• બુધવાર, 10 જૂન, 2026

મોદી સરકારનાં બાર વર્ષ : પુરાતન, નૂતન ભારતને જોડતો સેતુ

માધ્યમોમાં પ્રકાશિત જાહેરખબરોનો ઉલ્લેખ થોડા સમય માટે કરીએ, તેની ચર્ચા થાય તો પણ એક સ્પષ્ટ અનુભૂતિ રાષ્ટ્રના નાગરિકો કરી રહ્યા છે કે છેલ્લાં 12 વર્ષમાં દેશમાં નક્કર અને નોંધપાત્ર કામ તો કેન્દ્ર સરકારે કર્યાં છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની પ્રગતિ થઈ છે તેને ફક્ત સરકારી દાવો કહેવો તે તટસ્થતાની સામેથી મુખ ફેરવવા જેવું ગણાશે. વખતે તેમના 12 વર્ષની ઉજવણીને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો વિક્રમ તોડવાની સાથે પણ સાંકળવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ સ્વયં એવું અનેક વાર કહી ચૂક્યા છે કે દેશના વિકાસમાં સૌએ યથામતિ-યથાશક્તિ યોગદાન આપ્યું છે

પંડિત નેહરુ અને નરેન્દ્રભાઈના કાર્યકાળની સરખામણી સંખ્યા, વર્ષોની દૃષ્ટિએ થઈ શકે, થઈ રહી છે. વિકાસનો સંદર્ભ છે ત્યાં સુધી બન્નેની સ્થિતિ સંજોગો, સમય ઘણા ભિન્ન છે. પંડિતજીએ કર્યું તે મોદી કરી શક્યા એમ કહેવું યોગ્ય નથી અને મોદીએ કર્યું તે પૂર્વે થવું જોઈતું હતું તેમ પણ કહેવાય નહીં. કારણ કે દેશકાળ અનુસાર બન્નેની અગ્રતા અલગ, આર્થિક, સામાજિક, રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પરિપ્રેક્ષ્ય પણ ભિન્ન. રાજનીતિની દૃષ્ટિએ તો બન્ને પક્ષના કે બન્ને વ્યક્તિના સમર્થકો પોતપોતાની રીતે કાર્યકાળને સરખાવે, કોણ ચડિયાતું? તેવી ચર્ચા કરે. ટેલિવિઝનની ચૅનલ પણ ડિબેટ કરે, પરંતુ વિષય કોઈ ચુકાદો આપી દેવાનો નથી, ચિંતન કરીને બન્નેની અવધિમાંથી દેશના ભવિષ્ય માટે શું આવશ્યક તે નક્કી કરવાનો છે.

પંડિતજી વડા પ્રધાન બન્યા ત્યારે બુલેટ ટ્રેન થઈ, આટલા રસ્તાના નેટવર્ક થયા, ટ્રેનના પુલ બંધાયા એવું રાજકીય નિવેદન થઈ શકે, જેમણે દેશને સ્વતંત્રતા પછી ઊભો થતો, ઉભરતો જોયો છે તે લોકો સીધું આમ નહીં કહે. કારણ કે ત્યારની અગ્રતા અલગ હતી, ત્યારની સ્થિતિ આજથી અલગ. વિસ્થાપિતોને પુન: વસાવવાના હતા. અનાજ સહિતની બાબત માટે સ્વાવલંબન કેળવવાનું હતું અને શિક્ષણ, ઉદ્યોગ, પરિવહન સહિતનાં ક્ષેત્રે શરૂઆત કરવાની હતી. ગુલામીની સાંકળો તો તૂટી હતી, પરંતુ તેને લીધે પડેલા ઉઝરડા કે થયેલા ઘા, ફૂટેલા ટશિયા રૂઝાયા નહોતા. સ્વતંત્રતા પછીનાં થોડાં વર્ષો-દાયકામાં આઇઆઇએમ, ઍટમિક રિસર્ચ સેન્ટર જેવા પ્રકલ્પો થયા. ઉદ્યોગો સ્થપાયા.

સ્થિતિમાં દેશ સ્વતંત્ર થયો, યુદ્ધો થયાં, રાજકીય ઘટનાઓ પણ ઘટી. કહાની લંબી હૈ... અને જાણીતી પણ છે. દેશ સ્વતંત્ર તો 1947માં થયો અને બંધારણ આપણે અપનાવ્યું 1950માં તેમ છતાં 12 વર્ષના કાર્યકાળની ચર્ચા શા માટે? તેવા પ્રશ્નના પણ જવાબ છે. દેશનો સર્વાંગી વિકાસ પ્રજાએ અનુભવ્યો તે સ્વીકારવું રહ્યું, `િવકાસ ભી, વિરાસત ભી' સૂત્ર નરેન્દ્રભાઈએ આપ્યું અને તેને અનુસરીને ચંદ્રયાન પણ અંતરીક્ષમાં પહોંચ્યાની ઘટના બની અને વર્ષોથી જે સપનું દેશનું હતું તે રામ મંદિરનું નિર્માણ પણ થયું. દેશની સામે પડકાર પહેલા હતા, પરંતુ પહેલા હતા તેવું નથી

2020-2021નો સમય વૈશ્વિક વિપદાનો ગાળો રહ્યો. કોરોના જેવી અત્યંત ગંભીર બીમારીએ દેશવાસીઓના જીવ અને દેશનું અર્થતંત્ર બન્ને સામે પડકાર ઊભા કર્યા. ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, સમાજ સહિતની તમામ પ્રવૃત્તિઓ ઠપ. પ્રગતિની વાત દૂર રહી, દેશની સામાન્ય ગતિ પણ અટકી પડી. પરિસ્થિતિમાં દેશવાસીઓનો જુસ્સો અને દેશની હાલત બન્નેને ટકાવવાનો પડકાર નરેન્દ્ર મોદીની સરકાર સામે આવ્યો હતો. સ્વતંત્રતા પછી આવી ગંભીર-રાષ્ટ્રવ્યાપી બીમારી પહેલીવાર આવી. ઘરથી લઈને દેશ સુધીના સ્તરે પ્રશ્નાર્થ મોટા હતા. બાર વર્ષ દરમિયાન ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક બેશુમાર વરસાદ, ગામનાં ગામ વહી જવાં કે ધરતીમાં સમાઈ જવા જેવી ઘટનાઓ બની. પાકિસ્તાને પઠાણકોટ, ઉરી, છેલ્લે પહેલગામમાં આતંકી હુમલા કર્યા. ભારતની સેનાએ નેતૃત્વની મક્કમતાને લીધે જડબાતોડ જવાબ આપ્યા. 2025માં તો અૉપરેશન સિંદૂર કરીને શત્રુ રાષ્ટ્રને તરસતું કરી દીધું. ઈરાન-અમેરિકા યુદ્ધ સમયે પણ ભારતે સમતા દાખવી, શક્ય હતું ત્યાં સુધી ઈંધણના ભાવ વધવા દીધા નહીં. યુદ્ધ ઉકેલ નથી તેવું ભારતે વિશ્વને વારંવાર કહ્યું.

પંડિત નેહરુના સમયથી જે સમસ્યા હતી સંવિધાનમાં કાશ્મીર સંદર્ભે કલમ 370 હતી અને નરેન્દ્રભાઈના કાર્યકાળમાં તે કલમ દૂર થઈ. નક્સલવાદથી દેશને મુક્તિ મળી ઉપલબ્ધિઓ નાની નથી. આતંકવાદ સામે દેશની સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. વડા પ્રધાનપદે નેહરુની પસંદગી થઈ તેનાં જે કારણો હશે તેમાંનું એક કારણ તેમની આંતરરાષ્ટ્રીય છબિ પણ ખરી, નરેન્દ્રભાઈએ પણ વિશ્વના અનેક દેશો સાથે મૈત્રીસંબંધ સ્થાપીને કે વધારે મજબૂત બનાવીને સારી વિદેશનીતિ, કુશળ નેતૃત્વની સાબિતી આપી છે. આયુષ્માન યોજના, મેટ્રો નેટવર્ક, સ્ટાર્ટઅપ-કૌશલ્ય પ્રશિક્ષણ થકી યુવાનો માટે રોજગારી, 12.75 લાખ સુધીની આવક કરમુક્ત, કૃષિક્ષેત્રે ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાઓ નરેન્દ્રભાઈના કાર્યકાળમાં અમલી બની

શાસનાવધિમાં 2016નું વર્ષ નોટબંધીને લીધે ચર્ચામાં રહ્યું, 2026ના વર્ષમાં એસઆઇઆરનો મુદ્દો અગત્યનો રહ્યો. અર્થનીતિ, વિદેશનીતિની આલોચના પણ થઈ. વિપક્ષોએ સંગઠન રચ્યું, પરંતુ કોઈ ફાવ્યું નહીં. ઊલટું આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષ બને તે પહેલાં છિન્નભિન્ન જેવી થઈ ગઈ, તૃણમૂલ કૉંગ્રેસ અને શિવસેના સરીખા પ્રાદેશિક પક્ષો અસ્તિત્વ ટકાવવા લડી રહ્યા છે. મોદીના નેતૃત્વમાં ભાજપે બંગાળ પ્રવેશ કર્યો. પૂર્વોત્તરમાં પણ વિકાસની યોજનાઓ પહોંચી. અલબત્ત, મણિપુરની અશાંતિ એક મુદ્દો હજી રહી છે. દેશે વિકાસની નવી દિશાઓ, મુકામ જોયા. સીએએ, એસઆઇઆર જેવા મુદ્દાની રાજકીય ટીકા થઈ. ધાર્મિક સ્થળોના વિકાસથી લઈને પર્વોની ઉજવણી સહિતની પ્રવૃત્તિથી હિન્દુ પ્રજાએ દેશમાં અપૂર્વ વાતાવરણનો અનુભવ કર્યો તે પણ નોંધાયું. 2024ની ચૂંટણીમાં ભાજપની બેઠક ઓછી થઈ તે પછી પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઓછી થઈ નથી. ભવિષ્યના ગર્ભમાં શું છે તે કોઈ કહી શકે અને તે અવસર પણ નથી, પરંતુ એટલું સ્પષ્ટ કે મોદી શાસનના 12 વર્ષ ભારતના ભાવિ માટે અત્યંત નિર્ણાયક છે. બાર વર્ષ પુરાતન ભારત અને નૂતન-ભાવિ ભારતને જોડતો સેતુ છે.