• બુધવાર, 25 માર્ચ, 2026

યુદ્ધ ખરેખર બંધ થશે?

સંવાદનો મોદી મંત્ર સ્વીકારાશે?

ટ્રમ્પ ખરેખર ઈરાન ઉપર આક્રમણ - લડાઈ બંધ કરવા માગે છે? કે માત્ર નાટકીય જાહેરાત કરી છે? એમની આદત અભી બોલા અભી ફોક - હોવાથી કોઈ એમની જાહેરાત ઉપર ભરોસો કરવાની ઉતાવળ કરતું નથી! લડાઈ બંધ કરવા માટે કારણો છે પણ ટ્રમ્પ સાહેબ સામે ચાલીને કબૂલ કરે જ નહીં! ટાંગ ઊંચી બતાવવા એમણે એવી જાહેરાત કરી છે કે ઈરાનના એક સન્માનીય નેતા સાથે મારી વાત થઈ છે અને તેઓ પણ લડાઈ બંધ કરવા માગે છે! સામા પક્ષે ઈરાનની સંસદના સ્પીકરે ટ્રમ્પની જાહેરાત અને દાવાને રદિયો આપ્યો છે ઃ ‘ટ્રમ્પ સાથે અમારે કોઈ ચર્ચા-સંવાદ થયો જ નથી. વાસ્તવમાં ઈરાને આપેલી ગંભીર ચેતવણી - કે ધમકીના પરિણામે જ ટ્રમ્પ ઝૂક્યા છે!’ ટ્રમ્પ સાથે કયા સિનિયર ઈરાની નેતાએ વાતચીત કરી - તેનું નામ સલામતીના કારણે અપાય નહીં તે સમજી શકાય છે પણ ટ્રમ્પ સાહેબ ફેંકાફેંક કરવા માટે જાણીતા છે તેથી કોઈ ભરોસો કરતું નથી. છતાં એક વાત નિશ્ચિત છે કે ઈરાન ઉપરની ચડાઈ - બંધ કરવા ટ્રમ્પ તૈયાર થયા છે.

જો અમેરિકા ખરેખર લડાઈ બંધ કરે તો પણ આશ્ચર્ય નથી કારણ કે એમના દેકારા-પડકારા અને દાવા છતાં ઈરાન ઝૂક્યું નથી, જવાબી હુમલા જારી રાખ્યા છે. અખાતના પાડોશી દેશો ઉપરાંત ઇઝરાયલ ઉપર પણ હુમલા કર્યા છે અને ઇઝરાયલના આકાશમાં પોલાદી સુરક્ષા ચક્ર પણ ભેદી શકાયું છે! અમેરિકાના જેટ ફાઇટરને તોડી પાડવામાં આવ્યું તેવા અહેવાલને અમેરિકાએ રદિયો આપ્યો નથી. આમ ઈરાને મહાસત્તા અમેરિકાને પડકારી બતાવ્યું છે.

હોર્મુઝ ખાડી બંધ કરવાના ઈરાનના વ્યૂહ અને પડકાર પછી વિશ્વભરમાં તેલ-ગૅસની તંગી અને ભાવવધારાની બૂમ ઊઠી છેઃ ઈરાનના મહત્ત્વના વ્યાપાર કેન્દ્ર ઉપર મિસાઇલ ત્રાટકીને અમેરિકા અટકી ગયું છે. કારણ કે ઈરાને વળતા હુમલા કરવાની ગંભીર ધમકી આપી છે. ટ્રમ્પે તો તેનાં સાથી રાષ્ટ્રોને - ઇંગ્લૅન્ડ અને જાપાનને પણ કહ્યું કે હોર્મુઝને બચાવવા માટે તમારાં યુદ્ધ જહાજોને મોકલો પણ એમને યોગ્ય પ્રતિસાદ અને સમર્થન મળ્યાં નથી. હકીકતમાં પશ્ચિમ એશિયાની લડાઈ વ્યાપક બનીને મહાયુદ્ધ બની જાય તેમ કોઈ ઇચ્છતું નથી. રશિયા અને ચીન પણ ઈરાનની વહારે આવી શકે છે. આવી સ્થિતિ ટાળવા માટે અન્ય દેશોના નેતાઓએ સંયમ જાળવ્યો છે.

લડાઈની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાનનું શાસન બદલવાનું લક્ષ્ય રાખ્યું હતું અને શાસકોની હત્યા પણ થઈ તે છતાં ઈરાન ડગ્યું, ડર્યું નથી. બીજી બાજુ ક્રૂડતેલ અને ગૅસની અછત અને ભાવવધારાની અસર વિશ્વના અર્થતંત્ર ઉપર પડી છે ત્યારે લડાઈ અને ભાવવધારો ચાલુ રહે તો ટ્રમ્પને જવાબદાર લેખાવીને વિરોધ થાય એવા સંજોગો છે. આ સમગ્ર સંજોગોનો વિચાર કરીને જ ટ્રમ્પે ઈરાન શરણાગતિ નહીં કરે એવી વાસ્તવિકતા સ્વીકારીને પીછેહઠ કરી છે. હવે તેઓ ફરી પાછા ફેરવી તોળે નહીં એવી આશા રાખીએ.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે પશ્ચિમ એશિયાની લડાઈનાં પરિણામ ગંભીર આવશે અને ભારતની સલામતી અને અર્થતંત્ર માટે ગંભીર પડકાર છે. આ સમય ‘યુદ્ધનો નથી. સૌએ શાંતિ અને સંયમ જાળવીને સંવાદથી સમાધાન શોધવું જોઈએ એવો સંદેશ એમણે આપ્યો છે. લડાઈ લાંબી ચાલે તો પણ ભારત સરકારે સતર્ક રહીને લોકોને ઓછામાં ઓછી પરેશાની થાય એ માટે તૈયારી કરી હોવાની ખાતરી વડા પ્રધાને દેશવાસીઓને આપી છે. અનાજના ભંડાર ભર્યા છે અને તેલ-ગૅસની અછતને પહોંચી વળવા વૈકલ્પિક ઊર્જાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં રાષ્ટ્રહિત વિરોધી નકારાત્મક પ્રચાર કરનારા અને અશાંતિ - અજંપો સર્જવાના પ્રયાસ કરનારાં તત્ત્વો સામે સાવધાન રહેવાનો અનુરોધ કર્યો છે.

સંવાદ અને ડિપ્લોમસીથી સંઘર્ષ ટાળવાનો એમનો : મોદી-મંત્ર ઈરાન તથા અમેરિકા - ઇઝરાયલ અપનાવે તો વિશ્વ એક મહાઆપત્તિમાંથી બચી - ઊગરી શકશે.