ચોમાસા પૂર્વેની નાળાસફાઈ દરમિયાન ગટર-નાળાઓમાંથી જે વસ્તુઓ નીકળી છે, એ જોતાં વિચાર થાય કે, દેશની આર્થિક રાજધાની ગણાતા મહાનગરના નાગરિકોમાં મૂળભૂત સમજ પણ નથી. એકાદ ઘરના દીવાનખાનાની શોભા બની શકે એવી વસ્તુઓ જેમ કે સોફા, ચાદરો, ટેબલ, પલંગ અને રેફ્રિજરેટર નાળાસફાઈ દરમિયાન બહાર નીકળી છે. આ ઓછું હોય તેમ, એક જગ્યાએ તો આખેઆખી રિક્ષા અને પોલીસ ખાતા દ્વારા રસ્તા પર મુકાતું બેરિકેડ પણ ચોમાસા પૂર્વેના આ અભિયાન દરમિયાન ગટર-નાળાંમાંથી નીકળ્યાં છે. નાળાસફાઈમાં અત્યાર સુધી તો પ્લાસ્ટિકની ઝબલાં થેલીઓ નીકળતી અને તેના કારણે ચૉક-અપ થઈ જતી ગટરોને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન મુંબઈ જળબંબાકાર થાય છે અને જનજીવનની ગાડી પાટા પરથી ખડી પડે છે. આ પહેલાંનાં વર્ષોમાં સફાઈ દરમિયાન એકવાર આખેઆખું નાળિયેરીનું ઝાડ તથા એક જગ્યાએ તો માનવ હાડાપિંજર પણ મળી આવ્યાંના કિસ્સા છે. સતત દોડતા શહેર મુંબઈના નાગરિકોની સમજના દર્શન આ નાળાસફાઈને પગલે દર વર્ષે થાય છે. બાંધકામનો કાટમાળ નાળામાં ન પધરાવવાની પાલિકાની સખતાઈ છતાં દર વર્ષે કાટમાળ પણ નાળાસફાઈ દરમિયાન મોટા પ્રમાણમાં બહાર નીકળે છે, પણ આ વર્ષે તો હદ જ થઈ ગઈ કહેવાય, કેમ કે હજી તો આ મુંબઈના ઝોન ક્રમાંક પાંચમાનાં કુલ સવાસો નાળાં અને ગટરોમાંથી માંડ વીસ ટકાની જ સફાઈ થઈ છે.
ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાવાં અને જરા ભારે વરસાદમાં
શહેર જળબંબાકાર થઈ જવાનો અનુભવ મુંબઈગરા માટે નવો નથી, પણ એની પાછળનું કારણ જૂનું જ
છે. વળી, ચોમાસા દરમિયાન દર વર્ષે અનેક લોકો જીવ ગુમાવે છે. મુંબઈનો વિસ્તાર અને વ્યાપ
જોતાં ચોમાસા પૂર્વેની આ નાળાસફાઈ પાલિકા માટે અત્યંત મહત્ત્વની કવાયત હોય છે. આ વાર્ષિક
કવાયતમાં નીચાણવાળા અને પાણી ભરાવાંની શક્યતા હોય એવા વિસ્તારોમાં 300 જેટલાં મુખ્ય
નાળાં અને સેંકડો ગટરોનો સમાવેશ થાય છે, જેમાં સાકીનાકા, કુર્લા, મિલન સબવે, હિંદમાતા,
કિંગ્સ સર્કલ અને વાકોલા તથા મીઠી નદી નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે. ખાસ તો અંડરગ્રાઉન્ડ
નાળાઓની સફાઈ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
આ વખતે હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ચોમાસું કેરળમાં
26મી મેની આસપાસ બેસશે, આમાં ચાર દિવસ વહેલું કે મોડું થઈ શકે છે. કેરળમાં ચોમાસાના
આગમન પછી દસેક દિવસે મુંબઈમાં પણ મેઘરાજાનું આગમન થાય છે. એ જોતાં 31મી મે સુધીમાં
મુંબઈમાં ચોમાસા પૂર્વેની તમામ તૈયારી થઈ જાય એ જરૂરી હોય છે. જોકે, આ વર્ષે નાળાસફાઈ
દરમિયાન નાળાં અને ગટરોમાંથી જે કચરો નીકળ્યો છે, એનાથી આશ્ચર્યની સાથે આઘાત લાગે એવું
થયું છે. સારી સુવિધાઓ અને ઓછી સમસ્યાઓની અપેક્ષા હોય તો મુંબઈગરાએ વહેલી તકે જાગી
જવા જેવું છે. આપણે કયો કચરો ગટરમાં પધરાવીએ છીએ એ વિશે આજે સાવચેતી નહીં રાખીએ તો
આવતીકાલે ફરિયાદ કરવાથી કંઈ નહીં વળે.