અયોધ્યામાં રામમંદિરથી ચોક્કસ અંતરે મસ્જિદ નિર્માણ કરવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી હોવા છતાં હજુ સુધી બાંધકામ શરૂ થયું નથી ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં `બાબરી મસ્જિદ' નિર્માણની જાહેરાત અને `ભૂમિ પૂજન'ની જેમ પાયાનો પથ્થર રોપવાની વિધિ થઈ છે. અયોધ્યામાં `િવવાદાસ્પદ ભૂમિ' - બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા પછી તેત્રીસ વર્ષે બંગાળની ભૂમિ ઉપર બાબરી મસ્જિદ નિર્માણ કરવાની જાહેરાત તૃણમૂલ કૉંગ્રેસના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે યોજેલા આ કાર્યક્રમમાં સામેલ થવા દેશના વિવિધ વિસ્તારોથી હજ્જારો મુસ્લિમો માથા ઉપર ઇંટ લઈને આવ્યા હતા. હુમાયુ કબીરે મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમોને પડકાર્યા છે. એક બાજુ બાંગ્લાદેશી વોટ બૅન્ક લૂંટાઈ ગઈ છે - બાંગ્લાદેશ ભણી વણઝાર છે - ગેરકાયદે ઘૂસણખોર વસાહતીઓ પલાયન કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સ્થાનિક મુસ્લિમોની `મમતા' ગાયબ થઈ રહી છે! પણ મમતા બેનરજી કહે છે કે બંગાળની ભૂમિ રવીન્દ્રનાથની ભૂમિ છે, નઝરૂલની ભૂમિ છે, રામકૃષ્ણ - વિવેકાનંદની ભૂમિ છે અને ભાગલા - ભંગાણ સામે ઝૂકતી નથી. મુર્શિદાબાદમાં `અલ્લાહુ અકબર'ના સૂત્રોચ્ચાર સાથે દેશભરમાંથી આવેલા મુલ્લા-મૌલવીઓ સાથે સાઉદી અરેબિયાથી આવેલા બે મૌલવી પણ જોડાયા હતા.
રાજ્યમાં બાબરી મસ્જિદ બાંધવાની જાહેરાત
કરનારા વિધાનસભ્ય હુમાયુ કબીરને તૃણમૂલ કૉંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી એમણે
કહ્યું છે કે બાબરી મસ્જિદ નિર્માણ રોકવા માટે મારા ઉપર દબાણ હતું. હવે બંગાળમાં મુસ્લિમો
આ બદલ યોગ્ય જવાબ આપશે. મુસ્લિમોએ બાબરી મસ્જિદ નિર્માણને સમર્થન આપ્યું છે. નાણાં
- ભંડોળની સમસ્યા નથી.
હુમાયુ કબીરે તૃણમૂલ કૉંગ્રેસને પડકાર
ફેંકયો છે. વિધાનસભાની 90 બેઠકોના વિસ્તારમાં 42થી 82 ટકા સુધી મુસ્લિમ મતદારો છે.
આ તમામ બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાશે. કબીરે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની અને
ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત પણ કરી છે. બીજી બાજુ કોલકાતામાં મમતાએ `સંગઠન દિવસ'
કોમી એકતા દિવસનું આયોજન કર્યું હતું. તૃણમૂલ કૉંગ્રેસમાંથી કબીરને સસ્પેન્ડ કરાયા
હોવા છતાં પક્ષના પ્રવક્તાએ કહ્યું કે લોકોને પોતાનાં ધાર્મિક સ્થળો બાંધવાનો હક -
અધિકાર છે પણ કોમ-મઝહબનું ઝેર ફેલાવી શકે નહીં. ભાજપના પ્રવક્તા કહે છે આ મમતાની ચાલ-ખેલ
છે! વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. અયોધ્યા વિસ્તારમાં મસ્જિદ
નિર્માણ માટેની જવાબદારી સંભાળતા મૌલવી કહે છે કે મસ્જિદના નામે રાજકારણ થાય તે યોગ્ય
નથી, સ્વીકાર્ય પણ નથી. હવે એક વાત સ્પષ્ટ છે કે હુમાયુ કબીર `બાબરી મસ્જિદ'ના નામે
નવા રાજકીય પક્ષ માટે વોટ મેળવવા માગે છે અને હૈદરાબાદના ઓવૈસી પણ એમની સાથે જોડાઈ
રહ્યા છે ત્યારે હિન્દુ - મુસ્લિમના નામે રાજકીય વિભાજન કરવાનો પ્લાન છે.