મુંબઈગરાની સમસ્યાઓ અટકવાનું નામ જ નથી લેતી. અઠવાડિયાના પહેલા જ દિવસે સીએનજી પુરવઠો ઓછા દબાણથી અથવા સદંતર બંધ થવાને કારણે સીએનજી સ્ટેશન્સ પર રિક્ષા, ટૅક્સી તથા અન્ય વાહનોની લાંબી કતારને પગલે મુંબઈગરાના હાલહવાલ થયા હતા. મુંબઈને કૉપ્રેસ્ડ નેચરલ ગૅસનો (સીએનજી) પુરવઠો કરતા મહાનગર ગૅસ લિમિટેડની મુખ્ય પાઈપલાઈનને કોઈ ત્રાહિત વ્યક્તિએ નુકસાન પહોંચાડ્યું હોવાના પગલે સીએનજી સ્ટેશન મર્યાદિત ક્ષમતા સાથે કામ કરી રહ્યાં હતાં, તો કેટલાંક સ્ટેશનો ગૅસના યોગ્ય દબાણના અભાવે બંધ કરવાની ફરજ પડી. માત્ર મુંબઈ જ નહીં, નજીકના થાણે અને નવી મુંબઈમાં પણ આની અસર જોવા મળી. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં અંદાજે નવ લાખ જેટલાં વાહનો સીએનજી પર ચાલે છે, જેમાં આશરે સાડા ચાર લાખ જેટલી રિક્ષાઓ, 38 હજાર ટૅક્સીઓ તથા બે હજાર સ્કૂલબસ અને ચારેક લાખ ખાનગી વાહનોનો સમાવેશ થાય છે. વળી, બેસ્ટની 45 ટકા બસો પણ સીએનજી પર દોડે છે. એક અંદાજ મુજબ સોમવારે 80 ટકા રિક્ષા-ટૅક્સીઓ અટકી ગઈ હતી અને સવાર તથા સાંજે ધસારાના સમયે મુંબઈગરાને થયેલી હાલાકી, સમયનો વેડફાટ અને રિક્ષા-ટૅક્સીચાલકોએ બેફામ ભાડાં વસૂલ્યાં.
વડાલાના આરસીએફ પરિસરમાંની ગૅસ પાઈપલાઈનને થયેલા નુકસાનને કારણે શહેરનાં સીએનજી
સ્ટેશનોને ગૅસપુરવઠો પહોંચાડવાનું કામ ઠપ થતાં મુંબઈગરા હાલાકીમાં મુકાયા. આ પરિસ્થિતિનો
લાભ કેટલાક રિક્ષા-ટૅક્સીચાલકોએ ઉપાડ્યો અને લોકો પાસેથી બે-ત્રણ ગણું ભાડું વસૂલ્યું.
તો બીજી તરફ, રવિવાર બપોરથી જ મધ્ય અને પશ્ચિમનાં પરાંનાં સીએનજી સ્ટેશનો પરનો પુરવઠો
બંધ થતાં ત્રણ દિવસ અનેક રિક્ષા-ટૅક્સીચાલકોના ધંધા પર અસર પડી છે. ગૅસ વિના રસ્તા
પર વાહનો ઉતારવાનું શક્ય ન હોવાથી તેમને આર્થિક નુકસાન થયું છે. અૉટોરિક્ષા-ટૅક્સીમૅન્સ
ઍસોસિયેશનના અધ્યક્ષ શશાંક રાવે આ નુકસાની ભરપાઈની માગ મહાનગર ગૅસ લિમિટેડ પાસે માગી
છે. પણ સામાન્ય મુંબઈગરાનું શું? બેસ્ટની બસસેવા સોમવારે બરાબર ચાલી, પણ મંગળવારે એ
પણ ખોડંગાવા લાગી હતી. એક તો ઘરેથી રેલવે સ્ટેશન પહોંચવા મુંબઈગરાને હાલાકી થઈ અને
એ પછી સાંજે વધુ હાલહવાલ થયા. એ વચ્ચે શાળા છૂટવાના સમયે સ્કૂલબસો પણ અટકી પડતાં અનેકને
બાળકોને શાળાએ લેવા જવા માટેની દોડધામ પણ કરવાની આવી. મહાનગર ગૅસે મંગળવાર બપોર સુધી
સીએનજી પુરવઠો શરૂ તો કરી દીધો પણ હજી એકાદ દિવસ મુંબઈગરાને રિક્ષા-ટૅક્સી, સ્કૂલબસ
તથા ઍપ આધારિત કૅબ વ્યવસ્થા સુખરૂપ થવાની રાહ જોવી પડશે એવું લાગે છે.