• રવિવાર, 19 જુલાઈ, 2026

બેસ્ટની સદી, સેવાની બદી

એક કાળે મુંબઈ કે મહારાષ્ટ્રમાં નહીં, પણ આખા દેશમાં એકમાત્ર અને સફળ સાર્વજનિક પરિવહન સેવા તરીકે બૉમ્બે ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)નું નામ ઝળહળતું. હાલમાં બેસ્ટની સ્થાપનાનાં સો વર્ષની ઉજવણી થઈ. અત્યારે ભલે બેસ્ટના નામમાં શ્રેષ્ઠતા રહી ગઈ છે, પણ એક સમયે તેની સેવા, નિયમિતતા અને વિશ્વાસપાત્રતા પણ બેસ્ટ હતી. સો વર્ષની સફરને આંકડાની દૃષ્ટિએ મૂલવીએ તો - 15મી જુલાઈ, 1926ના રોજ બેસ્ટે બસસેવા શરૂ કરી ત્યારે તેની માલિકીની 24 બસો હતી, 1947માં દેશ આઝાદ થયો ત્યારે બીએમસીએના હાથમાં બેસ્ટનું સંચાલન આવ્યું વખતે બેસ્ટની માલિકીની કુલ 242 બસો હતી, આજે આંકડો 249 છે. શહેરની બીજી જીવાદોરી ગણાતી બેસ્ટની બસસેવાની પડતીનાં અનેક કારણો છે, પણ એકંદર ઉદાસીનતા તેમાં સૌથી પ્રમુખ છે.

ઘોડાથી ચાલતી ટ્રામ પછી મોટરથી ચાલતી બસો આવી અને ટ્રામ કંપનીનું રૂપાંતર 1926માં બેસ્ટ તરીકે થયું. મુંબઈમાં સાર્વજનિક પરિવહન સેવા શરૂ કરવાનું શ્રેય બ્રિટિશરોને નહીં પણ અમેરિકન કંપનીને જાય છે. કપાસ તથા અન્ય વેપારના મથક તરીકે મુંબઈનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું હતું. અમેરિકામાં મંદીનાં વાદળ ઘેરાયાં ત્યારે ત્યાંની એક કંપનીએ મુંબઈમાં બૉમ્બે ટ્રામ કંપની લિ. શરૂ કરી અને 900 ઘોડાનો કાફલો સેવામાં જોતર્યો. આગળ જતાં ઈલેક્ટ્રિક ટ્રામ આવી અને 1964માં ટ્રામે વિદાય લીધી પછી બેસ્ટની બસો મુંબઈગરાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું અસરકારક માધ્યમ બની.

આજે બેસ્ટ છેલ્લાં અનેક વર્ષોથી સતત નુકસાન નોંધાવી રહી છે, આમ પણ સાર્વજનિક પરિવહન સેવા ખરાઅર્થમાં સેવા હોવાથી, એમાંથી નફો થવાની અપેક્ષા રાખવી વધુ પડતી ગણાય, પણ સત્તાવાળાઓએ નુકસાનની વાતને એટલી ચગાવી કે છેવટે બેસ્ટે પોતાની માલિકીની બસો કે ચાલકો ઓછા કરવાનું શરૂ કર્યું. અત્યારે બેસ્ટની સેવામાં 2551 જેટલી બસો છે, પણ આગળ કહ્યું તેમ 249 બાદ કરતા બાકીની બસો લીઝ એટલે કે કૉન્ટ્રાક્ટ પર છે, તેને ચલાવનારા પણ કૉન્ટ્રાક્ટ કર્મચારી. સરવાળે થયું એવું કે, બસોની જાળવણી પર અસર પડી અને તેનો સીધો પ્રભાવ સેવાની નિયમિતતા પર થયો. એકંદરે નુકસાનનો ખાડો વધુ ને વધુ ઊંડો થતો ગયો. છેલ્લાં થોડાંક વર્ષોમાં તો બેફામ બસો ચલાવતા ડ્રાઈવરોને કારણે અનેક અકસ્માતો થયા છે અને યોગ્ય જાળવણીના અભાવે ખોટકાઈ જતી બસોને પગલે મુંબઈગરાને વારંવાર હાલાકીનો સામનો કરવાનો આવે છે. અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તથા સાધનોને કારણે મુંબઈગરાનો બેસ્ટ પરનો મદાર પણ ખાસ્સો ઘટતો ગયો અને બસ રૂટ બંધ થતા રહ્યા. બસ સ્ટોપ પર 30થી 45 મિનિટ રાહ જોયા બાદ આવતી બસ બેસ્ટની છાપને ઓર ખરાબ કરી રહી છે. જૂનું સોનું એવી ઉક્તિ બેસ્ટના કેસમાં ખોટી પુરવાર થઈ રહી છે. જોકે, હજી પણ મોડું નથી થયું અને બેસ્ટને તેની જૂની જાહોજલાલી પાછી અપાવી શકાય એમ છે, જો બધા સાથે મળીને પ્રયાસ કરે તો.

ઇ-પેપરના નવા શુલ્ક