• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

અને કૉંગ્રેસના નેતાઓને શું કહેવું?

પરિવારવાદ અને ટિકિટ કપાવાની રમત

છેલ્લી ઘડી સુધી ઉમેદવારી વિશે સસ્પેન્સ, કાર્યકર્તાઓમાં અસંતોષ અને પરિવારવાદની બૂમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ 2017માં જીતેલા ચાળીસ ટકા જેટલા નગરસેવકોને આ વખતે ટિકિટ આપી નથી. આ વખતની નગરપાલિકાની ચૂંટણીઓમાં નામાંકન ભરવાના છેલ્લા દિવસે જોવા મળેલા જાતભાતના વિચિત્ર ખેલ-તરકટ. એક તરફ, પક્ષે વિધાનસભ્યનાં પત્ની અને પુત્રને ઉમેદવારી નકારી છે, તો બીજી તરફ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોને ટિકિટ અપાઈ હોવાનાં ઉદાહરણો પણ છે. જોકે, પરિવારવાદ મામલે બધા જ રાજકીય પક્ષોની સ્થિતિ એકસમાન છે. ધારણા પ્રમાણે જ, પક્ષ દ્વારા ટિકિટ નકારાતાં બંડખોરીનું પ્રમાણ પણ ખાસ્સું ઊંચું છે. ત્રણ મુખ્ય યુતિઓ ચૂંટણી મેદાનમાં હોવાથી આ વખતે શહેરમાં અનેક બેઠકો પર ત્રિપાંખિયો જંગ પણ જામવાનો છે. 

ભાજપે 2017ના ચાળીસ ટકા નગરસેવકોને ઉમેદવારી નકારી છે, એની પાછળ એક મુખ્ય કારણ એ પણ છે કે, કેટલાકના વૉર્ડ મહિલાઓ કે એસસી-એસટી અથવા ઓબીસી માટે અનામત થઈ ગયા છે. વળી, અન્ય પક્ષમાંથી આવેલાઓને સમાવવા માટે પણ કાર્યકર્તાઓનો ભોગ લેવાયાનું પણ ચિત્ર છે. પરિવારવાદનું રાજકારણ લગભગ દરેક પક્ષ વત્તા-ઓછા પ્રમાણમાં રમે છે. ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરના પરિવારના ત્રણ સભ્યોને ભાજપે ઉમેદવારી આપી છે. તો રાષ્ટ્રવાદીના નવાબ મલિકના કુટુંબની ત્રણ વ્યક્તિને ટિકિટ મળી છે. ભાજપના પ્રવીણ દરેકરે ભાઈ પ્રકાશને, અમિત સાટમે બનેવી રોહન રાઠોડને ઉમેદવારી અપાવી છે. શિંદેસેનામાં પણ આ પરિવારવાદનો પ્રભાવ છે, સદા સરવણકરે પુત્ર સમાધાન અને પુત્રી પ્રિયાને, દિલીપ લાંડેએ પત્ની શૈલાને અને અશોક પાટીલે પુત્ર રૂપેશને ઉમેદવારી અપાવી છે. ઉદ્ધવસેનાના સાંસદ દીના પાટીલે દીકરી રાજુલને, સુનીલ પ્રભુએ પુત્ર અંકિતને અને વિધાનસભ્ય મનોજ જામસુતકરે પત્ની સોનમને ટિકિટ અપાવડાવી છે.

ભાજપે પોતાના વર્ચસ્વાળા વૉર્ડમાં અગાઉના નગરસેવકોને ટિકિટ નકારી હોવાનું પ્રમાણ પણ ખાસ્સું મોટું છે. તો, જેમનાં નામ ભાજપના ઉમેદવારોની યાદીમાં છે, એવા બે ઉમેદવારો અપૂરતા દસ્તાવેજોને કારણે નૉમિનેશન ભરી શક્યા નહીં હોવાની ઘટના પણ બની છે. તો કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકા તથા અન્ય સ્થળોએ ભાજપના અડધો ડઝન ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તો, ટિકિટ માટેની ઘેલછાને કારણે અનેક જગ્યાએ તો પક્ષના એ-બી ફૉર્મ લઈ જતાં વાહનોનો ઇચ્છુકોએ પીછો કર્યાની ઘટનાઓ પણ બની છે. બંડખોરી ખાળવા છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવાનું ટાળવામાં આવ્યું છતાં અનેક જગ્યાએ અપક્ષ તરીકે નામાંકન ભરાયાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ પ્રકારની ખેંચતાણ થાય એ સહજ છે, પણ આ વખતે એકંદર યુતિ-ગઠબંધન-આઘાડી બાબતે અસમંજસ ઉપરાંત પક્ષમાં આંતરિક કલહ પણ મોટા પ્રમાણમાં છે. મુંબઈમાં ભાજપ-શિવસેના, શિવસેના (ઉબાઠા)-મનસે તથા કૉંગ્રેસ-વંચિત બહુજન આઘાડી એમ ત્રણ ગઠબંધનો છે, આ દરેકની પોતાની ચોક્કસ વોટ બૅન્ક છે, જે ધર્મ-જાતિ-સમુદાય જેવાં પાસાંથી બંધાયેલી છે. આવામાં, એકમેકની વોટ બૅન્કમાં ગાબડાં પાડવાં ચૂંટણી પ્રચારનું સ્તર કેટલું નીચું જઈ શકે એ આગામી પખવાડિયામાં જોવા મળશે.