• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

જવાબદાર કોણ?

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં જેની ગણતરી થાય છે તે ઈન્દોર ચર્ચામાં છે, કારણ છે ત્યાં થયેલી જળદુર્ઘટના. ના, હોનારત નથી કે નથી કોઈ ડૂબીને મર્યું. દૂષિત પાણી પીવાથી 15 નાગરિકોનાં મોત ઈન્દોરમાં થયાં છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ પ્રશાસનની બેદરકારીનો વરવો નમૂનો છે. પાણીની પાઈપલાઈન કે અન્ય સ્રોતોની સ્વચ્છતા, જાળવણી ન થતાં હોવાની આ ગવાહી છે. ઈન્દોરમાં જ આવું થાય તેવું નથી કોઈ પણ શહેરમાં આ અનિચ્છનીય બનાવ બની શકે તેમ છે. નાગરિક સુવિધા સાથે જોડાયેલાં કોઈ પણ તંત્ર હોય તેણે આવી બેદરકારી રાખવી જોઈએ નહીં. સામાન્ય લાગતી બાબતો પણ જીવલેણ નીવડી શકે તેનું આ દૃષ્ટાંત છે.

ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં બનેલી ઘટના સાંયોગિક નથી. તંત્રની સંપૂર્ણ બેજવાબદારી અહીં છતી થાય છે. પાણી વિતરણની વ્યવસ્થા ઉપર નિયંત્રણ ન હોય તેવું ફલિત થયું છે. હવે જ્યારે વહીવટી વિભાગની પોલ છતી થઈ છે, સરકારનો અંકુશ નથી તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સહાય, તપાસથી લઈને રાજકીય આક્ષેપો શરૂ થયા છે. આ વિસ્તારમાં વિતરિત થયેલાં દૂષિત પાણીને લીધે 1400 માણસો બીમાર થયા હતા, જેમાંથી 200ને હૉસ્પિટલે ખસેડાયા હતા. 15નાં મૃત્યુ થયાં છે. સરકાર એવી રાહત આપી રહી છે કે જેમણે ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી છે તેમને દવાના ખર્ચના પૈસા સરકાર આપી દેશે. આ આશ્વાસનથી ગયેલા લોકોના જીવ પાછા આવવાના નથી. 

ઈન્દોર પછી પડોશી નગર ઉજ્જૈનમાં પણ આવી ફરિયાદ ઊઠી છે. જોકે, દેશના કયાં શહેરમાં આ સમસ્યા નથી તે જ પ્રશ્ન છે. ઈન્દોર પ્રકરણમાં લૅબોરેટરીના રિપોર્ટમાં એવું ખૂલ્યું કે જે પાણી પીવાથી માણસોનાં મૃત્યુ થયાં તેમાં મળમૂત્ર જેવા બૅક્ટેરિયા હતા. હજી આ સમાચાર વહેતા થયા ત્યાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીને લીધે બીમારી ફેલાઈ હોવાની વાત છે. જોકે, કોઈ જાનહાનિ નથી. કોઈ પણ રાજ્યનાં કોઈ તંત્ર-શાસકોએ આવી બાબતે અત્યંત સતર્ક રહેવું જોઈએ. જળસ્રોત શુદ્ધ હોવા જોઈએ, વિતરણ વ્યવસ્થા ટેન્કરથી હોય, પાઈપથી હોય કે ટાંકા ભરવામાં આવતા હોય તેની શુદ્ધિ અત્યંત અગત્યની છે. 

અનેક શહેરમાં તૂટેલી પાઈપલાઈનથી પાણી વિતરણ થતું હોય છે, ભૂગર્ભ ગટરની લાઈન અને પાણીની લાઈન એક થઈ હોવાથી પાણી દૂષિત થયું હોવાના પણ અનેક દાખલા છે. પાણી તો નાગરિકની પ્રાથમિક જરૂરત છે અને તંત્રની પ્રાથમિક ફરજ. જો તેના વિતરણમાં પણ આવી ગંભીર બેદરકારી રહેતી હોય તો વિકાસના નામે કોઈ પણ યોજના થાય, મહેલો પણ બને તે શું કામનું? ઈન્દોર જેવી ઘટના અન્યત્ર બને નહીં તે જોવું જોઈએ. પાણી દૂષિત થવાના જે કોઈ કારણ હોય તે શોધી ગામેગામ આ સમસ્યાનો અંત લાવવા રાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ હાથ ધરાવી જોઈએ. પાઈપલાઈનના કૉન્ટ્રાક્ટર કે સંબંધિત અધિકારી-કર્મચારીને શિક્ષા થવી જોઈએ. જળ એ જ જીવન છે તેવા સરકારી સૂત્રો છે, તો પછી જળ મૃત્યુ કેવી રીતે બની શકે?