• ગુરુવાર, 09 જુલાઈ, 2026

કચ્છમાં ચિંતાનાં વાદળાં અન્યત્ર વરસતો અનરાધાર

અનરાધાર વરસાદ મહારાષ્ટ્ર-મુંબઈ અને દેશના અન્ય કેટલાક ભાગો માટે આફતરૂપ બન્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત, પુલ-રસ્તા-રેલવે લાઇનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંય જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ કચ્છ સહિતનાં અમુક ક્ષેત્ર કોરાધાકોર છે. સોમવારે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ વિસ્તારમાં ગાજવીજ સાથે ઝાપટાંથી એક-દોઢ ઇંચ પાણી વરસતાં કચ્છવાસીઓ મંગલાચરણથી આશાવાદી બન્યા છે. અષાઢ નજીક પહોંચ્યો છતાં જિલ્લાના ઘણાખરા વિસ્તાર સાવ કોરાધાકોર રહેતા ઉચાટ ફેલાયો છે. અલ નિનોનો ખોફ તો છે , જળવાયુ પરિવર્તનનો મહત્તમ માર કચ્છને નહીં ભોગવવો પડેને એવા અંદેશા સાથે ધરતીપુત્રો-પશુપાલકો મેઘરાજાને મહેર માટે વિનવી રહ્યા છે.

કચ્છ માટે ચિંતાનાં વાદળો ઘેરાવાનું કારણ છે કે, સામાન્ય વર્ષમાં મે-જૂનમાં બે-પાંચ ઇંચ પાણી પડી જતું હોય છે. જુલાઈમાં કચ્છી નવા વર્ષ અષાઢી બીજના આગમન સાથે વરસાદની હેલીની સંભાવના ઊજળી બને. છેલ્લા દાયકાના આંકડા જોઈએ તો પાંચેક વર્ષને બાદ કરતાં કચ્છમાં જૂન માસમાં સામાન્ય રીતે દસથી 25 ટકા વરસાદ થઈ જતો હોય છે. વર્ષ 2023માં તો બિપોરજોય ચક્રવાતના પ્રભાવ હેઠળ 87 ટકા વરસાદ અષાઢી બીજ પૂર્વે ખાબકી ચૂક્યો હતો.

કચ્છ આમ પણ મેઘરાજાની અવકૃપાનો મુલક રહ્યો છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે અને આવનારા દિવસોમાં ભરપૂર મેઘવૃષ્ટિ થાય એવી અપેક્ષા સૌને છે, પરંતુ રાજ્યમાં સાર્વત્રિક મહેરના દિવસોમાંય વાદળો કચ્છની અવગણના કરે દર્શાવે છે કે, સ્થિતિ યોગ્ય નથી. નિષ્ણાતો આને જળવાયુ પરિવર્તનનો પ્રભાવ માને છે. અલ નિનો તેની નિપજ છે. ચોમાસાની અનિર્ણાયકતા અને અણધાર્યાપણું વૈશ્વિક તાપમાન તથા પર્યાવરણ અસંતુલનનું પરિણામ છે. વરસાદી દિવસોની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય છે, કેમ કે ધીમી-મધ્યમ ધારને બદલે બારેમેઘ ખાંગા થાય છે. થોડા કલાકોમાં પા-અડધી સિઝનનું વરસી જતું પાણી ફાયદો ઓછો અને નુકસાન ઝાઝું કરાવે છે.

કચ્છીઓ મેઘરાજાને બે હાથ જોડીને વિનવે છે કે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર પર ખમૈયા કરીને કચ્છ તરફ દૃષ્ટિ દોડાવો. કચ્છની સૂકી ધરતીનો કણેકણ મેઘમહેરને ઝીલવા આતુર છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ