વિશ્વમાં દર વર્ષે બાર લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. વર્ષ 2024માં ભારતમાં કુલ 4.73 લાખ રોડ ઍક્સિડન્ટના મામલા નોંધાયા હતા, જેમાં 1.7 લાખ લોકોના જીવ ગયા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો એક્પ્રેસવે તથા હાઈવેનું સારું નેટવર્ક હોવા છતાં માર્ગ અકસ્માતમાં થતાં મોતની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. મુંબઈ-નાગપુરને જોડતા સમૃદ્ધિ મહામાર્ગ પર જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે અકસ્માતમાં થયેલાં મૃત્યુમાં સોળ ટકાનો વધારો થયાનું નોંધાયું છે. જોકે, આ સાથે જ મુંબઈ-પુણે એક્પ્રેસવે પર આ સમયગાળા દરમિયાન રોડ ઍક્સિડન્ટમાં થયેલાં મૃત્યુમાં 29નો ઘટાડો થયો છે. આ અકસ્માતો અને મૃત્યુ માટે અનેક પરિબળો જવાબદાર છે.
હાઈવે પર થતાં
અકસ્માતોમાં ઝડપી વેગ એકમાત્ર કારણ હોતું નથી. મહારાષ્ટ્રના એક્પ્રેસવે અને સમૃદ્ધિ
મહામાર્ગ આ બે માર્ગો પર અકસ્માતની સંખ્યામાં વધારા-ઘટાડા વિશે નિષ્ણાતોનો અભિપ્રાય
છે કે, માત્ર સ્પીડ નહીં અન્ય ટેક્નિકલ બાબતો પણ એમાં જવાબદાર છે. સૌથી પહેલા તો મુંબઈ-પુણે
એક્પ્રેસવે પર ચાલકો વધુ પડતી ગતિએ વાહન ન ચલાવે એ માટે ગોઠવેલી ઈન્ટલિજન્ટ ટ્રાફિક
મૅનેજમેન્ટ સિસ્ટમ કારગર નીવડી છે. આ ઉપરાંત, સમૃદ્ધિ મહામાર્ગ કૉંક્રીટથી બનેલો હોવાથી
તેના પર ઝડપથી ચાલતાં વાહનોમાં ટાયર ફાટવાની ઘટનાઓ બને છે, જ્યારે એક્પ્રેસવે પર કૉંક્રીટની
સાથે અન્ય મટિરિયલ ઉમેરવામાં આવ્યું હોવાથી ટાયરને નુકસાન થતું નથી. વળી, આ એક્પ્રેસવેથી
વિપરીત સમૃદ્ધિ મહામાર્ગ પર ભારે વાહનો માટે રોકાવા માટે સુવિધા નથી, આથી લાંબા અંતરના
આ પ્રવાસમાં ડ્રાઈવરનું ધ્યાન ભટકવાને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. વળી, એક્પ્રેસવે
પર સલામતી માટે મૂકવામાં આવેલા ક્રૅશ બૅરિયર, ઘાટ ક્ષેત્રમાં રાખવામાં આવેલી તકેદારીઓ
અન્ય માર્ગો માટે પણ અમલમાં મૂકવા જેવી છે. જોકે, રસ્તાની લંબાઈ અને વાહનોની સંખ્યા
રાજ્યમાં જે રીતે વધી છે, એની સામે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટવું એ બાબત સકારાત્મક
ગણાય.
સમૃદ્ધિ મહામાર્ગ
પર ઔરંગાબાદના જામ્બરગામ ટૉલ પ્લાઝા, કડવાંચી ગામ તથા બુલઢાણા ખાતે અકસ્માતો સૌથી વધુ
થાય છે, અહીં તકેદારી વધારવાની જરૂર છે. તો, મહામાર્ગ પર ખાસ કરીને ઈગતપુરી પાસેની
ટનલ નજીક લોકો વાહનો ઊભાં રાખી સૅલ્ફીઓ ખેંચવા લાગી જાય છે, આના કારણે હાઈ-સ્પીડ ટ્રાફિક
વચ્ચે અકસ્માતો થવાનું જોખમ ખાસ્સું વધી જતું હોવાનું નોંધવામાં આવ્યું છે. માર્ગ અકસ્માતો
ટાળી શકાય છે અને તેના માટે રસ્તાના બાંધકામ દરમિયાન એન્જિનિયારિંગમાં, ત્યાર પછી તેની
જાળવણીમાં ધ્યાન રાખવાની જરૂર રહે છે. આમ છતાં અકસ્માત થાય ત્યારે તાકીદની ક્ષણોમાં
ઝડપથી મળતી મદદ લોકોના જીવ બચાવી શકે છે. આ ત્રણેય પર કામ થાય તો હાઈ સ્પીડ માર્ગો
પરના અકસ્માતોમાં જીવહાનિ ઓછી કરી શકાય છે.