• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

ધાક બેસાડતો નિર્ણય

દેશમાં આતંકવિરોધી નીતિમાં કોઈપણ જાતની બાંધછોડ ન કરવાના વલણને હવે સર્વોચ્ચ અદાલતે પણ સ્વીકૃતિ આપી દીધી છે.  દિલ્હીનાં તોફાનોના કેસમાં અદાલતે આરોપી ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજીને સ્પષ્ટ રીતે નકારી કાઢીને આ ગંભીર કેસમાં દિલ્હી પોલીસના મજબૂત આરોપનામાને પણ સીધી સ્વીકૃતિ આપી છે. 

દિલ્હીનાં કોમી તોફાનોમાં ઉશ્કેરણી અને દેશવિરોધી કાવતરાંના આરોપોનો સામનો કરી રહેલા આ બંને યુવાનની જામીન અરજીને નકારી કાઢતાં સર્વોચ્ચ અદાલતે કહ્યંy કે આતંકી કૃત્યોને માત્ર હિંસા સુધી મર્યાદિત રાખી શકાય નહીં. આ અર્થઘટનમાં આવશ્યક સેવાઓને અંતરાય અને અર્થતંત્ર માટેના જોખમની પરિભાષાનો પણ સમાવેશ થાય છે. અદાલતના આ આદેશથી સ્પષ્ટ થાય છે કે કોઈનાથી ભરમાઈ જવાના કે કાવતરું રચવાનાં કેટલાં ગંભીર પરિણામ આવી શકે છે. 

સુપ્રીમ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી પરની સુનાવણી અને ચુકાદા દરમિયાન આતંકી હુમલા અને કૃત્યોના અર્થઘટનને વધુ વ્યાપ આપ્યો છે.  અદાલતે અન્ય બે મહિલા સહિત અન્ય પાંચ આરોપીને 12 શરતે જામીન મંજૂર કર્યા હતા, પણ ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની અરજીના સંદર્ભમાં અદાલતે કહ્યંy કે તમામ આરોપીઓની સાથે એકસમાન વલણ લઈ શકાય નહીં. હવે આ બંને મામલામાં એક વર્ષ સુધી જામીન અરજી કરી શકશે નહીં. 

આ બંને મુખ્ય આરોપીની સામે દિલ્હીનાં તોફાનોના સંદર્ભમાં મોટાં કાવતરાંના કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બંને સામે કેસમાં આતંકવાદવિરોધી કાયદા તળે ગુનો નોંધાયો છે. અદાલતે એમ પણ કહ્યંy છે કે શરજિલ ઇમામ અને ઉમર ખાલિદની ભૂમિકા આખા પ્રકરણમાં અન્યોની સરખામણીએ સાવ અલગ અને ગંભીર પ્રકારની છે. તેમની સામેના પ્રથમદર્શી આરોપ સાચા જણાઈ રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યંy કે લાંબા સમયથી જેલમાં બંધ હોવાની બાબત જામીન માટે આધાર બની શકે નહીં. 

આ કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય સંખ્યાબંધ રીતે મહત્ત્વ ધરાવે છે. એક તો આતંકવાદવિરોધી કાયદાની કલમ 43ડી (પ) હેઠળ જામીનની જોગવાઈઓ વધુ સ્પષ્ટ થાય છે, તેની સાથોસાથ આ નિર્ણય આતંકવાદ અને હિંસાની વિરુદ્ધ સરકારની નીતિ-રીતિને મજબૂતી મળી છે. અદાલતે જે રીતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદની પરિભાષાને માત્ર હિંસા સુધી સીમિત રાખી શકાય નહીં, તેનાથી સરકારના વલણને વધુ સ્વીકૃતિ મળી છે. 

ઉલ્લેખનીય છે કે આખા પ્રકરણમાં આરંભથી જ દેશવિરોધી વલણને ઉશ્કેરતાં તત્ત્વો ફરી વિરોધમાં સફાળાં જાગ્યાં છે. દિલ્હીની જેએનયુમાં તરત જ ઉમર અને શરજિલની તરફેણમાં દેખાવો થયા જેમાં ફરી દેશવિરોધી લાગણીઓ વ્યક્ત થવા લાગી છે, તો આ મામલમાં માનવ અધિકારના કહેવાતા હિમાયતીઓ પણ ફરી સક્રિય બની શકે તેમ છે. સ્પષ્ટ છે કે આવાં તત્ત્વોની માટે ન્યાયતંત્રના આદેશને માન આપવાની જરા પણ ખેવના જણાતી નથી. આવનારા સમયમાં આ આદેશની સામે વધુ વિરોધ થાય તો સરકારે તેની સામે કડક કાર્યવાહીમાં જરાપણ પાછીપાની કરવી જોઈએ નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ