દેશના 24 કરોડ વિદ્યાર્થીઓને લાગુ પડતા એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, અૉટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (અપાર) આઇડી યોજના હેઠળ નોંધણી કરાવવી કે નહીં એનો નિર્ણય વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ લેવાનો રહેશે અને તે ફરજિયાત ન હોઈ શકે. આનો અર્થ એ કે, એક વિદ્યાર્થી, એક ઓળખ એટલે કે વિદ્યાર્થીની શૈક્ષણિક ઓળખ માટેની અપાર આઇડીના અનેક ફાયદા હોવા છતાં તે ફરજિયાત નથી. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત શિક્ષણ મંત્રાલયે આ યોજના શરૂ કરી હતી, જેનો આશય વિદ્યાર્થીઓની તમામ શૈક્ષણિક વિગતો એક જ મંચ પર લાવવાનો છે. કયા ધોરણની કઈ પરીક્ષામાં વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા ત્યાંથી લઈને મહત્ત્વની પરીક્ષાઓની માર્કશીટ્સ, ડિગ્રીઓ તથા અભ્યાસ સિવાયનાં ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓની નોંધ અપાર આઇડી પર મળી રહે એવી આ ગોઠવણ હતી. બાર આંકડાનો યુનિક નંબર ધરાવતી આ આઇડી વિદ્યાર્થીની પૂર્ણ ઓળખ સમાન છે. વિચાર અને સુવિધા સારા છે અને આ આઇડી બનાવવાનું ફરજિયાત નહોતું, પણ શાળાઓએ આ આઇડી બનાવવા માટે બાળકોના આધાર કાર્ડ માગવાની શરૂઆત કરી. આથી બાળકોના આધાર કાર્ડ બનાવવા પડે, જ્યારે 2019ના કે. એસ. પુટ્ટુસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, બાળકોના આધાર બનાવવા કે નહીં એ ઐચ્છિક નિર્ણય છે. આથી વિદ્યાર્થી પાસે આધાર જ ન હોય તો અપાર બનાવવાનો પ્રશ્ન જ નથી આવતો. અપાર આઇડી બનાવવા માટે વિદ્યાર્થીના આધાર કાર્ડ માટે માતા-પિતાના સંમતિપત્રની જરૂર પડે છે. અદાલતના ચુકાદાથી હવે તેમાં આ યોજનામાં સહભાગી ન થવાના વિકલ્પને પણ ઉમેરવામાં આવશે. વળી, આ ચુકાદો દેશભરમાં લાગુ થશે.
વિદ્યાર્થી ભવિષ્યમાં
નોકરી કે વ્યવસાયમાં હોય ત્યારે શાળામાં કેટલા માર્ક્સ મળ્યા હતા અને તે ચોક્કસ પરીક્ષામાં
પાસ થયો હતો કે નહીં એ કોઈને જાણવાની શું જરૂર છે, એવી દલીલને અદાલતે માન્ય રાખી હતી.
વળી, વ્યક્તિગત માહિતી એકત્ર કરતી આ યોજનાનો આશય સારો હોવા છતાં તેના કારણે પ્રાયવસીના
અધિકારનો તેનાથી ઉલ્લંઘન થાય છે તથા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટની જોગવાઈઓ
અપાર યોજનાને લાગુ પાડવામાં ન આવી હોવાની દલીલ પણ અદાલતે મંજૂર રાખી હતી. જે રીતે ડિજિટલ
ઓળખનો દુરુપયોગ થાય છે એ જોતાં નાની વયનાં બાળકોની માહિતી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ હોવી
એ સંવેદનશીલ બાબત ગણાય. અપાર સ્વૈચ્છિક હોવાનું કેન્દ્રીય શિક્ષણ ખાતાએ સ્પષ્ટ કર્યું
હોવા છતાં વિદ્યાર્થીઓનાં પરિણામ તથા ઍડ્મિશન વગેરેમાં આ આઇડી લખવાની રહે છે. આથી સર્વોચ્ચ
અદાલતનો આ નિર્ણય સમયોચિત છે અને એ સાથે જ આવી અન્ય સ્વૈચ્છિક યોજનાઓ માટે માહિતી આપવાનું
ફરજિયાત ન કરવાનો દાખલો આનાથી બેસે એ આવશ્યક છે.