કેન્દ્ર તથા રાજ્ય સરકારોને મોટી રાહત સર્વોચ્ચ અદાલતે 16મી મેએ આપેલા પોતાના એક ચુકાદાને ઊલટાવીને આપી છે. એ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે રૂા. 20,000 કરોડના પબ્લિક પ્રોજેક્ટ્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, કેમ કે આ પ્રકલ્પોને પૅનલ્ટીની રકમ ભર્યા બાદ પર્યાવરણ મંજૂરી આપવામાં આવી હતી. પૅનલ્ટીની રકમ ભરી પર્યાવરણ મંજૂરી મેળવી હોવા છતાં જેમના પર કામ ચાલી રહ્યું હોય તેવા અને કાર્યરત થઈ ગયેલા પ્રોજેક્ટ્સને રોકી પાડી તેમનું તોડકામ કરવાના ચુકાદાને બદલી નાખવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવકારદાયક છે અને પ્રસ્થાપિત થયું છે કે, લોકોનાં હિતમાં હોય એવાં પગલાં લેવા માટે અયોગ્ય નિર્ણયમાં સુધારો કરવો જોઈએ. દેશના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચરણ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠ 2-1ની બહુમતીથી અગાઉનો ચુકાદો પાછો ખેંચવા સંમત થઈ હતી. ચીફ જસ્ટિસે નોંધ્યું કે, જો આ ચુકાદો પાછો ખેંચવામાં નહીં આવે તો લોકો માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ્સના તોડકામ બાબતે તેનાં ગંભીર પરિણામો આવી શકે છે, સાથે જ હજારો કરોડની રકમ પણ વેડફાઈ જવાની. સર્વોચ્ચ અદાલત પોતાનો ચુકાદો પાછો ખેંચે એ અસાધારણ ઘટના ખરી, પણ આ સાથે જ પરસ્પર વિરોધી મત ધરાવતા બે ન્યાયમૂર્તિઓએ દાખવેલી ખેલદિલી અને પરંપરાથી હટીને કંઈક કરવાનું પગલું નોંધપાત્ર બાબત છે.
આપણા દેશમાં એવું
જોવા મળે છે કે, મહત્ત્વના પ્રોજેક્ટ્સથી પર્યાવરણને નુકસાન થશે, એવા કારણોસર રોકી
પાડવાનો આદેશ અદાલતો આપતી હોય છે. પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે અથવા આવું નુકસાન
થતું હોય તો તેની ભરપાઈ (માત્ર નાણાંથી નહીં) કરવાની તૈયારી હોવા છતાં આંદોલનજીવી વર્ગ
તેને ઘોંચમાં પાડી દેતા હોય છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ગત 16મી મેના રોજ આપેલા રૂા.
20,000 કરોડના પ્રોજેક્ટ્સના તોડકામનો નિર્ણય ઊલટાવી સરકારી તિજોરીનાં નાણાંનો બગાડ
અટકાવવા ઉપરાંત આંદોલનજીવીઓની પ્રવૃત્તિઓ પર પણ લગામ તાણવાનું કામ કર્યું છે. સર્વોચ્ચ
અદાલતની ખંડપીઠે ચુકાદો ઊલટાવવા સાથે ઓડિશામાં એઈમ્સ, કર્ણાટકમાં ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ
તથા ગંદાં પાણીના ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટનો ઉલ્લેખ કર્યો હતો. ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું
હતું કે, 16મી મેનો ચુકાદો પરસ્પર વિરોધી હોય એવી બાબતોનો ભોગ હતો. એક તરફ તો ખાણકામ
કરતી કંપનીઓને તેમની કામગીરી સ્થગિત કરી પોસ્ટ-ફેક્ટો અર્થાત્ કાર્ય પશ્ચાત પર્યાવરણ
મંજૂરીની છૂટ આપી વળતરની રકમ ભર્યા બાદ કામગીરી શરૂ કરવાની મોકળાશ આપી હતી, પણ સાર્વજનિક
પ્રોજેક્ટ્સને આવી છૂટ આપવાની મનાઈ કરતાં તેમનું તોડકામ કરવાનો આદેશ આપ્યો હતો.
મૂળ ચુકાદો આપનારી
જસ્ટિસ એ. એસ. ઓકના વડપણ હેઠળની ખંડપીઠનો હિસ્સો એવા જસ્ટિસ ભુયાન નવી ખંડપીઠમાં પણ
હતા અને તેમણે ચીફ જસ્ટિસના મંતવ્યથી વિપરીત મત આપવા સાથે તેની ટીકા પણ કરી હતી. પોતાના
ચુકાદાનું પઠન કરતી વખતે જસ્ટિસ ભુયાને ચીફ જસ્ટિસના મંતવ્યની ટીકા કરતો ભાગ વાંચ્યો
નહીં ત્યારે ગવઈએ તેમને કહ્યું, કંઈ વાંધો નહીં તમે એ ભાગ વાંચો, કેમ કે આમ પણ આ મંતવ્ય
પબ્લિક ડોમેનમાં રહેવાનું છે. જોકે, ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું કે, દેશના ચીફ જસ્ટિસના
ચુકાદાની ટીકા કરતા અસંમતિ ચુકાદો આપવાના તથા ચીફ જસ્ટિસ દ્વારા તેનો સણસણતો વળતો જવાબ
આપવાનાં પૂર્વ ઉદાહરણો છે. પણ હું પરંપરાને તોડું છું. અસંમતિનો ચુકાદો મળ્યા પછી પણ
મેં મારા ચુકાદામાં એકપણ શબ્દનો ફેરફાર કર્યો નથી.