• શનિવાર, 25 માર્ચ, 2023

પ્રજાસત્તાક : રાષ્ટ્રીય એકતાના દર્શન  

ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણ નિર્માતાઓને યાદ કર્યા. ભારત હંમેશાં ડૉ. બી આર આંબેડકર અને અન્ય બંધારણ નિર્માતાઓનો આભારી રહેશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણે આપણા દેશની એકતા ટકાવી રાખી છે અને લોકશાહીનાં મૂળ મજબૂત બનાવ્યાં છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું `મહિલા સશક્તીકરણ અને લૈંગિક સમાનતા હવે ફક્ત સૂત્ર નથી, કારણ કે આપણે આ આદર્શોની દિશામાં ખૂબ પ્રગતિ કરી છે. મારા મનમાં કોઈ સંદેહ નથી કે આ મહિલાઓ જ આવતીકાલના ભારતને સમૃદ્ધિ આપવા માટે સૌથી અધિક યોગદાન આપશે.' દ્રૌપદી મુર્મૂ પ્રતિભા પાટીલ પછી બીજાં મહિલા રાષ્ટ્રપતિ છે, તેમનો આત્મવિશ્વાસ પ્રબળ છે.

દેશમાં હાલ છથી આઠ ટકા આદિવાસી કે અનુસૂચિત જનજાતિઓના નેતાઓમાં આદિવાસી મહિલાઓની સંખ્યા નહિવત્ છે. આજે દેશમાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ જો પ્રજાસત્તાક દિવસની શોભા વધારી રહ્યાં છે તો આ ભારતીય લોકતંત્રની મોટી સફળતા છે. પ્રજાસત્તાકના સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફત્તેહ-અલ-સીસી પણ હતા. એક અલગ જ  ભારતને દુનિયાએ જોયું અને આનાથી ફરી પ્રમાણિત થયું છે કે ભારત વિવિધતાઓનું સન્માન કરનારો દેશ છે. 

આપણે જોયું છે કે આઈપીએલ ક્રિકેટમાં મહિલાઓની ટીમોની રેકોર્ડ બોલી લાગી છે. મહિલા ક્રિકેટનો કાયાકલ્પ થવાનો છે. આનાથી ભારે સંખ્યામાં મહિલા ખેલાડીઓને આગળ આવવાની અને સ્થાપિત થવાની તક મળશે. રાષ્ટ્રપતિ મુર્મૂને જોતાં સ્પષ્ટ લાગે છે કે આપણા લોકતંત્રમાં મહિલાઓ માટે મોટું સ્થાન તૈયાર થઈ રહ્યું છે. મહિલા રાષ્ટ્રપતિ ઉપરાંત કર્તવ્યપથ ઉપરની કવાયત-પરેડમાં પણ મહિલા શક્તિનાં દર્શન થયાં.

પરેડમાં દર્શાવાયેલાં તમામ શત્રો `સ્વદેશી' હોવાથી આત્મનિર્ભર ભારતની શક્તિ ઉપર ગૌરવ થાય છે. પ્રજાસત્તાક દિનની પરેડમાં શત્રશક્તિનાં `પ્રદર્શન' સામે ટીકા કરનારા લોકોએ જાણવું જોઈએ કે આ `પ્રદર્શન' આક્રમણ માટે નહીં સંરક્ષણ માટે છે અને દરેક ભારતીયને ભારતની શક્તિ માટે ગૌરવ હોવું જરૂરી છે. પરેડમાં રથચિત્રો-રાજ્યોની `ઝાંખી'માં મંદિર દર્શાવાયાં - તે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આમાં હિન્દુત્વનો પ્રચાર માનનારા ભારતીય સંસ્કૃતિનું અપમાન કરે છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી પ્રજાસત્તાકની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. આ બદલ રાષ્ટ્રીય એકતાના કેન્દ્ર રાષ્ટ્રધ્વજને સલામ - વંદન...

મહિલા શક્તિનો કમાલ આ ગણતંત્ર દિવસની એક વિશેષતા રહી છે. આ વેળાની પરેડમાં સીમા સુરક્ષા દળના ઊંટમાં પહેલીવાર મહિલા સવારોએ ભાગ લીધો. સહાયક કમાન્ડેન્ટ પૂનમ ગુપ્તાના નેતૃત્વમાં સીઆરપીએફની મહિલા ટુકડીએ પરેડ કરી. આ શક્તિને દુનિયામાં પ્રથમ મહિલા સશત્ર પોલીસ બટાલિયન બનાવવાનું ગૌરવ પ્રાપ્ત છે. ખાસ વાત એ છે કે કેરળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ત્રિપુરાનાં રથચિત્રોનાં વિષયમાં પણ નારીશક્તિને પ્રાધાન્ય હતું.