ગુજરાતમાં કૉંગ્રેસે ખેડૂત આક્રોશયાત્રા શરૂ કરી છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતને-ખેતીને પારાવાર નુકસાન થયું છે. સરકાર રાહત-પૅકેજ જાહેર કરવાની પેરવીમાં છે. સર્વે થઈ ચૂક્યા છે તે વેળા કૉંગ્રેસે આ યાત્રા થકી ખેડૂતની સમસ્યાને વાચા આપવાનો મનોરથ ઘડયો છે. ગિર-સોમનાથ જિલ્લાથી ગુરુવારે તેનો આરંભ થયો. 11 જિલ્લામાં યાત્રા ફરવાની છે અને તેનું સમાપન દ્વારકામાં થશે. ગુજરાતનાં-ભારતનાં બે મહત્ત્વનાં તીર્થો કૉંગ્રેસ પક્ષે પસંદ કર્યાં છે. અગ્રણીઓ તેમાં જોડાશે. વિપક્ષ તરીકને આ જાગૃતિ જરૂરી હતી અને છે. આ યાત્રાની સાથે જ કૉંગ્રેસ વિશે ચર્ચાતા અન્ય પ્રશ્નો પણ અહીં છે. આપણી ભાષાની એક ઉક્તિ છે, સંઘ દ્વારકા પહોંચે તો સારું. કૉંગ્રેસનો આ સંઘ ખેડૂતો માટે નીકળ્યો છે તે `દ્વારકા' પહોંચશે? તેવો સવાલ થવો સહજ છે.
રાજ્યમાં અગાઉ
બનેલા બનાવ વખતે પણ કૉંગ્રેસ મેદાનમાં આવી હતી, પછી ઘટનાની સાથે આંદોલન પણ વિસરાઈ ગયું. સામાન્ય રીતે આફતને અવસરમાં બદલાવવાની તાસીર તો
ભાજપની છે. આ વખતે કૉંગ્રેસે પણ ખેડૂતોનો મુદ્દો જાણ્યો અને ઝાલ્યો છે. રાજ્યમાં ચોમાસા
પછી પણ વરસેલા વરસાદને લીધે ખેડૂત મુશ્કેલીમાં તો છે તેમાં કોઈ બીજો અભિપ્રાય નથી.
ગામેગામ ખેડૂત રાહત-પૅકેજની માગણી કરી રહ્યા છે. આવેદનો અપાઈ રહ્યાં છે. જલદી સર્વે
થાય તેવી માગણી ઊઠી રહી છે.
જોકે ખેડૂત પરેશાન
છે, તેનો સ્વીકાર સરકારે પણ કર્યો છે. બુધવારે સાંજે જ રાજ્યના કૃષિપ્રધાને પોષણક્ષમ
ભાવથી પાકની ખરીદી કરવાની જાહેરાત કરી દીધી છે. એકાદ દિવસમાં રાહત-પૅકેજ પણ જાહેર થશે.
ગુજરાતમાં આ વખતે વરસાદથી થયેલું નુકસાન મોટું છે. 16,000 ગામમાં, 42 લાખ હેક્ટર જમીનમાં
થયેલા વાવેતરને નુકસાન થયું છે. સરકારે મોટી રકમની ફાળવણી કરવી પડશે. ખેડૂતોમાં હતાશા
છે તે રોષમાં પરિવર્તિત ન થાય તે રીતે સરકારે નિર્ણય કરવાનો છે. દરમિયાન કૉંગ્રેસ વિવિધ
માગણીની યાદી આપી રહી છે. સાંસદ શક્તિસિંહ ગોહિલ કહે છે, જેટલું વાવેતર છે તેટલું વળતર
સરકાર આપે.
ખેડૂતનાં દેવાં માફ કરવાની પણ માગણી થઈ છે. જોકે ખેડૂતોનું દુ:ખ રાજકીય દાવા કે કાવાદાવાથી પર હોવું જોઈએ. કૉંગ્રેસે યાત્રા શરૂ કરી છે. સંચાર છે, પરંતુ જે જૂની વાતો છે. કૉંગ્રેસે પોતાનું આંતર-બાહ્ય માળખું સુધારવાનું હજી બાકી છે. જૂથવાદ, કાર્યકર્તાઓનો અભાવ, સૌથી વધારે તો પ્રજાના મનમાં સ્થાન અને લોકોનો વિશ્વાસ આ બધું પુન: સ્થાપિત થશે, શીર્ષ નેતૃત્વથી લઈને સ્થાનિક નેતા-કાર્યકર્તાઓએ લોકોમાં જવાનું મોટું કામ કરવાનું છે. ભાજપની એક વિરાટ તાકાત સામે લડવાનું છે. આ યાત્રા કે આવા કાર્યક્રમો તે કરે, બરાબર છે, પરંતુ જનમત અને જનમન બન્ને જીતે તો આ સંઘ દ્વારકા પહોંચ્યો કહેવાશે.