અૉપરેશન સિંદૂર
પાકિસ્તાની આતંકવાદીઓ
અને પાકિસ્તાની સેનાનાં મથકો ઉપર ભારતના `અૉપરેશન સિંદૂર' વખતે `યુદ્ધવિરામ'નો યશ ખાટવાની
સ્પર્ધા થઈ રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે એમણે
જ દરમિયાનગીરી કરીને, ભારત ઉપર દબાણ કર્યું ત્યારે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી. હવે
ચીનના વિદેશપ્રધાન વચમાં ટપકયા છે અને કહે છે કે અમે જ વચ્ચે પડયા અને લડાઈ બંધ કરાવી!
આ અહેવાલ આવ્યા પછી કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા જયરામ રમેશ જાણે
ખુશીથી ઊછળી પડયા છે અને વડા પ્રધાન મોદી પાસે ખુલાસાની માગણી કરે છે!
અૉપરેશન સિંદૂરે
આતંકી પાકિસ્તાનની ભારે તારાજી કરી અને પાકિસ્તાન ભારતના ઘૂંટણિયે પડયું - તૌબા તૌબા
અબ બસ કરો, બસ કરો ત્યારે ભારતે અૉપરેશન સિંદૂરમાં `િવરામ'ની ગુજારીશ સ્વીકારી છે.
પણ અૉપરેશન ઉપર પૂર્ણવિરામ નથી એવી સ્પષ્ટતા કરી છે. આમ છતાં ટ્રમ્પ સાહેબ યશ ખાટવા
વારંવાર દાવા કરી રહ્યા છે. કારણ કે એમને શાંતિના દૂતનો પુરસ્કાર ખિતાબ ખપે છે અને
જુઠ્ઠાણું એકસો વખત કહ્યા પછી સત્ય બની જાય છે - એમ માને છે!
ચીનના વિદેશપ્રધાન
આઠ મહિના પછી હવે કેમ જાગ્યા? એમને ક્યો એવૉર્ડ ખપે છે? ટ્રમ્પના પ્રતિસ્પર્ધી બન્યા
હોય એમ કહે છે કે ઇરાનના અણુબૉમ્બ વખતે, પેલેસ્ટાઇન અને ઇઝરાયલના યુદ્ધ વખતે, ભારત-પાકિસ્તાનના
યુદ્ધ વખતે અને તાજેતરમાં કમ્બોડિયા-થાઇલૅન્ડની લડાઈ વખતે ચીને જ મધ્યસ્થી કરીને લડાઈ
બંધ કરાવી છે! ચીની વિદેશપ્રધાન ટ્રમ્પના હરીફ બનતા હોય એમ લાગે છે! જો મધ્યસ્થી કરાવી
હોય તો આટલા મહિનાઓ સુધી કેમ મૌન રહ્યા?
ચીન ચૂપ રહે તે
સમજ્યા પણ આપણા વિપક્ષી નેતાઓ છેલ્લા આઠ મહિનામાં અૉપરેશન સિંદૂરની નિષ્ફળતાના ગાણાં
ગાઈ રહ્યા છે. એમને ભારત તથા ભારતીય સેનાના કૌવત અને શૌર્ય ઉપર ભરોસો નથી! આપણા ઍરફોર્સના
ડેપ્યુટી ચીફ લેફ. જનરલ રાહુલ સિંઘે જુલાઈ મહિનામાં કહ્યું હતું કે અૉપરેશન સિંદૂર
વખતે આપણે ચીન સામે પણ લડી રહ્યા હતા - ચીનનાં શત્રો અને વિમાનો નાકામિયાબ થયાં તેનો
આઘાત વળતાં હવે કહેવા માગે છે કે પાકિસ્તાને શરણાગતિ માગી નહોતી? પાકિસ્તાન સાથે ચીનનાં
શત્રોની બદનામી થઈ હોવાનું ભાન હવે થયું?