• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આજે આખરી તબક્કો : મતદાન વધશે?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો આખરી - બીજો તબક્કો આજે છે ત્યારે સૌની નજર મતદાનની ટકાવારી ઉપર છે. પ્રથમ તબક્કામાં રેકૉર્ડ - 65 ટકા મતદાન થયા પછી વડા પ્રધાન મોદીએ જાહેર સભામાં કહ્યું કે વિપક્ષોના મહાગઠબંધનને 65 વૉલ્ટનો ઝટકો લાગ્યો છે! હવે - આજે મતદાન 65 ટકાથી વધુ થાય છે કે નહીં તે જોવાનું છે - મતગણતરી 14મીએ થશે અને પછી પરિણામ જાહેર થશે.

પ્રથમ તબક્કાના મતદાન પછી થયેલા સર્વેક્ષણમાં એનડીએને બહુમતી ભણી હોવાનું જણાયું છે, પણ બંને મોરચા બહુમતીના દાવા કરે છે. જોકે, આવા દાવા ગમે તેટલા થાય તેનો અર્થ નથી. પરિણામ સુધી રાહ જોવી પડશે.

આ ચૂંટણીમાં મહિલાઓનું મહત્ત્વ તમામ પક્ષોએ સ્વીકાર્યું છે અને પ્રચાર સભાઓમાં મહિલાઓને વંદન કરવા ઉપરાંત નાણાકીય રાહત - જાહેર કરી છે. મુખ્ય પ્રધાન નીતિશકુમારે મહિલા સશક્તીકરણનાં લેવાયેલાં પગલાં ગણાવ્યાં છે. રોકડ સહાય આપવામાં આવી છે ત્યારે વિપક્ષી મોરચાના નેતા તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે એમની સરકાર આવતાં જ `માઈ-બહિન યોજના' હેઠળ મહિલાઓનાં ખાતાંમાં ત્રીસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે.

ચૂંટણી પંચના રેકૉર્ડ મુજબ - બીજા તબક્કામાં 1302 ઉમેદવારો 122 બેઠકો માટે મેદાનમાં છે. આ ઉમેદવારોમાં માત્ર 136 મહિલા છે. બંને મોરચા માટે બીજો તબક્કો મહત્ત્વનો છે. પાંચ વર્ષ અગાઉ આ ચૂંટણી ક્ષેત્રમાં એનડીએને 67 બેઠકો મળી હતી અને તેજસ્વી યાદવના મહાગઠબંધનને 50 બેઠકોમાં વિજય મળ્યો હતો. આ વખતે અસદુદ્દીન વધુ જોશમાં છે અને તેથી કૉંગ્રેસની વોટ બૅન્કમાં ગાબડાં પડયાં છે.

આજે થનારા મતદાનમાં આરજેડીના 70 ઉમેદવારો છે અને કૉંગ્રેસના-37, મહાગઠબંધનના ભાગીદાર પક્ષોમાં પણ સામસામે ઉમેદવારો ઊભા છે! એનડીએના મોરચામાં - ભાજપના 52, જેડીયુના 45, ચિરાગ પાસવાનના 16 ઉપરાંત અન્ય નાનાં-મોટાં પક્ષો-જૂથના ઉમેદવારો છે.

બિહારના મતદારોમાં મહિલાઓ નીતિશકુમાર અને મોદીના નામે વોટ આપે છે એવી ધારણા છે. યુવા વર્ગ સ્વીકારે છે કે નીતિશકુમારના શાસનમાં બિહારની સ્થિતિ સુધરી છે. નીતિશે સુશાસન બાબુ નામ સાર્થક કર્યું છે, પણ હવે જોવાનું છે કે `રેવડી બજાર'ના આધારે વોટ મળે છે? ચૂંટણીમાં `રેવડી'ની અસર કેટલી પડે છે તેનો અંદાજ પરિણામ જાહેર થાય ત્યારે મળશે.