• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ભાગલા પાડો, ચૂંટણી જીતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્યપણે તો સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે અને સેવા-સુવિધાઓના અભાવ કે તેમાં સુધાર કેન્દ્રમાં હોય છે, પણ મુંબઈ અને રાજ્યની અન્ય નગરપાલિકાઓની ચૂંટણીઓ હિન્દુ-મુસ્લિમ, મરાઠી માણૂસ વિરુદ્ધ ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓ તથા ખાસ તો ઓળખના રાજકારણની આસપાસ યોજાવાની છે. આવામાં, ગંભીર બાબતો કે સુવિધાઓ કે તેના અભાવ જેવા મુદ્દા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. હાલમાં જ ભાજપના નેતા કૃપાશંકર સિંહે નિવેદન કર્યું કે અમારા પ્રયાસો એવા છે કે મીરા-ભાયંદર નગરપાલિકાના મેયર તરીકે કોઈ ઉત્તર ભારતીય આવે. આ વિધાનને શિવસેના (ઉબાઠા) અને મનસેએ ચગાવતાં કહ્યું છે કે ભાજપનો ઈરાદો મુંબઈમાં પણ આવું જ કરવાનો છે અને મરાઠી મતદારો અમારી તરફ વળી રહ્યા હોવાથી ઉત્તર ભારતીયોને અમારા વિરુદ્ધ ભડકાવવાનો આ કારસો છે. તો, મરાઠી ઉપરાંત મુસ્લિમ મતોને પોતાની તરફ ખેંચવા ઠાકરે બંધુઓ તત્પર છે. ઉદ્ધવ ઠાકરેએ તો કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મહાવિકાસ આઘાડી રચી ત્યારથી જ આક્રમક હિન્દુત્વને તિલાંજલિ આપી દીધી છે. આનો લાભ શિવસેના (ઉબાઠા)ને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મતો મળવાથી થયો હતો. હવે, મહાયુતિ આ બાબતનો લાભ લેવા ચૂંટણીમાં હિન્દુત્વને મુદ્દો બનાવશે એવું તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું નામ જોતાં જણાય છે. 2024 લોકસભા ચૂંટણી વખતે ભાજપે `બટેગેં તો કટેગેં'ને ચૂંટણી પ્રચારનું શસ્ત્ર બનાવ્યું હતું. હવે ઉદ્ધવ-રાજ મરાઠી મતોના ધ્રુવીકરણ માટે આ જ વાક્યનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.      

મહારાષ્ટ્રના એકેય રાજકીય પક્ષના રાજકારણીઓ વિચારધારાની દુહાઈ આપી શકે એમ નથી, કેમ કે આખી જિંદગી જેને ગાળો આપી એવા પક્ષ અને નેતાઓ સાથે મળીને સરકાર રચવા ઉપરાંત ચૂંટણીઓમાં ગઠબંધન કર્યા છે. આથી, હમામમાં નિર્વસ્ત્ર એવા આ તમામ નેતાઓ હવે પોતાની વોટ બૅન્કને સુરક્ષિત કરવા ઊતરી આવ્યા છે અને આમાં મરાઠી-અમરાઠી તથા હિન્દુ-મુસ્લિમ જેવા મુદ્દા કેન્દ્રમાં આવી ગયા છે. દરેક પક્ષ પોતાની વોટ બૅન્કને એ ઠસાવવા માગે છે કે મારા સિવાય તમારું ભલું ઇચ્છનારું કોઈ નથી. મજાની વાત એ છે કે અનેક રાજકીય પક્ષો માટે તો આ ચૂંટણી અસ્તિત્વ અને ઓળખ ટકાવી રાખવાની લડત છે, પણ તેઓ લોકોને લડાવી મારવા સજ્જ થઈ રહ્યા છે. મરાઠી અસ્મિતા નહીં, પણ હિન્દુત્વને આગળ કરી મરાઠી મતો મેળવવાનો ભાજપનો આશય છે. આ બધા વચ્ચે ખરા મુદ્દાનો ખો નીકળી ગયો છે અને ભળતી જ બાબતો સાથે ખો-ખો રમાઈ રહ્યો છે.