• બુધવાર, 18 માર્ચ, 2026

લાલબત્તીનો વિવાદ, ખરા મુદ્દા કોરાણે

મુંબઈનાં મેયર રિતુ તાવડેના સત્તાવાર વાહન પર લાલબત્તીનો વિવાદ હવે રાજકીય ખેંચતાણ અને સમરાંગણમાં ફેરવાઈ ગયો છે. મહાયુતિ અને ઉદ્ધવસેના આ સાવ નજીવી બાબતમાં સામસામે આવી ગયા છે. ભાજપનાં મેયર રિતુ તાવડેનો દાવો છે કે મેં લાલ-બ્લૂ બત્તીની માગણી કરી નહોતી, મને પ્રશાસન તરફથી આ કાર ફાળવવામાં આવી હતી અને એના બૉનેટ પર આ બત્તી હતી. આ સાથે જ ભાજપના નેતાઓએ ભૂતકાળમાં શિવસેનાના મેયરોએ લાલબત્તીવાળી ગાડીનો ઉપયોગ કર્યો હતો એવા ફોટો-વીડિયો વહેતા કરી તેમના પર બેવડા વલણનો આક્ષેપ કર્યો છે. એક કાળમાં લાલબત્તીવાળી કાર પ્રધાનો, વરિષ્ઠ અમલદારો અને અન્ય મહાનુભાવો માટે સ્ટેટસ સિમ્બૉલ બની ગઈ હતી. જોકે, 2017માં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સમાં સુધારા કરી દેશભરમાં સરકારી વાહનો પર લાલ ચળકતી બૅકન લાઇટના ઉપયોગ પર પૂર્ણવિરામ મૂક્યું. દેશમાં વીઆઇપી કલ્ચરનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે, એનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે પ્રતિબંધ હોવા છતાં અવારનવાર લાલબત્તીનો ઉપયોગ વાહનો પર થતો હોવાનું પ્રકાશમાં આવે છે. મુંબઈમાં ચગેલો વિવાદ ઉદ્ધવસેનાના બીએમસી પરથી દૂર થયેલા વર્ચસની હતાશાનું પરિણામ હોય એવું લાગે છે. આ પહેલાં મેયર રિતુ તાવડે મોંઘીદાટ બ્રાન્ડેડ લક્ઝરી કાંડા ઘડિયાળ પહેરે છે, એવો વિવાદ ચગાવાયો હતો.  

ગત રવિવારે સોશિયલ મીડિયા પર કેટલીક પૉસ્ટ્સમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે મેયરના સત્તાવાર વાહન અને ઍસ્કોર્ટ કાર પર લાલ-બ્લૂ ફ્લાશિંગ લાઇટ લગાડવામાં આવી છે. આ મુદ્દો ગરમાતાં પાલિકાના વહીવટી તંત્રએ આ બત્તી દૂર કરી, એ પછી ઉદ્ધવસેનાને બત્તી થઈ કે આ મુદ્દો ચગાવવા જેવો છે. નવા નિયમ મુજબ ફ્લાશિંગ લાઇટ્સનો ઉપયોગ ઇમર્જન્સી વાહનો તથા પોલીસ તથા અન્ય સંબંધિત ખાતાં, ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા ડિઝાસ્ટર રિસ્પૉન્સ વેહિકલ્સ માટે જ થઈ શકે છે. આ લાઇટ્સનો આશય રસ્તા પરના અન્ય વાહનચાલકોને સાવચેત કરવા તથા કટોકટીની સ્થિતિમાં ઝડપથી જઈ રહેલાં વાહનોને મદદ થાય એ માટે હોય છે. ભાજપના નગરસેવક ગણેશ ખનકરે શિવસેનાનાં ભૂતપૂર્વ મેયર અને હાલનાં વિરોધ પક્ષ નેતા કિશોરી પેડણેકર તથા એ પહેલાં વિશ્વનાથ મહાડેશ્વર અને સ્નેહલ આંબેકરે ભૂતકાળમાં લાલબત્તીની ગાડીનો ઉપયોગ કર્યો હતો અને શિવસેના (ઉબાઠા) અત્યારે ભલે આનો વિરોધ કરે છે, પણ ભૂતકાળમાં તેઓ આની તરફેણમાં હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તો સોમવારે જ આ મુદ્દે કહ્યું હતું કે મેયરને વિનાકારણ આ બાબતમાં નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, તેઓ આ નિયમથી વાકેફ છે. ભાજપનું કહેવું છે કે પાલિકામાં અમે સારું કામ કરી રહ્યાં હોવાથી ઉદ્ધવસેનાના પેટમાં તેલ રેડાયું છે. કેન્દ્ર, રાજ્ય અને બીએમસી એમ ટ્રિપલ એન્જિન સરકાર હોવા છતાં મુંબઈગરાની સમસ્યાઓ ઓછી થતી નથી અને આ મુદ્દે સક્રિયપણે લડવાને બદલે ઉદ્ધવસેના જે મુદ્દાઓ ઉપાડી રહી છે એ જોતાં લાગે છે તેઓ સામાન્ય માણસની નાડ સદંતર ગુમાવી બેઠા છે.