• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

એઆઇની વિકસતી ક્ષમતાની ચિંતા

એકાદ દાયકાની અંદર આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ આખી માનવજાતને ખતમ કરી શકે છે, એવી આગાહી ટેક કંપની એન્થ્રોપિકના સંશોધક જેકબ કોક્સોને કરી છે, જે ચિંતા વધારવા સાથે ચિંતન કરવા પ્રેરે એવી છે. એઆઇ માણસની નોકરીઓ ખાઈ જશે તથા અનેક મહત્ત્વનાં કાર્યો કરતું થઈ જશે એવો ભય શરૂઆતથી હતો. પણ, કોક્સોનની ચેતવણીનો સંબંધ એઆઇ ટેક્નૉલૉજી વિકસાવી રહેલી કંપનીઓ જે બિન-જવાબદારપણે વર્તી રહી છે, તેની સાથે છે. ગૂગલ અને મેટા જેવા ટેક જાયન્ટ્સ અત્યારે જે રીતે વિશ્વ પર જાપ્તો અને વર્ચસ્ ધરાવે છે જોતાં કોક્સોનની ચેતવણીને અતિશયોક્તિ કે તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણવાની ભૂલ કરવા જેવી નથી. વળી, ફરિયાદનો સૂર એકલ-દોકલ નથી અને કોક્સને નોકરી છોડવા માટે આપેલું કારણ માર્કાટિંગ ગતકડું પણ નથી.

એઆઇ મૂળમાં જોખમી અને ચિંતાજનક છે, કેમ કે તે માણસની જેમ વિચારવાની તથા નિર્ણય લેવાની ક્ષમતામાં માનવની લગોલગ છે. કોક્સનના દાવા મુજબ, બજારનાં પરિબળોના દબાણ હેઠળ કંપનીઓ જે ઝડપે આગળ વધી રહી છે, તેનાથી સંશોધનમાં તથા અન્ય મોરચે પણ સલામતી જોખમાવાની શક્યતા વધી જાય છે. હાલમાં સામે આવ્યું છે કે, કેટલાક એઆઇ ઍજન્ટ્સે તેમના માટે નક્કી કરેલા દાયરાની બહાર જઈ કામ કર્યું છે અને સિસ્ટમમાં ગેરકાયદે પ્રવેશ (હાકિંગ) પણ કર્યો છે. બાબત ચિંતાજનક છે, કેમ કે કોઈ એઆઇ મૉડેલ તેને સોંપાયેલું કામ પૂરું કરવા માટે આવો માર્ગ લેશે, એવી ગણતરી કે ગોઠવણ તેને વિકસાવનારાઓએ પણ રાખી નથી

આગળ જતાં જોખમ ઓર વધશે, કેમ કે એઆઇનાં જેટલાં શક્તિશાળી મૉડેલ બની રહ્યાં છે, તેમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ જટિલ અને ઓછી પારદર્શક બનતી જશે. સાવ એવું પણ નથી કે, ભયસ્થાનો તદ્દન નવાં કે અજાણ્યાં છે. 2023થી અત્યાર સુધીમાં એલોન મસ્ક અને ઍપલના સહ-સંસ્થાપક સ્ટીવ વોઝનિયાક જેવા માંધાતાઓએ એઆઇ ટેક્નૉલૉજીના વધુ વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોક્સોને અૉપન એઆઇ અને એન્થ્રોપિક એમ બન્ને જગ્યાએ કામ કર્યું છે અને તેનું કહેવું છે કે, બન્ને કંપનીઓ વચ્ચે હોડ લાગી છે અને બન્નેને પહેલા આવવું છે, આના પગલે કેટલાંક જોખમોની અવગણના થઈ રહી છે. અૉપન એઆઇના મુખ્ય વિજ્ઞાની જાકુબ પચોસ્કીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, એઆઇ જે ગતિએ આગળ વધી રહી છે, તેના માટે માનવ કદાચ તૈયાર નથી. વળી, જે રીતે ખાનગી હાથોમાં ટેક્નૉલૉજીનો વિકાસ છે, જોતાં સરકારોએ વહેલી તકે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. બેફામ દોડ અને બેલગામ હોડને બદલે સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો વિચાર થાય આવશ્યક છે. એક સૂચન એવું પણ છે કે, એઆઇ મૉડેલોના વિકાસ પર હંગામી ધોરણે પ્રતિબંધ મુકાવા જોઈએ. અન્ય નિષ્ણાતોનું માનવું છે કે, આગામી એક દાયકામાં એઆઇ માનવને મારી નાખશે એવી શક્યતા માત્ર દસ ટકા છે. જોખમ જો એક ટકો પણ હોય તો બહુ મોડું થઈ જાય પહેલાં પગલાં લેવાવા જોઈએ