• શનિવાર, 25 જુલાઈ, 2026

ચીન પરનું અવલંબન ઘટાડવું જરૂરી

ભારતના વિકાસનો ડંકો આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે, પણ ચીન સાથેના વેપારમાં મસમોટી ખોટ એક અલગ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. ભારતના ચીન સાથેના સંબંધ સતત ઉતાર-ચઢાવભર્યા રહ્યા છે. ભારતીય વિસ્તારોમાં ચીની ઘૂસણખોરી હોય કે પાકિસ્તાનને ટેકો હોય, એવા તમામ પ્રસંગોએ દેશભક્તિની લાગણી ચીની માલસામાન સામે ભભૂકી ઊઠતી હોય છે, પણ સમયની સાથે આ લાગણી ઠંડી પડી જાય તે પછી બધું જૈસે થે થઈ જાય છે. વેપાર ફરી રાબેતા મુજબ થઈ જાય છે. આવા સંજોગોમાં ચીન સાથે ભારતના વેપારમાં અસંતુલન ભારતીય ઉત્પાદનોની તાકાતની નબળાઈ છતી કરે છે.  

ગયા વર્ષ દરમિયાન ભારત અને ચીન વચ્ચેની વેપારી ખાધ 112 અબજ ડૉલરને આંબી ગઈ હતી. ભારતે ચીન પાસેથી 131 અબજ ડૉલરની વસ્તુઓની આયાત કરી હતી અને માત્ર 19.પ અબજ ડૉલરની નિકાસ કરી હતી. નોંધપાત્ર હકીકત એ છે કે 2024ની સરખામણીએ 202પમાં ભારતની ચીનથી કરેલી આયાતમાં 16 ટકાનો વધારો થયો હતો. ભારતે ચીનમાંથી આયાત કરેલી વસ્તુઓમાં 7પ.8 અબજ ડૉલરનો મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સનો હિસ્સો હતો, જ્યારે રસાયણ, પ્લાસ્ટિક અને ખાતરની આયાત 27 અબજ ડૉલરની રહી હતી. આજે ભારતનો દુનિયામાં દવા ઉત્પાદન અને નિકાસમાં દબદબો છે, પણ એન્ટિબાયોટિક્સના ઉત્પાદન માટેનો કાચો માલ ચીન પાસેથી આયાત કરવો પડે છે. ગયા વર્ષે આ કાચા માલની આયાત 1.6 અબજ ડૉલરની રહી હતી.  

ઉલ્લેખનીય છે કે ખાડીદેશોમાં અશાંત પરિસ્થિતિને લીધે ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચાવીરૂપ યુરિયાની આયાત ખોરવાઈ છે. આ માટે હવે ચીન પાસેથી આયાત વધારવી પડી છે, પરિણામે યુરિયાની આયાત ચાર કરોડ ડૉલરથી વધીને સીધી એક અબજ ડૉલરને આંબી ગઈ છે. ચિંતાની બાબત એ છે કે ભારતે ચીનને કરેલી નિકાસમાં મોટો હિસ્સો ખનિજ અને દરિયાઈ ઉત્પાદનોનો છે. જોકે, એક આશાસ્પદ બાબત એ છે કે ભારત સ્માર્ટફોન માટે અનિવાર્ય એવી પીસીબીની નિકાસ ચીનને કરતો થયો છે. અગાઉ પીસીબીની નિકાસ માત્ર 3.6 કરોડ ડૉલરની હતી, જે હવે વધીને 1.પ અબજ ડૉલરને આંબી ગઈ છે.  

ચીન સામેના આ વેપારયુદ્ધમાં લાગણીઓના તાણાવાણાને બદલે વધુ ને વધુ આત્મનિર્ભરતા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઇન્ડિયાનો આપેલો સંકલ્પ આ વેપાર સંતુલનને જાળવવા માટે ચાવીરૂપ મંત્ર બની શકે તેમ છે. ઘરઆંગણાની મસમોટી માગ અને બજારને પહોંચી વળવા ઉત્પાદનને મજબૂત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ચીન જેવા દેશોથી આયાતમાં ઘટાડો થઈ શકે. આ માટે સરકારે નાના અને મધ્યમ ઉત્પાદન એકમોને વધુ ને વધુ સુવિધા આપવા પર ધ્યાન આપવું જોઈએ. આવા એકમોને વિનાવિક્ષેપ વીજપુરવઠો મળે અને પરિવહન માળખાંને મજબૂત કરવાની ખાસ જરૂરત છે. ઘરઆંગણે ઉત્પાદનોને વિશ્વકક્ષાના બનાવવામાં આવે તો સ્વદેશીનો વ્યાપ વધી શકે છે. આમ થાય તો ચીન અથવા દુનિયાના કોઈપણ દેશ સાથે વેપાર ખાધને દૂર કરવામાં સફળતા મળી શકશે.