પેપર લીક મુદ્દે જંતર-મંતર પર વિદ્યાર્થીઓનાં ધરણાં અને ત્રણેક દિવસથી ચાલતી ધાંધલ વચ્ચે ગુરુવારથી કેન્દ્ર સરકારની ગતિશીલતા જોવા મળી રહી છે. સોનમ વાંગચૂકે અનશન સમેટી લીધા એ પછી સીજેપીના પ્રતિનિધિ અને પ્રધાનો વચ્ચે મંત્રણા યોજાઈ તેને હકારાત્મક પગલું માની શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ અને રાત્રે વીડિયો સંદેશ જારી કરીને આંદોલનકારી છાત્રો સાથે પરોક્ષ સંવાદ કર્યો. આ લખાય છે ત્યારે કેન્દ્રીય કૅબિનેટે પ્રશ્નપત્ર લીક જેવા કિસ્સામાં કડક સજા અને મામલાનો ઝડપી નિકાલ જેવી જોગવાઈ માટે નવા વિધેયકના મુસદ્દાને ત્વરિત મંજૂરી આપીને સંકેત દીધો છે કે, દેશના યુવાનો અને છાત્રોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારાં તત્ત્વોને કઠોર દંડ મળે એ સુનિશ્ચિત કરાશે, એ પછી વધુ એક કડક નિર્ણયમાં સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના 47 અધિકારીને પાણીચું પકડાવી દીધું છે. અમુક સામે કાનૂની કાર્યવાહી પણ થશે. પેપર લીક મહાપાપ છે અને એ કૃત્ય આચરનારાને આકરી સજા થશે એવી પી.એમ.ની ધરપતની પુષ્ટિ કરતાં આ પગલાંથી આંદોલનકારી છાત્રોનો રોષ થોડો ઓછો થવો જોઈએ.
સીજેપીના
બે છાત્ર પ્રતિનિધિ સાથેની બેઠકમાં નીટ પેપર લીક પછી હતાશામાં જીવનનો અંત આણનારા છાત્રોના પરિજનોને વળતર અને જંતર-મંતર ધરણાં દરમિયાનના કેસો પડતા મૂકવાની બે માગણી પર સરકારે સકારાત્મક વલણ લીધું છે. કોક્રોચ પાર્ટીની શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર સરકારે શનિવાર બપોર સુધીનો સમય માગ્યો છે. દિલ્હીમાં જંતર-મંતર પર દિવસ દરમિયાન ધરણાં ચાલુ રહ્યાં છે. છાત્રોની લડત દેશભરમાં લઈ જવાની હાકલને પગલે નાગપુર, હૈદરાબાદ, મુંબઈ, પટણા સહિતનાં શહેરોમાં દેખાવ, પ્રદર્શન નોંધાયાં છે. ક્યાંક પોલીસ સાથે મોટા પાયે ઘર્ષણ થયું છે. વિદ્યાર્થીઓ પ્રત્યે બધાને સહાનુભૂતિ છે, આમાં રાજકીય પક્ષો કૂદી પડતાં સ્થિતિ વણસી છે એમાં કોઈ મીનમેખ નથી.
રાહુલ
ગાંધી અને કૉંગ્રેસી સાંસદોએ રાજકીય મુદ્દો બનાવ્યા પછી શિવસેના, ડાબેરી, તૃણમૂલ, સમાજવાદી પાર્ટી જેવા પક્ષો પણ સક્રિય બન્યા છે. મમતા લડતમાં જોડાવા દિલ્હી આવી રહ્યાં છે. સીજેપીની લડતને રાજકીય પીઠબળને લીધે આ મુદ્દો કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષની સીધી લડાઈમાં ફેરવાઈ ગયો છે. દેખાવો - ધરણાંમાં ડાબેરી પક્ષના કાર્યકરોની મોટી હાજરી નોંધનીય છે. એક વાત લડતને વિદેશી ફન્ડિંગનીય આવી રહી છે. સરકાર પાસે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી. જોકે, જંતર-મંતર પર છાત્રો માટે દેશ-વિદેશથી ખાદ્યચીજો મોટા પાયે અૉર્ડર થઈ રહી છે. દરમિયાન, મોદી સરકારને ભીંસમાં લેવાની તક બધા રાજકીય પક્ષોને દેખાઈ રહી છે. પ્રધાનના રાજીનામાના મુદ્દે શું થશે એ જોવાનું છે. વિરોધ પક્ષોએ આ માગ સાથે સંસદ ખોરવી નાખી છે. વિરોધ પક્ષનું ચલણ રચનાત્મક હોવું જોઈએ. સરકારી સૂત્રોનું માનવું છે કે, પેપર લીકની ઘટના બન્યા પછી તુરંત તપાસ શરૂ થઈ... અપરાધીઓને ઝડપી લેવાયા, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને બદલી નાખવામાં આવ્યા છે. એ પછી પ્રધાનના રાજીનામાની જીદ છોડી દેવી જોઈએ.
પરંતુ
સીજેપી અને સંબંધિતો આ મુદ્દો પડતો મૂકે એવી સંભાવના ઓછી છે. સોનમ વાંગચૂકનાં પારણાં પછી લડતનું જોર ઓસરે નહીં એવાં નિવેદન સીજેપી નેતા અભિજિત દીપકે તરફથી આવ્યાં છે. દીપકેએ કહ્યું છે કે, પ્રધાનના રાજીનામાથી ઓછું કંઈ જ સ્વીકાર્ય નથી. પરિસ્થિતિ ઝડપથી થાળે પડે એ જરૂરી એટલા માટે છે કે, છાત્ર આંદોલન (જાણે તેને રાજકીય રંગ અપાયો હોય)ને લીધે વ્યાપક નકારાત્મક પ્રચાર થઈ રહ્યોઁ છે. અગાઉ, ગુરુવારે સરકાર સીજેપીનાં આંદોલનના મામલે સક્રિય થઈ હતી. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને નીટ પેપર લીકના આરોપીઓની સામે ઝડપી સુનાવણી માટે તે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની જાહેરાત કરી હતી. તેમણે પેપર લીકના ગુનામાં કડક સજાની જોગવાઈ સાથેનો ખરડો તત્કાળ સંસદમાં પસાર કરાવવાની પણ ખાતરી આપી હતી. મોદીએ એક વીડિયો સંદેશમાં પેપર લીકના મામલાને રોકવામાં કડક કાર્યવાહીની ખાતરી પણ આપી હતી.
સરકારે
નીટ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને કેન્દ્રના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને હટાવીને મંત્રણા અગાઉ પોતાનો હકારાત્મક ઈરાદો છતો કર્યો હતો. ગુરુવારે રાત્રે સોનમ વાંગચૂકે પોતાના અનશનનો અંત આણીને આંદોલનની તીવ્રતા ઘટાડી નાખી છે. તેમણે પેપર લીકના મામલે વડા પ્રધાનની ખાતરીમાં સંતોષ વ્યક્ત કરવાની સાથોસાથ હાલના આંદોલનમાં હિંસામાં સામેલ ન હોય તેવા સામે કોઈ કેસ ન કરવાની અને અગાઉ નીટના પેપર લીકને લીધે આત્મહત્યા કરનાર પરીક્ષાર્થીઓના પરિવારજનોને આર્થિક વળતર આપવાની શરત મૂકી હતી. સરકારે આ બન્ને શરતનો પણ સ્વીકાર કર્યો છે.
આ
આંદોલનને પગલે વડા પ્રધાને જે નિર્ધાર વ્યક્ત કર્યો છે અને આગામી સપ્તાહે જે ખરડો સંસદમાં રજૂ કરાશે, તેમાં ચાવીરૂપ પરીક્ષાઓમાં પેપર લીક કરનારામાં ડર ઊભો થશે. નીટના કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીથી આ મામલામાં દોષીઓની સામે ઝડપી કાર્યવાહી થશે. સરકારે હવે આવી પરીક્ષાઓના પેપરની સલામતી માટે પણ જડબેસલાક વ્યવસ્થા ઊભી કરવા તરફ ધ્યાન આપવું શરૂ કર્યું છે. આનાથી વિદ્યાર્થીઓનાં મનોબળ અને વિશ્વાસ જળવાયેલાં રહેશે. જોવાનું એ છે કે, સરકાર પ્રધાનના મુદ્દે અડગ રહેશે કે નહીં. એક તર્ક એવો છે કે, ધર્મેન્દ્ર પ્રધાનને પડતા મૂકવાને બદલે મંત્રાલય બદલી નાખવામાં આવે. શનિવારના નિર્ણય પછી લડતનું ભાવિ સ્પષ્ટ થશે.