મહારાષ્ટ્રના ભૂખંડના શ્રીખંડ કૌભાંડમાં એક જ દિવસમાં જોરદાર ટર્ન આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થની કંપની એમેડિયા એન્ટરપ્રાઈઝેસ એલએલપીને પુણેમાં સરકારી માલિકીની 40 એકર જમીન રૂા. 300 કરોડમાં વેચવાના સોદા મુદ્દે થયેલા ગેરવ્યવહાર બાબતે અજિત પવારે બીજા દિવસે કહ્યું છે કે, આ સોદો રદ કરાયો છે અને માત્ર વેચાણ કરાર બનાવાયો હતો, અંતિમ વ્યવહાર થયો નહોતો અને એક પણ પૈસાની લેવડદેવડ થઈ નથી. વળી, આ મામલામાં બે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાંથી એકમાં પણ પાર્થનું નામ નથી, પણ તેના પાર્ટનર અને પિતરાઈ દિગ્વિજય પાટીલનું નામ છે. વિરોધી પક્ષોએ હુમલો બોલાવતાં કહ્યું છે કે, દિગ્વિજય પાટીલ પાસે કંપનીનો એક ટકા શૅર છે, છતાં તેનું નામ એફઆઈઆરમાં છે, પણ 99 ટકા શૅર ધરાવતા પાર્થનું નામ નથી. જમીન ખરીદીનો વહેવાર રદ કરવાથી રૂા. 1800 કરોડના મૂલ્યનો પ્લૉટ સાવ રૂા. 300 કરોડમાં મેળવવાનો તથા સ્ટેમ્પ ડયૂટીમાં સરકારને નુકસાન થાય એવું પગલું અને એનાથી પણ ઉપર સરકારી જમીનનો સોદો કરવાની દિશામાં લેવાયેલાં પગલાં અને તેની પાછળનો આશય ગુનાહિત કેવી રીતે ન હોઈ શકે? એવો પ્રશ્ન ઊભો થાય છે. તહેસીલદારથી લઈ ને રજિસ્ટ્રાર જેવા અધિકારીઓને આ મામલામાં સસ્પેન્ડ કરાયા છે, મોટાં માથાંને બચાવવા માટે કાર્યવાહીનો દેખાડો થઈ રહ્યો હોવાની ચર્ચાએ પણ વેગ પકડયું છે. મહેસૂલ ખાતા દ્વારા સઘન ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને તેનો વિસ્તૃત અહેવાલ એકાદ મહિનામાં આવવાની ખાતરી મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપી છે. જોકે, પાર્થનું નામ એફઆઈઆરમાં કેમ નથી, એ પ્રશ્નના જવાબમાં બાવનકુળેએ કહ્યું છે કે, જેમણે આ કરાર પર સહી કરી છે, એમના જ નામ એફઆઈઆરમાં છે.
હજી એક દિવસ પહેલાં
અજિત પવારે પુત્ર પાર્થની કંપનીના જમીન સોદા અંગે કહ્યું હતું કે, આવું કંઈક ચાલી રહ્યું
છે એવી વાત ત્રણ-ચાર મહિના પહેલાં મારા કાને આવી હતી, ત્યારે મેં કહી દીધું હતું કે
આવું બધું મને નહીં ચાલે, પણ છોકરા મોટા થઈ જાય એ પછી બિઝનેસના નિર્ણયો જાતે લેતા હોય
છે. જોકે, શુક્રવારે પવારે કહ્યું કે, 40 એકરની આ જમીન સરકારી કબજામાં હતી અને આ જમીન
ખરીદવા માટેનો માત્ર કરાર થયો છે. પાર્થ, એમેડિયા કે મારા પરિવારના કોઈ સભ્યએ વેચનારને
કોઈ રકમ આપી નથી અને ન તો જમીનનો તાબો લેવાયો છે. આ વહેવાર પૂર્ણ જ નથી થયો. પાર્થને
કદાચ ખબર જ નહોતી કે આ જમીન સરકારી માલિકીની છે. મુખ્ય પ્રધાન ફડણવીસે તપાસના આદેશ
આપ્યા છે. જોકે, આ આખા મામલામાં એકથી વધુ સ્તરે ઢીલ થઈ છે અથવા કરાઈ છે. સરકારી માલિકીની
જમીનના વેચાણના કરારની નોંધણી થઈ ગઈ ત્યાં સુધી મહેસૂલ ખાતાએ પગલું લીધું નહીં અને
ઉપરથી સ્ટેમ્પડયૂટીમાં રાહત પણ આપી. કાં તો અમલદારો સરકારથી મોટા થઈ ગયા છે અને કાં
તો સરકારમાં કોઈના ઈશારે આ બધું થયું છે.