સંજય ગાંધી નેશનલ પાર્ક જેવા સંરક્ષિત જંગલ વિસ્તારમાંના બફર ઝોનમાંથી હાલમાં જ જંગલ ખાતાએ શરીરની આરપાર થયેલા તીર સાથે ત્રણ વાંદરાંને ઉગાર્યા છે. મુંબઈમાં એક તરફ સતત હરિયાળી ઓછી થઈ રહી છે અને છેલ્લા બચેલા જંગલ વિસ્તારમાં આ પ્રકારે શિકાર કે મોજમજા માટે પ્રોફેશનલ તીરથી વાનરોની થયેલી હાલત જોતાં જીવદયા પ્રેમીઓ ખળભળી ઉઠ્યા છે. હજી ગયા અઠવાડિયે જ વિધાનસભામાં વન ખાતાના પ્રધાન ગણેશ નાયકે એક પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે, વર્ષ 2025માં મહારાષ્ટ્રમાં 41 વાઘનાં મૃત્યુ થયાં છે. છેલ્લાં 12 વર્ષમાં રાજ્યમાં આશરે 300 જેટલા વાઘ મૃત્યુ પામ્યાં છે, આમાંથી 110 જેટલી ઘટનાઓનો સંબંધ શિકાર, વીજળીના શૉક અને બેદરકારી જેવી માનવીય પ્રવૃત્તિઓ સાથે છે.
વિધાનસભામાં રાજ્યના વન ખાતાના પ્રધાને આપેલી માહિતી
અનુસાર, રાજ્યમાં વાઘની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં વધી છે. સાતથી આઠ વર્ષ પહેલાં રાજ્યમાં
101 વાઘ હતા, અત્યારે આ આંકડો 444 સુધી પહોંચ્યો છે. આ સાથે જ દીપડાની વસ્તીમાં પણ
ખાસ્સો વધારો થયો છે. વળી, જંગલ વિસ્તાર સંકોચાતા જાય છે, તેના કારણે દીપડા અને વાઘ
માનવ વસવાટના વિસ્તારોમાં આવી જવાની ઘટના સામાન્ય બનતી જાય છે. માનવ-પ્રાણીસૃષ્ટિ વચ્ચેના
સંઘર્ષોના કિસ્સા વધતા જવાની સાથે શિકારની ઘટનાઓ પણ વધી રહી છે. વન વિભાગે શિકાર અટકાવવા
માટે અનેક સંવેદનશીલ વાઈલ્ડલાઈફ ઝોનમાં અનેક પગલાં લીધાં છે, છતાં હાલમાં જ સંજય ગાંધી
નેશનલ પાર્કના થાણે છેડાના યેઉર ખાતે ત્રણ વાંદરાં શરીરના આરપાર નીકળેલા તીર સાથે જોવા
મળ્યા હતા. અઢી ફૂટ લાંબા અને પ્રોફેશનલ આર્ચર્સ વાપરે એવા તીરથી ગંભીર થયેલા આ વાનર
બફર ઝોનના બે કિ.મી. વિસ્તારમાં મળી આવ્યા છે. વળી, જે ચોકસાઈપૂર્વક તેમને તીર લાગ્યા
છે અને ઈજા થઈ છે એ જોતાં આ કોઈ નિષ્ણાતનું કામ છે અને અકસ્માત નહીં પણ ઈરાદાપૂર્વક
જ આ કામ કરાયું છે. વન્યજીવન સુરક્ષા કાયદાના અનુચ્છેદ 1 હેઠળ વાંદરાંને વર્ગીકૃત કરાયા
હોવાથી, આવા ગુના માટે મોટા દંડ તથા જેલ સજાની જોગવાઈ છે.