમાં સ્પીકર સામે અને ચૂંટણી કમિશનરને નિશાના ઉપર લીધા છે પણ ચાર રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પછી હવે ચૂંટણીના મેદાનમાં મુકાબલો થશે. ભાજપ એકમાત્ર આસામમાં સત્તા સ્થાને છે અને કૉંગ્રેસે તામિલનાડુમાં શાસક પક્ષ ડીએમકેનો હાથ પકડી રાખ્યો છે. કેરલમ્માં ડાબેરી મોરચા સામે કૉંગ્રેસનો લોકશાહી મોરચો છે જેમાં કૉંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે. પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પક્ષ - તૃણમૂલ કૉંગ્રેસ સામે ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો મેદાનમાં હોવા છતાં મમતા બેનરજી સામે ભાજપનો પડકાર ગંભીર છે. ભાજપે આસામ જાળવી રાખવા સાથે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને કેવી ફાઇટ આપે છે અને સત્તા માટે કેટલી બેઠકો મેળવી શકે છે તે જોવાનું છે જ્યારે કૉંગ્રેસ માટે એકમાત્ર કેરલમ્માં ચાન્સ દેખાય છે પણ ડાબેરી મોરચાનું સ્થાન - આંતરિક ફાટફૂટ હોવા છતાં મજબૂત મનાય છે.

2014માં અભૂતપૂર્વ વિજય મેળવ્યા પછી ભાજપના એનડીએ મોરચાએ પાંચ વર્ષ પછી - 2019માં લોકસભામાં બેઠકો અને બહુમતી ગુમાવી હતી પણ ભાજપે લોકસભા પછી આઠ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સત્તા મેળવીને સત્તાસ્થાન ટકાવી રાખ્યું છે. ઓડિશા, હરિયાણા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશમાં સત્તા મેળવી - આંધ્ર પ્રદેશમાં ભાજપના સાથી પક્ષ તેલુગુ દેશમ્ પાર્ટીએ બહુમતી મેળવ્યા પછી ભાજપે વિજય યાત્રા ચાલુ રાખી ત્યારે વિપક્ષોએ ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં સત્તા મેળવી છે. છેલ્લે બિહારમાં જનતા દળ (યુ) સાથે અભૂતપૂર્વ વિજય મેળવીને ભાજપે આગામી ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને સજ્જડ લડત આપીને સત્તા મેળવવાનો નિરધાર કર્યો છે.

આસામ અને બંગાળ ઉપરાંત કેરલમ્ અને તામિલનાડુમાં પણ પ્રાદેશિક પક્ષોની સરકારો છે ત્યાં રાષ્ટ્રવાદ મુખ્ય મુદ્દો છે. ઉપરાંત પ્રાદેશિક ભ્રષ્ટાચાર અને હિન્દુત્વ પણ છે. બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વોટ બૅન્ક મમતા બેનરજીએ બનાવી છે તેના ઉપર ચૂંટણી પંચના દરોડા છે જ્યારે કરોડો રૂપિયાનાં ભ્રષ્ટાચાર કૌભાંડો ઉપર ઈડીના દરોડાએ મતદારયાદીના ભ્રષ્ટાચાર પકડયા છે. લગભગ એક કરોડ જેટલાં `નકલી મતદારોનાં' નામ કપાયાં છે તેથી મમતા બેનરજીએ ચૂંટણી કમિશનરને દૂર કરવા સંસદમાં જેહાદ શરૂ કરી છે!

વર્ષ 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો મેળવી હતી - હવે આ વખતે 294 સભ્યોની વિધાનસભામાં કેટલી બેઠકો મેળવશે? વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે બંગાળમાં તમામ તાકાત લગાડી છે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને ચારે રાજ્યોમાંથી બંગાળ ઉપર દેશ દુનિયાની નજર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ