પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કોઈ એક રાજ્યમાંથી વહેતી નદીના વધારાનું જળ સમુદ્રમાં વહી જાય તે કરતાં તેનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. જ્યાં પાણીની ખેંચ છે એવા સૂકા વિસ્તારો સુધી જળ પહોંચાડવાં જોઈએ એવા ઉમદા વિચાર સાથે સાકાર થયેલી સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ચાવીરૂપ પુરવાર થઈ છે. આ યોજનાએ અનેક વિવાદો જોયા, આંદોલનો થયાં, સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની દાવપેચ ખેલાયા. તેના અંતે નર્મદા નદી પર દેશનો બીજા ક્રમનો 138 મીટર ઊંચો નર્મદા બંધ ગુજરાતને સમૃદ્ધિની ગૅરંટી આપતો ઊભો છે.
આજની પેઢીને કદાચ ખબરે નહીં હોય એવો વિવાદ ત્રણ દાયકાથી ઊભો હતો. ગુજરાતના અબજો રૂપિયા લેણાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર પાસેથી નીકળતાં હતાં. એ રાજ્યોની બિનભાજપ સરકારોએ ઉકેલને બદલે ટકરાવનો માર્ગ ભૂતકાળમાં લીધાના બનાવ ઇતિહાસમાં નોંધાયા છે, પણ સહકારથી સમાધાન શક્ય બન્યું. ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત), દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર), ભજનલાલ શર્મા (રાજસ્થાન) અને ડૉ. મોહન યાદવ (મધ્યપ્રદેશ) એમ ચારે રાજ્યના મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં મહત્ત્વાકાંક્ષી પરિયોજનાના ખર્ચની વહેંચણીનો મુદ્દો કાયમ માટે ઉકેલાયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની મધ્યસ્થીમાં મંગળવારે નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં બાકી ચુકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ. વનટાઈમ સેટલમેન્ટ અંતર્ગત ગુજરાતને ત્રણે ભાગીદાર રાજ્યો તરફથી અંદાજે રૂા. 1650 કરોડની બાકી રકમ મળશે. આ સમજૂતી વખતે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ પણ ઉપસ્થિત હતા.
આ સમજૂતીને લાંબાગાળાના વિવાદો ઉકેલવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ઘટનાનું રાજકીય મહત્ત્વ એ છે કે, રાજ્યોમાં ડબલ એન્જિન સરકારો હોય તો વધુ સારી સમજણ પ્રવર્તી શકે છે. દેશના અનેક ભાગોમાં નદી જળ વિવાદ દાયકાઓથી ચાલે છે. સંબંધિત રાજ્યો સમજૂતી કરવાને બદલે હાઈ કોર્ટો, ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચક્કર લગાવતાં રહે છે. આ ટકરાવ પાછળનું મૂળ કારણ રાજકીય પ્રતિદ્વંદ્વતા પણ હોય છે. એટલે જ નર્મદા સમજૂતી બીજાં રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનવી જોઈએ.
આ સમજૂતી પછી સંબંધિત ચારે રાજ્યો વધુ સારી જળવહેંચણી કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો નર્મદા નિગમને નાણાં મળતાં દૂર સુધીની પેટા કેનાલોનું નેટવર્ક પૂરું થઈ શકશે. સરદાર સરોવર બંધ અને નર્મદા કેનાલને લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનને પાણી અને જળ વિદ્યુત ઉપલબ્ધ થઈ શકે છે. ગૃહપ્રધાન અમિત શાહે યોગ્ય જ કહ્યું છે કે, કોઈ એક રાજ્ય સમૃદ્ધ થાય છે તો એનો ફાયદો પડોશી રાજ્યો તથા સમગ્ર દેશને મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત આજે વિકાસની નવી ઊંચાઈએ પહોંચવા પ્રયત્નશીલ છે, ત્યારે પ્રાકૃતિક સંસાધનોના કુશળ વ્યવસ્થાપન તથા રાજ્યો વચ્ચે આંતરિક સદ્ભાવ ખૂબ જરૂરી છે.
કર્ણાટક-તામિલનાડુ વચ્ચેનો કાવેરી જળ વિવાદ, સતલજ-યમુના લિન્ક નહેરનો વિવાદ વણઉકેલ છે, ત્યારે અમિત શાહની મધ્યસ્થતાથી થયેલી સમજૂતીએ સંદેશ આપ્યો છે કે, વિવાદનો નિવેડો ખટલા-સંઘર્ષને બદલે સંવાદથી થવો જોઈએ. નર્મદા સમજૂતી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ચારે રાજ્યોને ફાયદો કરાવશે એમાં બેમત નથી.