• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

અંતરિક્ષમાં ભારતની અનોખી આંખ

અંતરિક્ષમાં ઉપગ્રહોના પ્રક્ષેપણની ક્ષમતાથી આખી દુનિયામાં પોતાનો દબદબો ઊભો કરનાર ભારતે હવે સફળતાના વ્યાપને વધારવા માટે કમર કસી છે. ભારતીય અંતરિક્ષ સંસોધન કેન્દ્ર (ઈસરો)ને મળેલી નવી સિદ્ધિ બતાવે છે કે, આપણે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોવાના, સમજવાના અને તેના આધારે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાને વધુ ને વધુ મજબૂત કરી છે. સંદર્ભમાં પૃથ્વી પર બારીકાઈથી અવલોકન કરવાની ક્ષમતા ધરાવતા ઈઓએસ-05 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ એક ચાવીરૂપ સિમાચિહ્ન સમાન છે. મહત્ત્વના ઈઓએસ-05 ઉપગ્રહની ક્ષમતાની સાથોસાથ તેની ભ્રમણકક્ષા પણ ભારે મહત્ત્વ ધરાવે છે. ઈસરોએ ધરતીથી લગભગ 36 હજાર કિલોમીટરની ઊંચાઈ પરની એવી ભ્ર્રમણકક્ષા પર ઉપગ્રહને તહેનાત કર્યો છે જેનાથી ભારતને એક અલગ પ્રકારની અવલોકન અને દૃષ્ટિની નવી તાકાત મળશે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ઉપગ્રહોની ઉપયોગિતા ખાસ હોય છે. નવા ઉપગ્રહના મિશનમાં કૃષિ, હવામાન, આપદા વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય સ્તરની બાબતોને આવરી લઈ શકાશે. ઈઓએસ-05 ઉપગ્રહ રિયલ ટાઈમથી સાવ નજીક તસવીરો પૂરી પાડી શકશે. ખાસ તો હાલના સમયમાં જ્યારે કુદરતી આફતો અચાનક આવી જતી હોય છે. પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, જંગલની આગ કે વાવાઝોડાં જેવી કુદરતી આફતો અચાનક આવી પડે છે અને મોટા વિસ્તારોને અસર કરે છે. ઉપરાંત જે રીતે 2367 કિલો વજનના ભારે ઉપગ્રહને તેની નિયત ભ્રમણકક્ષા સુધી પહોંચાડીને ઈસરોએ પોતાની તાકાતનો પરચો દુનિયાને કરાવી આપ્યો છે. ઉપગ્રહ જાસૂસી માટે હોવાની દુનિયાના દેશોમાં ઊભી થયેલી છાપને ભારતે તેના નાગરિક ઉપયોગો જાહેર કરીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

જોકે, આધુનિક ઉપગ્રહની સફળતાએ ધરતી પરની ભારતીય માળખાની જવાબદારીમાં પણ વધારો કર્યો છે. ઉપગ્રહમાંથી સચોટ તસવીરો અને માહિતી તો આપણને મળશે, પણ તેના પૃથક્કરણ  માટે સંબંધિત વિભાગો પાસે પૂરતી ક્ષમતા વિકસિત કરવાની અને તેમની વચ્ચે સંકલનની વ્યવસ્થા ઊભી કરવાની હવે તાતી જરૂરત રહેશે. ઈઓએસ -05 ઉપગ્રહના નવ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેના વ્યાપક ઉપયોગોથી તેની સાર્થકતા સાબિત કરશે. ખરેખર તો અંતરિક્ષની અનોખી આંખ કરોડો ભારતીયોના જીવનને વધુ સલામત અને સારું બનાવવામાં મદદરૂપ થાય એવી અપેક્ષા રખાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક