દેશભક્તિથી છલકાતા ગીત-કાવ્ય `વંદે માતરમ્'નાં 150 વર્ષ નિમિત્તે થયેલી ચર્ચાના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સામે આ ગીતનો ઊંડો ભાવ અને ઊંચો પ્રભાવ અનોખી રીતે મૂક્યો. શરૂઆતમાં જ તેમણે કહ્યું કે આ પક્ષ-પ્રતિપક્ષનો મુદ્દો નથી, આપણા સદ્ભાગ્ય છે કે દેશના પ્રતિનિધિ તરીકે આપણને આ ચર્ચાનો અવસર મળ્યો છે. જોકે, આત્મવિશ્વાસપૂર્વક તેમણે કહ્યું કે વંદે માતરમ્ સાથે કૉંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે. 1875માં રચાયેલા `વંદે માતરમ્'ની આ સાર્ધ શતાબ્દી માટે સંસદમાં દસ કલાકની ફાળવણીને સૌ કોઈ રાજકીય દૃષ્ટિકોણથી જોતા હતા. બંગાળની ચૂંટણી, આ ગીતમાં સંભળાતો હિન્દુત્વનો ધ્વનિ સહિતના મુદ્દાની ચર્ચા હતી. વડા પ્રધાને તે બધાને અતિક્રમી જઈને પોતાની વાત મૂકી હતી.
દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો ત્યારે
પણ બંગાળની ધરતી ઉપરથી બંકિમબાબુએ આનું સર્જન કર્યું. વિશ્વએ એ જ જોવાનું છે કે આવા
કારમા સમયમાં પણ અહીં રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્જવલિત હતી. આ ફક્ત કવિતા નથી, હજારો
વર્ષની પરંપરાને, વિચારને આ કવિતાએ જીવંત કર્યો હતો. વેદકાળના આપણા સંસ્કાર છે, માતા
ભૂમિ, પુત્રો અહં એ જ લંકાવિજય પછી રામે કહ્યું હતું કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથીય
મહાન છે. આ વિચાર `વંદે માતરમ્'માં છે. આ ફક્ત રાજકીય આઝાદી, કોઈ ભૂમિના ટુકડા માટેની
લડાઈ સમયનું ગીત નથી. સ્વતંત્રતા સંગ્રામનો પહેલો પડકાર આપણી ધરતી ઉપરથી અંગ્રેજોને
ફેંકાયો ત્યારથી લઈને 2047માં વિકસિત ભારતના પડકાર સુધી આ ગીત આપણા માટે અગત્યનું છે.
જે સમયે અંગ્રેજોનું ગીત `ગૉડ સેવ ધ ક્વીન' લોકોના મનમાં ઘુસાડવાનો પ્રયાસ થતો હતો
ત્યારે બંકિમબાબુએ આ આહ્લેક જગાવી. અગત્યનું છે કે વડા પ્રધાને 150 વર્ષની આ યાત્રાના
અલગ-અલગ પડાવ સદૃષ્ટાંત કહ્યા. વંદે માતરમ્ પરનો પ્રતિબંધ ન હટે ત્યાં સુધી કોઈએ બંગડી
ન પહેરાવવાની પ્રતિજ્ઞા લીધી તેની વાત કરી તો વિદ્યાર્થીઓ ઉપર કોરડા વિંઝાયા તેનો પણ
ઉલ્લેખ કર્યો. સેંકડો નરવીરો વંદે માતરમ્ ગાતાં-ગાતાં ફાંસીના માંચડે ચડી દેશની આઝાદી
માટે ફના થઈ ગયા.
બંગાળને તોડવાની કોશિશ અંગ્રેજોએ 1905માં
કરી ત્યારે આ ગીત ચટ્ટાનની જેમ ઊભું રહ્યું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા તેમણે
`ઇન્ડિયન અૉપિનિયન' નામના તેમના પ્રકાશનમાં લખ્યું, `ગીત વંદે માતરમ્ જેને બંકિમે લખ્યું
છે તે પૂરા બંગાળમાં લોકપ્રિય બની ગયું છે. સ્વદેશી આંદોલન વખતે સભા થઈ ત્યારે લાખો
લોકોએ બંકિમ ગીત ગાયું, આ એવું લોકપ્રિય ગીત છે જે આપણું નેશનલ ઍન્થમ બની ગયું છે...'
જે ગીત ગાંધીજીને પણ આટલું ગમ્યું હતું તે પછીથી કેમ ઉપેક્ષા પામ્યું? જિન્હાએ આ ગીતનો
વિરોધ કર્યો અને જવાહરલાલ નહેરુએ તેની સામે થવાને બદલે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવ્યા.
નહેરુએ સુભાષબાબુને લખ્યું કે આનંદમઠવાળું આ ગીતનું પશ્ચાદ્ મુસલમાનોને ઈરીટેડ કરી
શકે છે એટલે જ કૉંગ્રેસે દેશનું વિભાજન પણ સ્વીકારવું પડયું. તેમ છતાં, દેશ આઝાદ થયો
ત્યારે, દેશમાં પછી યુદ્ધો થયાં, કટોકટી લદાઈ કે વૈશ્વિક મહાસંકટ આવ્યાં ત્યારે પ્રજાએ
વંદે માતરમ્ના જુસ્સાને યાદ કરીને પડકારોનો સામનો કર્યો છે. આ એક ઊર્જાપ્રવાહ છે, જે
સતત વહી રહ્યો છે.