• ગુરુવાર, 09 જુલાઈ, 2026

જવાબદાર કોણ?

મુંબઈના રસ્તા જળબંબાકાર થતાં જોવા આપણી નિયતિ છે... એમાં આપણે કશું કરી શકીએ એમ નથી. પોતાની માતૃભૂમિને લૂંટવી આપણી ટેવ છે. આપણે જમીન પચાવી પાડવામાં નિષ્ણાત છીએ. આપણે પાલિકાને દોષ આપવાનું બંધ કરવું જોઈએ. પાલિકાએ આપણને ડ્રેનેજ લાઈન આપી છે, આપણે તેને ચૉકઅપ કરી નાખી છે. પાલિકાએ ફૂટપાથ આપી છે, એના પર આપણે વાહનો પાર્ક કરીએ છીએ, પાંઉભાજી અને સાબુદાણા વડાના સ્ટોલ લગાડીએ છીએ... શબ્દો છે બૉમ્બે હાઈ કોર્ટેના. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસી રહેલા વરસાદમાં અનેક જગ્યાએ તૂટી પડેલાં વૃક્ષો વિશે પાલિકા કમિશનર અશ્વિની ભીડે શું કહે છે, પણ જાણી લો - ઝાડ તૂટી પડવા માટે માત્ર રસ્તાના કૉક્રિટીકરણ એકમાત્ર કારણ નથી. ઝાડ પડે એમાં સામાન્ય માણસનું મોત થાય, પૂર આવે અને દુર્ઘટના થાય તો આમઆદમીનો ભોગ લેવાય, આગ લાગે કે અકસ્માત થાય એમાં કોઈનો જીવ જાય, પણ જવાબદાર કોઈ નહીં. કમ સે કમ હાઈ કોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને પાલિકા કમિશનરનાં બે નિવેદનો પરથી તો એવો અર્થ નીકળે છે. જોકે, બંને નિવેદનોને સંદર્ભ સાથે જોવા પણ એટલા જરૂરી છે, કેમ કે કાયદો કાયદાનું કામ કરે માટે નાગરિકોએ પણ પોતાની ફરજ પૂરી કરવી રહી અને નિયમોના દાયરામાં રહી વર્તવું જોઈએ.

હાઈ કોર્ટનું નિરીક્ષણ સદંતર સાચું છે અને લોકોની માનસિકતા અંગે સચોટ પણ છે. જોકે, તંત્ર પોતાનું કામ પારદર્શી રીતે, તટસ્થપણે અને નિયમ-કાયદા મુજબ કરતું હોય તો કોઈની મજાલ નથી કે કંઈ ખોટું કરી શકે. આથી, પાલિકાને જવાબદાર ગણાવી છટકી જવું જેટલું અયોગ્ય છે, પણ પાલિકા તંત્ર પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતું વાસ્તવિકતા છે. બીજી તરફ, પાલિકા કમિશનર કહે છે કે, ચોમાસામાં વૃક્ષો તૂટી પડવાનું મૂળ કારણ માત્ર રસ્તાનું કૉક્રીટીકરણ નથી. જોકે, તેમણે જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કર્યા અને રસ્તાના બાંધકામની પ્રક્રિયામાં સુધારા કરવા સાથે વધુ વૃક્ષો વાવવા માટે નિષ્ણાતોની સલાહ લેવાની વાત કરી છે. પાલિકા અને નાગરિકો બંનેએ પોતાની ફરજ પૂરી કરવી રહી અને આજના કાળની જરૂર પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ