• શનિવાર, 22 નવેમ્બર, 2025

મનોમંથન અને મોટું મન

એનડીએએ બિહારમાં બોલાવેલા સપાટાનો પડઘો મહારાષ્ટ્રનાં બે મોટાં ગઠબંધન મહાયુતિ અને મહાવિકાસ આઘાડી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટેની બેઠક વહેંચણી પર પણ પડÎો છે. અત્યાર સુધી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના અને એનસીપી ભાજપ પાસેથી વધુમાં વધુ બેઠકો મેળવવાના પ્રયાસમાં હતા, પણ હવે તેઓ નમતું ઝોખી રહ્યા છે. બીજી તરફ, મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો કૉંગ્રેસ, શિવસેના (ઉબાઠા), એનસીપી (શપ)એ પણ હળીમળી, થોડું જતું કરી સાથે રહી લડવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલ છે. બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામો પહેલાં એક બીએમસી બાદ કરતાં મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રની અન્ય પાલિકાઓમાં ભાજપ એકલા હાથે લડશે એવી વાત હતી, કેમ કે શિવસેનાએ થાણે, નવી મુંબઈ તથા અન્ય પાલિકાઓમાં ભાજપ પાસે વધુમાં વધુ બેઠકોની માગણી કરી હતી, તો પુણે તથા પિંપરી-ચિંચવડમાં વધુ બેઠકો માટે એનસીપીનો આગ્રહ હતો. આ કારણસર ભાજપે એકલા ચાલોનો નિર્ણય લીધો હતો, પણ હવે એકનાથ શિંદે અને અજિત પવાર કૂણા પડÎા છે.

બિહારમાં એક આંકડામાં બેઠકો મેળવનાર કૉંગ્રેસના રાજ્ય એકમના નેતાઓ એકલવીર બનવાની વાત એકથી વધુ વાર ઉચ્ચારી છે. બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીને લઈને થયેલા સંઘર્ષ-ઘર્ષણની માઠી અસરો જોવા મળી હતી. આના કારણે કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં ઢીલું મૂકશે એવું લાગતું હતું, પણ અત્યારે મળતા સંકેતો મુજબ, કૉંગ્રેસના સ્થાનિક નેતાઓનું માનવું છે કે, ઓછી બેઠકો પર લડી નાલેશી સહન કરવા કરતા મુંબઈમાં તો પોતાનું સ્થાન પાછું મેળવવા પક્ષે એકલા હાથે લડવું જોઈએ. રાજ્યના બન્ને મોરચાઓમાંના ઘટક પક્ષો માટે ચૂંટણી જીતવા સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર પણ છે. આ સાથે જ અનેક જગ્યાએ મહાવિકાસ આઘાડી અને મહાયુતિના ઘટક પક્ષોએ ગઠબંધન તોડી-છોડી પોતાની સુવિધા અનુસાર વિરોધી મોરચાના પક્ષો સાથે જોડાણ કર્યાનું પણ જોવા મળી રહ્યું છે, જેમ કે કોલ્હાપુરના ચંદગડમાં અજિત પવારની એનસીપી અને કાકા શરદ પવારની એનસીપીએ હાથ મિલાવ્યા છે. તો રાયગડમાં ભાજપ-રાષ્ટ્રવાદીની યુતિ છે, પણ શિવસેના એમાંથી બાકાત છે અને મહાડ નગર પરિષદમાં તો આ ત્રણેય પક્ષ સામસામા છે. તો, કોંકણની કણકવલીમાં શિંદે સેના અને ઉબાઠા સેના યુતિ કરે એવી શક્યતા છે.

મનસેના રાજ ઠાકરે અને પિતરાઈ ઉદ્ધવ વચ્ચેના મનમેળના પગલે મહાવિકાસ આઘાડી માટે નવી શિરોવેદના શરૂ થઈ છે અને મનસેના ગઠબંધનમાં સમાવેશ સામે કૉંગ્રેસને વાંધો છે. જોકે, મનસે અને એનસીપી (શપ)નો મત એવો છે કે, ભાજપ સામે મહાવિકાસ આઘાડીએ એકજૂટ થવું પડશે. ટૂંકમાં, ખેંચતાણ ઘટી છે પણ મનોમંથન વચ્ચે મોટું મન રાખવાની દિશામાં બધા જ પક્ષો વિચારી રહ્યાનું ચિત્ર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક