• રવિવાર, 19 જુલાઈ, 2026

ટેરિફ આક્રમણ સામે વ્યાપાર-કરાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ આક્રમણ શરૂ કર્યું તે પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઘણી કટોકટી શરૂ થઈ છે. ટ્રમ્પે ટેરિફના દર મનફાવે તે રીતે વધાર્યા છે. રશિયા પાસેથી તેલ ખરીદી કરનાર દેશ ઉપર હવે એકસો ટકા ટેરિફ - જકાત નાખવાની ધમકી આપી છે. એમણે અમેરિકાની - હકીકતમાં પોતાની સત્તા જમાવવા અને એકમાત્ર મહાસત્તા હોવાનું સાબિત કરવા માટે ટેરિફ - જકાતનો ઉપયોગ આર્થિક - વ્યાપારી યુદ્ધમાં શત્ર તરીકે કર્યો છે!

વિશ્વ વ્યાપારમાં રીતે નીતિનિયમો બદલાઈ રહ્યા છે ત્યારે ભારતે નવો માર્ગ - વ્યૂહ અપનાવ્યો છે. લગભગ તમામ મિત્ર દેશો સાથે દ્વિપક્ષી મુક્ત વ્યાપારના કરાર કરવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા સાથે આવા મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટ મહિનાઓથી ચાલી રહી છે પણ જાણીબૂઝીને ગોકળગાયની ગતિ છે. કારણ કે ટ્રમ્પ તોઅભી બોલા અભી ફોકની નીતિમાં માને છે!

અમેરિકા સાથે મુક્ત વ્યાપાર કરાર થાય ત્યારે ખરા. તારીખ પે તારીખ પડયા કરે છે! પણ આપણે યુ.કે. સાથે કરેલા કરારનો અમલ તાત્કાલિક શરૂ થઈ ગયો છે. બુધવારે કરાર ઉપર સહીસિક્કા થયા અને તેજ દિવસે મુહૂર્તના સોદાની જેમ ભારતે 14 કરોડ ડૉલરના માલસામાનની નિકાસ કરી છે. વડા પ્રધાન મોદીએ કરારને વધાવતાં કહ્યું છે કે કરાર અને સામાજિક સલામતીની સમજૂતી બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધ ગાઢ બનાવશે અને લોકો માટે નવા અવકાશ અને અવસર પૂરા પાડશે.

કોમ્પ્રિહેન્સિવ આર્થિક અને વ્યાપાર કરારથી આપણા કિસાનો, ઔદ્યોગિક સાહસિકો અને મધ્યમ ઉદ્યોગોને યુ.કે.ની બજારમાં પ્રવેશ મળશે. ટેક્નૉલૉજીમાં સહકાર અને સહયોગ વિસ્તરશે. આપણા કારીગરોના કૌશલને માન્યતા મળશે. વડા પ્રધાન મોદી કહે છે કે આપણા બંને દેશની લોકશાહી એકબીજામાં વિશ્વાસને દૃઢ બનાવે છે. વ્યાપાર કરારથી આપણી ભાગીદારી વધુ વ્યાપક બને છે. ભાગીદારીથી સમૃદ્ધિ વધવા પામશે.

વ્યાપાર - ઉદ્યોગના અગ્રણીઓએ યુ.કે. સાથેની વ્યાપાર સમજૂતીને હરખભેર આવકારી છે. અત્યારે ભાવવધારાની અસર હોવા છતાં અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે. યુ.કે.ની જેમ અન્ય દેશો સાથે વ્યાપાર કરાર થયા છે તેનાં પરિણામે આપણા ઉદ્યોગોએ વધારાની માગ માટે તૈયાર રહેવું પડશે. સ્વદેશી સાથે વિદેશી માગ વધે ત્યારે ઉત્પાદન વધશે અને રોજગારી પણ વધવા પામશે.

આમ, એક રીતે ટ્રમ્પના ટેરિફ આક્રમણને ભારતે - વ્યાપાર વધારવાના સુવર્ણ અવસરમાં બદલી નાખ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક