કોઈ સરકાર માત્ર `રેવડી' વહેંચીને વિકાસ સાધી શકે નહીં. કલ્યાણ યોજનાઓ માટે ઘણી ફાળવણી કર્યા પછી હવે સરકારની આવકનો - તિજોરી ભરવાનો પડકાર છે. ઉદ્યોગો નથી. માત્ર રાજ્ય - બહાર ગયેલા બિહારીઓ અર્થતંત્રને ટેકો આપે છે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને અભૂતપૂર્વ
બહુમતી મળ્યા પછી `નીતિશકુમાર એમની રાજકીય કારકિર્દીમાં દસમી વખત મુખ્ય પ્રધાનપદના
શપથ લેશે તે લગભગ નક્કી અને સ્વાભાવિક છે છતાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાથી મુખ્ય
પ્રધાનપદ મળવું જોઈએ એવો ગણગણાટ શરૂ થયો છે. અલબત્ત, વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન
અમિત શાહે નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં વિજય-રૅલીમાં
પણ નરેન્દ્ર મોદીએ નીતિશકુમારના `સુશાસન'ના ભારોભાર વખાણ કરીને સ્પષ્ટ સંદેશ - આપ્યો
છે કે મુખ્ય પ્રધાનપદના અધિકારી નીતિશકુમાર જ છે.
તેજસ્વી યાદવે તો પોતે મુખ્ય પ્રધાન બનશે
એવો વિશ્વાસ વ્યક્ત કરીને શપથવિધિની તારીખ પણ જાહેર કરી દીધી હતી અને એનડીએ પાસે ઉમેદવાર
નથી એમ કહીને નીતિશકુમારને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભાજપે - સમય વર્તે સાવધાન
થઈને નીતિશના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડાશે એવી જાહેરાત કરી તે પછી પણ તેજસ્વીએ મહારાષ્ટ્ર
અને શિંદેના `અનુભવ'ની વાત કરીને નીતિશકુમારને ડગાવી દેવાના પ્રયાસ કર્યા, પલટૂરામ
કહીને ટોણા માર્યા પણ અસર થઈ નહીં.
હવે ભાજપ નીતિશકુમારને છેડવાની - છોડવાની
ભૂલ કરે જ નહીં. બસ્સો બેઠકો મળી છે તેમાં નીતિશ અને મોદીનું યોગદાન - ભાગીદારી છે
તેથી જ મોદીનીતિ(શ) સાબિત થાય છે. નીતિશનો વિકલ્પ નથી. ભાજપે હજુ સ્થાનિક નેતા તૈયાર
કરવાના છે અને રાજ્યમાં લોકપ્રિય - સ્વીકાર્ય નેતા ઘડવા પડશે. નાયબ મુખ્ય પ્રધાનપદ
માટે સમ્રાટ અને ચિરાગ પાસવાનની પસંદગી થાય એવી શક્યતા છે. અન્ય ભાગીદાર પક્ષોના નેતાઓને
પ્રધાનમંડળમાં સમાવાશે.
ભાજપ જાણે છે કે નીતિશકુમારનું સ્વાસ્થ્ય
ઠીક નથી. અત્યારે એમને નારાજ કરાય નહીં. આખરે ભાજપની પ્રતિષ્ઠા અને આપેલા વચનનો સવાલ
છે.
નીતિશકુમારે જનતાનો વિશ્વાસ અને સત્તા
મેળવ્યા પછી હવે કસોટી છે. કોઈ સરકાર માત્ર `રેવડી' વહેંચીને વિકાસ સાધી શકે નહીં.
કલ્યાણ યોજનાઓ માટે ઘણી ફાળવણી કર્યા પછી હવે સરકારની આવકનો - તિજોરી ભરવાનો પડકાર
છે. ઉદ્યોગો નથી. માત્ર રાજ્ય - બહાર ગયેલા બિહારીઓ અર્થતંત્રને ટેકો આપે છે. હવે દારૂબંધી
ઉઠાવી લેવી પડશે એવી ચર્ચા છે. 2015-16માં શરાબના વેચાણમાં રાજ્યને વાર્ષિક 3000 કરોડ
રૂપિયાની આવક હતી. હવે આ આવક શરૂ થાય તો પછી મહિલા કલ્યાણની યોજનાઓનું શું? મહિલાઓને
મળતી મદદ ગેરમાર્ગે નહીં જાય? કાયદો-વ્યવસ્થાનું શું? જંગલરાજ ફરીથી નહીં આવે? હવે
કેન્દ્ર સરકારે મદદ કરવી પડશે. ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે.
જેથી રોજગારીની સમસ્યા હલ થાય.
નીતિશકુમાર તો સરકાર ચલાવશે - પણ હવે તેજસ્વી
શું કરશે? એમણે મતદાર યાદી સુધારણા સામે દેશવ્યાપી જંગ છેડવાની ધમકી આપી છે. રાજકીય
ક્ષેત્રમાં ટકી રહેવા માટે આવું કરશે જ. લાલુ યાદવના જામીનની મુદત પૂરી થાય છે તેથી
આ મહિનાની આખરમાં `લોકશાહી બચાવો' શરૂ થશે.
મુખ્ય સમસ્યા રાહુલ ગાંધી માટે છે. ઇન્ડિ
મોરચાની નેતાગીરી મુશ્કેલીમાં છે. એમની નેતાગીરીમાં ભવિષ્ય નથી એમ ઘણા કૉંગ્રેસીઓ અને
અન્ય વિપક્ષી નેતાઓ કહેવા લાગ્યા છે. મોરચાની નેતાગીરી ઝડપી લેવા મમતા દીદી તલપાપડ
છે! મોદીએ વિજય રૅલીને સંબોધતાં કૉંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. મુસ્લિમ લીગ અને માઓવાદી
પાર્ટી બની ગઈ છે, કૉંગ્રેસનો એજન્ડા દેશના દુશ્મન નક્કી કરે છે - હવે વધુ એક ભંગાણ
પડશે. એમ પણ કહ્યું છે: મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની નેતાગીરીનું
અવમૂલ્યન થયું છે અને કૉંગ્રેસ સાથે ભાગીદારી - ચૂંટણી સમજૂતી કરવામાં ખોટનો સોદો છે
એમ બોલાય છે.
હવે ભંગાણ પડે અને સંસદીય પક્ષમાં પણ ભાગલા
થાય તો રાહુલ વિપક્ષના નેતાનો દરજ્જો ગુમાવી શકે છે. ચૂંટણી પંચ સામે આક્ષેપબાજી કરે
તો કાનૂની કારવાઈ થશે એમ લાગે છે.
આમ સ્થિતિ - સંજોગો બદલાઈ ગયા છે અને હજુ
બદલાઈ રહ્યા છે. બિહારમાં લોકતંત્ર બચી ગયું અને તેની અસરથી ભારતને પણ લાભ છે.
વિજય રૅલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું
કે, ગંગા નદી બિહારમાંથી થઈ ને બંગાળમાં વહે છે અને બિહારના આ વિજયે બંગાળમાં જીત માટેનો
માર્ગ પ્રશસ્ત કર્યો છે. બંગાળ વિધાનસભા ચૂંટણીને હજી દોઢ વર્ષની વાર છે, પણ ભાજપ અને
દેશના અન્ય રાજકીય પક્ષોમાં આ જ ફરક છે. અન્ય પક્ષો ચૂંટણી આવે ત્યારે જાગે છે, મુદ્દા
શોધે છે અને મત માગે છે, પણ મોદી-શાહનો ભાજપ સતત મિશન મૉડમાં રહે છે, ચૂંટણીની તૈયારીઓ
અને આયોજન બહુ પહેલેથી થઈ જાય છે. કદાચ આ જ કારણ છે કે, વારંવાર વિરોધ પક્ષોને તેમના
ગઢમાં જ ધોબીપછાડ આપી, તેમના નાક નીચેથી જીત સેરવી લેવાય છે. જાતિ સમીકરણ અને વોટ બૅન્ક
પર આધારિત આ પક્ષો કાગળ પર ગણતરીઓ કરી લે છે અને સત્તાવિરોધી લહેર પર મદાર રાખે છે,
પણ મતદારોમાં વિશ્વાસ જગાડી શકતા નથી. યાત્રાઓ કરવા છતાં તેમની વચ્ચે એકીકરણ થતું નથી
અને ફ્રૅન્ડલી ફાઈટને કારણે ફાટી પડે છે. દેખાય છે એના કરતાં ઘણું વધુ છુપાઈ રહે છે.
હરિયાણા અને મહારાષ્ટ્ર પછી બિહારમાં સત્તાધારી ગઠબંધનના ફરી વિજયમાંથી અનેક પાઠ શીખવા
જેવા છે, પણ ગાંધી અને યાદવ પરિવારના રાજકુંવરો એમાંથી બોધ લેશે? શક્યતા બહુ ઓછી છે.