• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

પ્રલોભનકારી રાહતનાં વચન

ઉદ્ધવ ઠાકરે સેના અને નવનિર્માણ સેનાનો ચૂંટણી ઘોષણા પત્ર વિધિસર જાહેર થાય તે પહેલાં બંને પક્ષોના બંને યુવા નેતાઓ - આદિત્ય ઉદ્ધવ ઠાકરે અને અમિત રાજ ઠાકરેએ મુંબઈના મતદારોને મહત્ત્વનાં વચનો આપ્યાં છે. સિનિયર નેતાઓએ બંને યુવા ચહેરાઓને મોરચા અને મંચ ઉપર બેસાડીને યુવાવર્ગના પ્રતિનિધિ પ્રોજેક્ટ કર્યા છે અને મુંબઈકરને પ્રલોભનકારી રાહતનાં વચન આપ્યાં છે. માત્ર મરાઠીભાષી અને મરાઠી ભાષા ઉપર ભાર મૂકવાને બદલે જે `રાહતો'ની જાહેરાત થઈ છે તે ભાજપ અને શિંદેસેનાના વિકાસ વચનોથી આગળ વધીને નાણાકીય રાહતોનાં વચનો વધુ આકર્ષક બને એવી ગણતરી છે.

ઘરકામ કરતી બાઇઓને માસિક પંદરસો રૂપિયા સરકાર આપશે. અલબત્ત, આ માટે નામ નોંધાવવા પડશે. આ સહાય `બેકાર' હોય તેને જ મળશે એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી પણ હાલ કામવાળી કે કામવાળાને પંદરસોથી વધુ માસિક પગાર મળે છે. સંખ્યાબંધ બિનસરકારી સંસ્થાઓ તબીબી સેવા પૂરી પાડે છે અને તેના નોંધાયેલાં `સેવક-સેવિકાઓ'ને દૈનિક સરેરાશ 800થી 1000 રૂપિયા મળે છે. નેતાઓ કદાચ નહીં જાણતા હોય.

ભૂતકાળમાં મુંબઈમાં ઝુણકા-ભાખરની બોલબાલા હતી. ચેન્નઈમાં અમ્મા-ઇડલીથી પેટપૂજાની શરૂઆત થઈ હતી. હવે મનસે અને ઉબાઠા સેનાના `મા સાહેબ કિચન'માં રૂા. 10માં ભોજન-નાસ્તો આપવાની અૉફર છે.

નોકરિયાત વર્ગને લાભ આપવા માટે 500 ચો.ફૂટના ફ્લૅટને પ્રૉપર્ટી ટૅક્સમાંથી બાકાતી અપાશે. વર્તમાન સરકારે 750 ચો.ફૂટ માટે આ રાહત આપી છે - હવે વધુ લોકોને મળશે. અલબત્ત, સત્તા મળ્યા પછી સત્તાવાર નોટિફિકેશન બહાર પડે ત્યારે તેની અસર જાણવા મળશે. ભૂતકાળમાં ભાડૂતોને સસ્તામાં ઘરમાલિક બનાવવાની જાહેરાત થઈ હતી તે લોકો યાદ કરશે.

યુવાવર્ગને પોતાના ધંધા-વ્યવસાય શરૂ કરવા માટે પચીસ હજારથી એક લાખ સુધી મદદ મળશે. સરકારી શાળાઓમાં દસમા ધોરણ પછી જુનિયર કૉલેજો શરૂ થશે. મરાઠી ભાષા ફરજિયાત હશે.

મુંબઈમાં જૂનાં મકાનો રિડેવલપમેન્ટમાં જાય છે ત્યારે દરેક ફ્લૅટદીઠ એક પાર્કિંગ ફરજિયાત આપવાની - જોગવાઈ થાય તો પણ તેનો અમલ આસાન હશે? વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને કંપનીઓ પ્રોડક્શન વધારશે પણ બીલ્ડરો માટે સમસ્યા વધી શકે છે. હકીકતમાં જાહેર પરિવહન `બેસ્ટ' બને તેનો પ્રબંધ છે?

આ યુવાનેતાઓએ વીજળીના મીટરના વિવાદમાં પડયા વિના પૂર્વ અને પશ્ચિમનાં પરાંવાસીઓને 100 યુનિટ સુધી વિનામૂલ્યે વિદ્યુત પુરવઠો આપવાની વ્યવસ્થા `બેસ્ટ' દ્વારા થશે એમ જણાવ્યું છે.

સૌથી મોટી જાહેરાત છે મુંબઈ પોર્ટ ટ્રસ્ટની. 1800 એકર જમીનની માલિકી - અંકુશ મેળવવાનો પ્રયાસ કરશે-પણ આ કામ આસાન નથી. કેન્દ્ર સાથે સંઘર્ષ થાય. દેશના સંરક્ષણ સાથે મુંબઈ પોર્ટનું મહત્ત્વ છે.

ઉમેદવારોને પ્રચારમાં મદદ અને માર્ગદર્શન માટે યુવાન નેતાઓ આગળ આવ્યા છે. હવે આ વચનોની અસર જનમાનસ - મતદાતાઓ ઉપર કેવી પડે છે તે જોવાનું છે.