બેસ્ટની બસસેવાના માત્ર નામમાં જ હવે બેસ્ટ રહી ગયું છે. એક તો છેલ્લાં ચૌદ વર્ષમાં બેસ્ટના બસ કાફલામાં બે હજાર બસોનો ઘટાડો થયો છે, સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થતાં સાઠ ટકા જેટલો ઘસારો લાગ્યો છે. બસોની સંખ્યામાં ઘટાડાને કારણે કથળેલી સેવાએ ઉતારુઓને પરિવહનના અન્ય વિકલ્પો તરફ વાળ્યા છે. તાજેતરમાં મેટ્રો લાઈન 3 પૂર્ણપણે કાર્યરત થઈ એ પછી અહેવાલ હતા કે, બેસ્ટના પ્રવાસીઓમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે. ટૂંકમાં, બેસ્ટની બસસેવા માટે બે છેડેથી બળતી મીણબત્તી જેવો ઘાટ છે. પડતા પર પાટુ જેવી વાત એ પણ છે કે, માર્ગ પર દોડવાની આવરદા પૂરી કરી ચૂકેલી આશરે દોઢસો જેટલી બસોને તબક્કાવાર દૂર કરવામાં આવનાર છે, નવી બસો આવતી નથી અને કાફલાનું કદ દિવસે દિવસે ઘટતું જાય છે. નિષ્ણાતોનો મત છે કે, બેસ્ટે ઈ-બસનો સમાવેશ કાફલામાં કરવાને બદલે અત્યારે એક હજાર જેટલી સીએનજી સંચાલિત બસો અપનાવવી જોઈએ.
બેસ્ટની સમસ્યાઓનો છેડો દેખાતો નથી. સતત નુકસાનમાં ચાલતા
આ એકમને સધ્ધર કરવા બસભાડાં વધારવાનો વિકલ્પ અપનાવવામાં આવ્યો, પણ તેની અવળી અસર થઈ
છે. કેમ કે, લઘુતમ ભાડું પાંચ અને છ રૂપિયાથી વધારી સીધું દસ અને બાર રૂપિયા કરાયું,
જેના પગલે અનેક ઉતારુઓ શૅર રિક્ષા અને શૅર ટૅક્સી તરફ વળી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં
આ થયું હોવાનું નિરીક્ષણ આમચી મુંબઈ આમચી બેસ્ટ નામના નાગરિક જૂથે કર્યું છે. શૅર રિક્ષા-ટૅક્સી
તરફ પ્રવાસીઓ વળ્યા એનું વધુ એક કારણ એ પણ છે કે, ઘણીવાર બસસ્ટૉપ પર ત્રીસથી ચાળીસ
મિનિટ રાહ જોયા પછી પણ બસ આવતી નથી અને બસનાં નવાં ભાડાં જેટલી રકમમાં જ શૅરનો વિકલ્પ
મળી રહે છે. પ્રવાસીઓ દ્વારા વધુ બસોની માગ થઈ રહી છે, પણ બસોની સંખ્યા ઓછી હોવાથી
અનેક રૂટ પર અસર થઈ છે. આમ છતાં ઓછું ભાડું હોવાથી અનેક પ્રવાસીઓ બેસ્ટને પ્રાથમિકતા
આપતા. જોકે, હવે એ લાભ રહ્યો નથી અને સમયનો વેડફાટ જોતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ફર્સ્ટ
ચૉઈસ રહી નથી.
2011માં બેસ્ટના કાફલામાં 4700 બસો હતી, જે ઘટતાં ઘટતાં
2014માં 4288 અને 2019માં 3200 સુધી પહોંચી અને અત્યારે 2703 પર છે. સંખ્યાની દૃષ્ટિએ
છેલ્લાં 14 વર્ષમાં બેસ્ટના કાફલામાં બે હજાર બસોનો ઘટાડો થયો છે. 2011માં 42 લાખ લોકો
આ બસોનો ઉપયોગ કરતા, જે આંકડો ઘટતાં ઘટતાં હવે 24 લાખ લોકો પર પહોંચ્યો છે. ધોરણ એવું
છે કે, મોટા શહેરમાં દર પચાસ હજાર લોકોએ એક બસ હોવી જોઈએ, આ ગણતરી અનુસાર મુંબઈમાં
સાત હજાર બસો હોવી જરૂરી છે. દેખીતી રીતે જ અત્યારનો આંકડો અપૂરતો છે. વળી, અત્યારે
બેસ્ટની પોતાની માલિકીની બસો માત્ર 378 છે અને બાકીની ભાડાં પર લેવાયેલી છે. બેસ્ટ
ઉપક્રમ માટે અત્યારે સમસ્યાનું મારણ જ તકલીફ વધારાનું કારણ બની રહ્યું છે.