• શનિવાર, 13 એપ્રિલ, 2024

દિવ્યાંગો માટે સુલભતાના ઉદેશ્યથી પાલિકા એનજીઓની મદદથી ફૂટપાથનું અૉડિટ કરશે  

મુંબઈ, તા. 29 : પાલિકા ટૂંક સમયમાં દિવ્યાંગોને ધ્યાનમાં રાખી ફૂટપાથનું અૉડિટ હાથ ધરશે. કવાયતમાં બિનસરકારી સંસ્થાઓની મદદથી લેવાશે જે સુગમ્ય ભારત અભિયાન દ્વારા જારી કરાયેલા શારીરિક રીતે દિવ્યાંગ નાગરિકો માટેની માર્ગદર્શિકાના આધારે હાલના અને નવા ફૂટપાથના સલામતીનાં પાસાઓ પર અહેવાલ તૈયાર કરશે.

પાલિકાનો ધ્યેય કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને પાલિકાની રાહદારી-પ્રથમ નીતિ અનુસાર ફૂટપાથને દિવ્યાંગ-ફ્રેન્ડલી બનાવવાનો છે. વ્હીલચેર પર બેઠેલી વ્યક્તિ અથવા દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો કોઈપણ અવરોધ વિના ફૂટપાથ પરથી પસાર થઈ શકે સુનિશ્ચિત કરવાનો છે. એનજીઓની ભૂમિકા ફૂટપાથની સમસ્યાઓ અને દિવ્યાંગ નાગરિકો માટે તે સુલભ છે કે કેમ તે ઓળખી યોગ્ય પગલાં સૂચવવાની છે. ત્યારબાદ ફૂટપાથ સુધારણા પગલાં હાથ ધરાશે એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું. 

ઉપરાંત, પાલિકાએ ત્રણ વર્ષના સમયગાળા માટે ફૂટપાથનું અૉડિટ કરવા માટે એનજીઓના એમ્પેનલમેન્ટ માટેની દરખાસ્ત માગી છે. એનજીઓએ પાલિકાના અધિકાર ક્ષેત્રમાં તમામ ફૂટપાથનું વિગતવાર અૉડિટ કરી સૂચનો મોકલશે. અૉડિટમાં ફૂટપાથની સુરક્ષાના મુદ્દાઓ પણ પ્રકાશિત કરવા પડશે. ટૂંકા અને લાંબા ગાળાનાં પગલાં સૂચવવાની સાથે ફૂટપાથ બનાવતી વખતે સુગમ્ય ભારત અભિયાનની માર્ગદર્શિકાનું પાલન કરવાની ખાતરી આપવી પડશે. એનજીઓ દ્વારા પ્રારંભિક સર્વેક્ષણમાં દિવ્યાંગ લોકો માટે જોખમમાં ફાળો આપતા મુદ્દાઓને ઓળખવાની અપેક્ષા રાખવામાં આવે છે. ફૂટપાથ સલામત નિષ્ણાતો અને એન્જિનિયરો દ્વારા પણ અૉડિટ કરાશે. 

બૉમ્બે હાઇ કોર્ટે ગયા મહિને પાલિકાને ફૂટપાથ નીતિને કાળજીપૂર્વક અનુસરવા અને અલગ અલગ દિવ્યાંગો તેમ વૃદ્ધોને ફૂટપાથ પર સાર્વત્રિક પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતાં પગલાં વિશે વિસ્તૃત માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. વર્ષ 2014માં પ્રણવ નાઇક અને અન્ય આર્કિટેક્ટ્સે દિવ્યાંગ-ફ્રેન્ડલી ફૂટપાથ માટેની ડિઝાઇન અૉફર કરી હતી, પરંતુ પાલિકાએ એને સ્વીકારી નહોતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ