અમેરિકાની પ્રતિષ્ઠા દાવ ઉપર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે
ઈરાન ઉપર આક્રમણ કરીને તેનાં અણુસંશોધન મથકો ઉડાવી દેવાનો આદેશ બે સપ્તાહ માટે મુલતવી
રાખ્યો હતો, પરંતુ બે દિવસમાં જ હુમલો કરીને ઇરાનનાં અણુસંશોધન મથકો નષ્ટ કર્યા છે.
ટ્રમ્પને આશા હતી કે પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર ઈરાન ઉપર દબાણ લાવીને અમેરિકા સાથે
સમાધાન કરવા સમજાવી શકશે. જોકે, ઈરાન દબાણને વશ થવા તૈયાર નથી. રશિયા-ચીન કે અમેરિકા
કોઈ પણ સાથે વાટાઘાટ થાય તેમાં અણુમથકોની ચર્ચા થશે નહીં એમ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકાની
ગણતરી અને વ્યૂહ અણુમથકો ખતમ કરવાં અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખોમૈનીને પદભ્રષ્ટ
- અથવા તો ખતમ કરવાનો છે - જે આસાન નથી. ઈરાન હવે કેટલી ઝીંક ઝીલે છે તેના ઉપર ઘણો
આધાર છે. હવે અમેરિકાની પ્રતિષ્ઠા - જગત જમાદારની - પણ દાવ ઉપર છે! ટ્રમ્પને યુદ્ધવિરામ
કરાવવાનો શોખ છે તો સફળ થશે?
ટ્રમ્પે ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં ઝંપલાવ્યા
પછી અમેરિકા એમાંથી કેમ અને કેવી હાલતમાં બહાર આવશે? ઇઝરાયલ ધારે ત્યારે ઇરાન ઉપરના
હુમલા રોકી શકે, પરંતુ અમેરિકાની મજબૂરી એ છે કે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ અને શાસકોને
ખતમ કર્યા વગર યુદ્ધ ખતમ નહીં કરી શકે. આ સમસ્યાનો કાયમી અંત આવશે કે ઇરાનની પરમાણુ
હથિયારની લાલસા વધુ ભડકશે? ઇરાનના પરમાણુ કાર્યક્રમના મૂળમાં ઘા કરવાનું અને નેતૃત્વ
બદલાવનું અમેરિકા માટે આસાન નથી. વિશેષજ્ઞો અને વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ઇરાને
પોતાના પરમાણુ સંશોધનો પહાડોની નીચે છુપાવ્યા છે અને હવે ત્યાં સુધી અમેરિકાના બૉમ્બ
(બંકર બ્લાસ્ટર) અને આધુનિક અસ્ત્ર-શસ્ત્ર પહોંચી ગયાં છે અને નુકસાન પણ કર્યું છે.
અમેરિકા ઇઝરાયલની પૂરેપૂરી મદદ તો કરે
જ છે. છેલ્લા ત્રણ દાયકાથી ઇઝરાયલ ગાઝા ઉપર બૉમ્બ વર્ષા કરી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે
લેબનોન અને સીરિયાને પણ શસ્ત્રોથી ઠમઠોરી રહ્યું છે. આટલાં શસ્ત્રો ઇઝરાયલ પાસે ક્યાંથી
આવે છે?
ઇરાનના હાઇપરસોનિક મિસાઇલોના હુમલાથી વધુ
નુકસાન ઇઝરાયલને થાય છે. ઇઝરાયલ એક નાનો દેશ છે અને મોટા ભાગની વસતી પાંચ શહેરોમાં
વસે છે. સામે ઇરાન વિશાળ દેશ છે અને વસતી ફેલાયેલી છે, ઉપરાંત મોટા ભાગનો પ્રદેશ પર્વતોથી
આચ્છાદિત છે. ઇઝરાયલ ઇરાનનાં તમામ શહેરો સુધી હુમલા કરી શકે એમ નથી.
જો ઇરાન હુમલા તેજ કરે અને ઇઝરાયલ બરબાદ
થાય તો અમેરિકાની નામોશી વધુ થાય એને અટકાવવા અમેરિકાએ આ ઍક્શન લીધી છે. હુમલા બાદ
મધ્ય-પૂર્વમાં અમેરિકા માટે જોખમ વધશે. જોકે, ઇઝરાયલની બરબાદી દુનિયા સામે આવે તો અમેરિકા
ઇઝરાયલને ન બચાવી શક્યું એવું સાબિત થાય એટલે ઇઝરાયલને બચાવવા અમેરિકાએ જંગમાં ઝંપલાવ્યું
છે, પરંતુ એની દૂરગામી અસર ખાડી દેશોમાં તહેનાત અમેરિકાના સૈનિકોની સુરક્ષા પર પડશે.
જો યુદ્ધ લાંબું ચાલે અને અનિર્ણીત રહે તો ગલ્ફમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર મોટું
જોખમ છે.
ચીન અને રશિયાની બાજ નજર પણ આ યુદ્ધ પર
છે અને એમાંથી કોઇ આ યુદ્ધ રોકાવે એ પણ અમેરિકાને મંજૂર નથી, કેમ કે એનાથી તો અમેરિકાની
રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઇ જાય.