• શનિવાર, 22 નવેમ્બર, 2025

માઓવાદી લડતના અંતનો આરંભ?

આંધ્ર પ્રદેશ પોલીસની વિશેષ ટીમે પ્રખર, આક્રમક માઓવાદી માડવી હિડમા ઉર્ફે સંતોષને ઠાર કર્યા પછી હવે ભારતમાં માઓવાદીઓના સશત્ર બળવાના અંતની ઘડીઓ, દિવસો ગણાઈ રહ્યા છે. હિડમા - સંતોષ સાથે તેની પત્ની મડકમ રાજે ઉર્ફે રાજક્કા અને અન્ય ચાર સાથી પણ ઠાર થયાં છે. હજુ મે મહિનામાં જ માઓવાદીઓનો જનરલ સેક્રેટરી નંબાલા કેશવરાવ ઉર્ફે બાસવરાજ છત્તીસગઢમાં ઠાર થયો હતો અને અૉક્ટોબરમાં વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપથીએ શરણાગતિ સ્વીકારીને જીવ બચાવ્યા પછી માઓવાદી બળવાખોરોની જમાત વેરવિખેર થઈ રહી છે તેથી ગૃહપ્રધાન અમિત શાહે માઓવાદી બળવાના અંત માટે આગામી 31મી માર્ચની તારીખ નક્કી કરી છે તે હવે દૂર નથી.

માડવી હિડમાનો જન્મ આદિવાસી પરિવારમાં છત્તીસગઢમાં થયો હતો. યુવાન વયે તેનું ઝનૂન અને લડાયક વૃત્તિ જોઈને તેને સેન્ટ્રલ કમિટીમાં લેવામાં આવ્યા પછી પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મીની બટાલિયનની જવાબદારી આપવામાં આવી. પોલીસ દળો ઉપર હિડમાએ 26 મોટા - સફળ હુમલા કર્યા હતા. વર્ષ 2010માં છત્તીસગઢના દાંતીવાડામાં સીઆરપીએફની છાવણી ઉપર હુમલો કરીને 76 પોલીસકર્મીઓને ઠાર કર્યા હતા. 2013માં ઝીરમ ઘાટીમાં હુમલો કરીને ઘણા કૉંગ્રેસી નેતાઓને ઠાર માર્યા તેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિદ્યાચરણ શુક્લે પણ જીવ ગુમાવ્યો હતો.

હિડમાના મોત પછી માઓવાદીઓને વ્યૂહબાજ લડાયક નેતાની મોટી ખોટ પડી જ હશે અને રહ્યાસહ્યા બળવાખોરો નબળા પણ પડશે છતાં હજુ પણ સુરક્ષા દળોએ સાવધાન અને સક્રિય રહેવું પડશે.. કારણ કે સરકારની શરણાગતિ સ્વીકારવા બાબત ગંભીર મતભેદ છે. માઓવાદીઓના એક નેતા અને જૂથે યુદ્ધ વિરામ અને સરકાર સાથે વાટાઘાટ કરવાની હિમાયત કરી ત્યારે તેલંગણાની શાખાએ જેમાં હિડમાની હાક વાગતી હતી - વિરોધ કર્યો હતો. હકીકતમાં હિડમા મરાયા પછી તેના સાથીદારો આંધ્ર પ્રદેશ - તેલંગણાના જંગલ વિસ્તારમાં ભાગી છૂટયા હોય અને છુપાયા હોય તેવી શક્યતા છે. આમ છતાં હિડમા જેવા નેતાઓના અંજામ અને અન્ય નેતાઓ - જેઓ શરણાગતિની તરફેણમાં છે તેઓ - રહ્યાસહ્યા માઓવાદી બળવાખોરોને સમજાવી શકે તો બળવો - હિંસાચારનો અંત વહેલો આવી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક