વિધાનસભ્ય કે સાંસદ તમારા કાર્યાલયમાં આવે તો તમારી બેઠક પરથી ઊભા થવું, તેમની વાત ધ્યાનથી સાંભળવી અને ફોન પર તેમની સાથે વાત કરતી વખતે વિનમ્ર ભાષાનો ઉપયોગ કરવો. પહેલી નજરે તો આ બધી સૂચનાઓ સાવ સામાન્ય અને રાબેતા મુજબની લાગે. પણ, હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશકુમારે આ તથા અન્ય સૂચનાઓ ધરાવતું એક જીઆર (ગવર્નમેન્ટ રેઝોલ્યુશન) એટલે કે સરકારી અધ્યાદેશ બહાર પાડÎો છે, જેમાં કહેવાયું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય માન-આદર આપવાં એ વહીવટને વધુ ભરોસાપાત્ર અને જવાબદાર બનાવવા માટેનો મહત્ત્વનો ભાગ છે. અને હા, જે અધિકારીઓ-અમલદારો આ સૂચનાઓનું પાલન નહીં કરે તેમની સામે પગલાં લેવામાં આવશે, એવી ચેતવણી પણ આપવામાં આવી છે. બાબુઓને આવી તાકીદ કરવાની જરૂર કેમ પડી? આગંતુક કે અતિથિને માન આપવાની મહારાષ્ટ્રની-ભારતની સંસ્કૃતિ છે અને દરેક કાર્યાલયમાં મૂળભૂત પ્રોટોકોલમાં આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે, તો પછી અલગથી અધ્યાદેશ બહાર પાડી આવું કહેવાની જરૂર કેમ પડી? મહારાષ્ટ્રના મુખ્ય સચિવે બહાર પાડેલા આ સરકારી અધ્યાદેશ પાછળ નજીકના ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટનાઓ જવાબદાર હોય એવું જણાય છે. જુલાઈ, 2025માં બિહારના રાષ્ટ્રીય જનતા દળના મનેરના વિધાનસભ્ય ભાઈ વીરેન્દ્રની ઘટનાની અૉડિયો ક્લિપ આખા દેશમાં વાયરલ થઈ હતી. ભાઈ વીરેન્દ્રએ બલુઆના પંચાયત સચિવ સંદીપકુમારને ફોન જોડÎો અને પોતાનો પરિચય આપ્યો ત્યારે સંદીપકુમારે તેમની સાથે રુક્ષપણે વાત કરી અને અભદ્ર ભાષામાં જવાબ આપ્યો. ગુસ્સે ભરાયેલા વીરેન્દ્રએ તેમને કહ્યું, જૂતે સે મારેંગે. એ પછી બન્ને વચ્ચે ગરમાગરમી થઈ હતી. વળી, કેટલીક જગ્યાએ તો સત્તાધારી પક્ષના વિધાનસભ્યોની પણ ફરિયાદ છે કે, અધિકારીઓ-અમલદારો અમને મળવાનો સમય આપતા નથી કે અમારી ફરિયાદો કે મુદ્દાઓને કાને ધરતા નથી. હવે મહારાષ્ટ્ર સરકારે સમજોને કે એક પ્રકારે બાબુઓ માટે માર્ગદર્શિકા જ રજૂ કરી છે. એમપી કે એમએલએ આવે ત્યારે જગ્યા પરથી ઊભા થઈ તેમને માન આપવા જેવી મૂળભૂત બાબતથી લઈને તેમની તરફથી મોકલવામાં આવેલા પત્રોની નોંધ માટે એક અલાયદું રજિસ્ટર જાળવવા તથા આ પત્રનો જવાબ બે મહિનાની અંદર આપવાની તકેદારી રાખવાની સૂચના પણ અપાઈ છે. વળી, ઉદ્ઘાટન અને ભૂમિપૂજન જેવા મહત્ત્વના જિલ્લા સ્તરીય કાર્યક્રમો માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આમંત્રિત કરવા તથા દર અઠવાડિયાના પહેલા તથા ત્રીજા ગુરુવારે નાગરિકો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠક માટે બે કલાક ફાળવવા જેવી સૂચનાઓ પણ આ જીઆરમાં છે. અમલદારો માટે તો સરકારે સૂચનાઓ બહાર પાડી. પણ, અનેક એમપી અને એમએલએ પણ સરકારી અમલદારો સાથે પોતાના અંગત સેવક જેવું વર્તન કરે છે તથા તેમનું જાહેરમાં અપમાન કરવાના કિસ્સા પણ બન્યા છે. માન આપો તો માન મળે એવી સામાન્ય બાબત અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સમજાવવી પડે એ ખરેખર કમનસીબી ગણાય.