સંસદમાં મોદી સરકાર સામે વિરોધનો પ્રસ્તાવ રજૂ કરવામાં વિપક્ષી એકતા બતાવનાર નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં એકતા સાબિત કરી શક્યા નથી. બિહાર, ઓડિશા અને હરિયાણા મળીને કુલ અગિયાર બેઠકો માટે વિધાનસભ્યોએ વોટ આપવાના હતા તેમાં વિપક્ષી વિધાનસભ્યો વોટ આપવા આવ્યા જ નહીં અને કેટલાક સભ્યોએ આવીને ભાજપના ઉમેદવારોને વોટ આપ્યા. પરિણામે ભાજપને સાત બેઠકો મળી છે. હરિયાણાની બે બેઠકોમાં મતદાન થયા પછી વિવાદ થયો અને મત ગણતરી મોડી રાત સુધી મોકૂફ રાખવી પડી.
આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાની કુલ
37 બેઠકો ખાલી પડી રહી છે તેમાંથી 26 બેઠકોના ઉમેદવારો વિનાવિરોધે ચૂંટાઈ ગયા છે. બાકીની
અગિયાર બેઠકોની ચૂંટણી થઈ તેમાં વિપક્ષી એકતાનો દાવો પોકળ સાબિત થયો છે! હવે બિહારમાં
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને ઓડિશાના પૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયક
ભાજપ સામે ફરિયાદ કરે અને આક્ષેપો કરે છે પણ પોતાના સભ્યોને તેઓ સાચવી શક્યા નહીં તે
હકીકત છે. બિહારમાં તો મહાગઠબંધનના નામે ચૂંટાયેલા સભ્યોમાંથી કૉંગ્રેસના ત્રણ સભ્યો
મત આપવા આવ્યા જ નહીં. આરજેડીના સભ્ય ફૈઝલ રહેમાન પણ `ગેરહાજર' રહ્યા. સૌના મોબાઇલ
ફોન બંધ - સંપર્ક ક્ષેત્રથી બહાર રહ્યા પરિણામે મહાગઠબંધનની નામોશી થઈ.
બિહારની પાંચ બેઠકોમાંથી એક બેઠક જીતવાની
આશા મહાગઠબંધનને હતી.. કારણ કે ઓવૈસીના પાંચ અને બહુજન સમાજના એક સભ્યનો વોટ મળવાની
ખાતરી હતી પણ મતદાનમાં કૉંગ્રેસના ત્રણ અને આરજેડીના એક સભ્ય ગાયબ હતા!
ઓડિશામાં પણ કૉંગ્રેસના ત્રણ અને બીજેડી
(બિજુ જનતા દળ)ના આઠ સભ્યોએ ભાજપના ઉમેદવારને જિતાડી દીધા. બીજેડીના સસ્પેન્ડ થયેલા
બે સભ્યોએ પણ ભાજપના દિલીપ રાયને મત આપ્યા.
આમ - બિહારમાં તેજસ્વી લાલુ યાદવ અને ઓડિશામાં
નવીન પટનાયકનાં નાક કપાયાં છે! નવીન પટનાયકે તો કૉંગ્રેસ સાથે ભાગીદારી કરીને સમર્થન
મેળવ્યું હતું! કૉંગ્રેસની નેતાગીરીની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનું ધોવાણ થયું છે તેની
અસર પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કેવી પડશે તે જોવાનું છે!